________________
| ૨૮૮ |
શ્રી ઠાણાગ સૂત્ર-૧
કંડરીક જેવા પુત્ર કુળસંપદાને નષ્ટ કરે છે.
ભગવાન મહાવીર સ્વામી સત્ય સાધક હતા. તેઓએ લોકોને સત્ય સાધના આપી પરંતુ બાહ્ય ઉપકરણોનો મિથ્યા આગ્રહ આપ્યો નથી. સચેલ–અચેલ, ઉપકરણ સહિત ઉપકરણ રહિત બંને પ્રકારની સાધનાને મોક્ષદાયક કહી છે.
સાધારણ રૂપે સત્યનો સંબંધ વાણી સાથે હોય છે, તેમ માનવામાં આવે છે પરંતુ પ્રસ્તુત સ્થાનમાં સત્યનું વ્યાપક સ્વરૂપ પ્રદર્શિત કર્યું છે. સત્યનો સંબંધ મન, વાણી, કાયા ત્રણે સાથે છે. તે સત્યને કાયાની ઋજુતા, ભાષાની ઋજુતા અને ભાવની ઋજુતા, આ ત્રણેની અવિસંવાદિતા દ્વારા પ્રગટ કર્યા છે.
પ્રસ્તુત સ્થાનમાં વ્યવહારિક વિષયોનું પણ યથાર્થ નિરૂપણ છે. વિભિન્ન મનોવૃત્તિવાળી વ્યક્તિઓ પ્રત્યેક યુગમાં હોય છે. અમુક મનોવૃત્તિવાળા અમુક યુગવિશેષમાં જ હોય તેવું નથી. એક ચૌભંગીમાં સૂત્રકારે દર્શાવ્યું છે કે કેટલાક પુરુષ આમ્રપ્રલમ્બકોરક જેવા છે. તે સેવા કરનારનો ઉચિત્ત સમયે ઉચિત ઉપકાર કરે છે. કેટલાક પુરુષ તાલપ્રલમ્બકોરક જેવા હોય છે, તે દીર્ઘકાળથી સેવા કરનારનો ઉચિત ઉપકાર કરે છે પણ ઘણી મુશ્કેલીથી. કેટલાક પુરુષ વલ્લીપ્રલમ્બકોરક જેવા હોય છે, તે સેવા કરનારનો સરળતાથી, શીધ્ર ઉપકાર કરે છે. કેટલાક પુરુષ મેષવિષાણકારક જેવા છે. તે સેવા કરનારને મધુર વચનો દ્વારા જ પ્રસન્ન રાખવા ઈચ્છે પણ તેનો ઉપકાર કરતા નથી.
આ રીતે વિવિધ વિષયોથી પરિપૂર્ણ આ સ્થાન જ્ઞાનસંપદાનો અક્ષયકોશ છે.