________________
૩૧૬ |
શ્રી ઠાણાગ સત્ર-૨
દસમું સ્થાન જેન્જ પરિચય છે
જે
આ સ્થાનમાં દસ સંખ્યા સંબંધિત વિષય વર્ણિત છે. ઉદ્દેશક રહિત આ સ્થાનમાં વિષયોનું વૈવિધ્ય જોવા મળે છે. આ સ્થાનમાં ન્યાયશાસ્ત્ર, ગણિતશાસ્ત્રના મુખ્ય ભેદો, વચનના પ્રકાર વગેરે વિષયો વર્ણિત છે. ગણિતશાસ્ત્ર અને તાત્વિક વિષયોની પ્રધાનતા હોવા છતાં આ સ્થાનમાં આચારશુદ્ધિ અને ધર્મકથા સંબંધિત સૂત્રો પણ દષ્ટિગોચર થાય છે.
આ સ્થાનમાં અગ્નિ, વિષ, મીઠું, ક્ષાર, આમ્લતા રૂપ છ દ્રવ્ય શસ્ત્રનો તથા મન, વચન, કાયાની દુષ્યવૃત્તિ અને મનની આસક્તિ રૂપ ચાર ભાવ શસ્ત્રનો નિર્દેશ છે. આ સ્થાનમાં પ્રવ્રજ્યાના દસ પ્રકાર કહ્યા છે, તે વાસ્તવમાં પ્રવ્રજ્યાના કારણ છે. પ્રવ્રજ્યા ગ્રહણના અનેક કારણો હોય પરંતુ સૂત્રકારે અહીં દસ કારણોનું સંકલન કર્યું છે. આગમકારે તેના ઉદાહરણનો ઉલ્લેખ કર્યો નથી. ટીકાકારે તેના ઉદાહરણો આપ્યા છે. સેવા એ સંગઠનનું અતૂટ સૂત્ર છે. સેવા બે પ્રકારની હોય છે. શારીરિક અને માનસિક, શારીરિક રોગિષ્ઠ અવસ્થાને સરલતાથી દૂર કરી શકાય છે પણ માનસિક રોગિષ્ઠ અવસ્થાઓને દૂર કરવા ધીરજ અને સમતાની આવશ્યક્તા રહે છે. આ સ્થાનમાં સેવાના દસ પ્રકાર કહ્યા છે. તેમાં બંને પ્રકારની સેવાનું સુંદર વર્ણન પ્રતીત થાય છે.
ભારતીય સંસ્કૃતિમાં દાનની પરંપરા ઘણી પ્રાચીન છે. દાન દેવાના અનેક કારણો હોય છે. કેટલીક વ્યક્તિ ભયથી દાન આપે છે તો કેટલીક વ્યક્તિ પ્રસિદ્ધિ, કીર્તિ માટે દાન આપે છે તો કેટલીક વ્યક્તિ અનુકંપા કે દયાથી પ્રેરાઈને દાન આપે છે. આ સ્થાનગત દસ પ્રકારના દાનનું નિરૂપણ તત્કાલીન સમાજની પ્રચલિત પ્રેરણાઓનો ઇતિહાસ રજૂ કરે છે.
દસ સંજ્ઞામાંથી આઠ સંજ્ઞા સંવેગાત્મક છે અને અંતિમ લોકસંજ્ઞા અને ઓઘસંજ્ઞા જ્ઞાનાત્મક છે.
દસ પ્રકારના ધર્મના કથનમાં ધર્મ અને કર્તવ્ય, અલગ-અલગ છે તેનો સ્પષ્ટ ઉલ્લેખ આ સ્થાનમાં જોવા મળે છે. દસ આશ્ચર્યનું વર્ણન આ સ્થાનમાં પ્રાપ્ત થાય છે. આ દસે આશ્ચર્યની પૃષ્ઠભૂમિમાં અનેક ઐતિહાસિક તથ્ય ગર્ભિત છે. આ રીતે આ સ્થાનમાં વિષયની વિવિધતા સાથે ઐતિહાસિક, ભૌગોલિક, વૈજ્ઞાનિક અને તાત્વિક તથ્યોને ઉદ્ઘાટિત કર્યા છે.