________________
[ ૨૧૨ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ).
અજ્ઞાનવાદીની માન્યતા ન્યાયોચિત નથી, કારણ કે અજ્ઞાનવાદનું પ્રવર્તન કરવા માટે પણ જ્ઞાનની જ જરૂર પડે છે. આ રીતે અજ્ઞાનવાદ સ્વવચનથી જ બાધક બને છે.
જ્ઞાનથી વાદ-વિવાદ આદિ થાય તેમ પણ એકાંતે નથી. કદાચ પોપટીયા જ્ઞાનથી વાદ-વિવાદ થાય, પરંતુ સમ્યગ્દર્શન સહિતનું જ્ઞાન આત્માને ક્રમશઃ સમ્યક ચારિત્રમાં, સમભાવમાં સ્થાપિત કરે છે. અજ્ઞાની બાળક અગ્નિનો સ્પર્શ કરે, તો પણ તે દાઝે જ છે. અજ્ઞાની પુરુષ હિંસાદિ પાપકર્મનું સેવન કરે, તો તેને પણ કર્મનો બંધ થાય જ છે અને અજ્ઞાનજન્ય કર્મોનું ફળ અજ્ઞાનીને ભોગવવું જ પડે છે તેથી અજ્ઞાન શ્રેષ્ઠ છે, તેમ નથી.
અજ્ઞાની વ્યક્તિ જીવ–અજીવને કે પુણ્ય-પાપને, ધર્મ-કર્મને જાણતા ન હોવાથી કલ્યાણકારી માર્ગનો સ્વીકાર કરી શકતા નથી. મોક્ષ માર્ગની સાધના માટે જ્ઞાન આંખ સમાન છે. જ્ઞાની વ્યક્તિ જ ચારિત્ર માર્ગનો સ્વીકાર કરીને કર્મક્ષયની સાધના કરીને મુક્ત થઈ શકે છે. વિનયવાદ – માત્ર વિનયને જ કલ્યાણનો માર્ગ માનનારા. તેમના મતાનુસાર સમસ્ત ગુણોમાં વિનય સર્વ શ્રેષ્ઠ ગુણ છે. વિનયનું આચરણ કરનાર વ્યક્તિ ક્રમશઃ સર્વ ગુણોને પામે છે, તેથી સર્વનો વિનય કરવો, જે સામે હોય તેને નમસ્કાર કરવા, તે જ સાધના છે, સામી વ્યક્તિ ગમે તેવી હોય, ઉચ્ચ કક્ષાની હોય કે નિમ્મતમ કક્ષાની હોય, ધર્મની આરાધના કરે કે ન કરે પરંતુ તેને જોયા કે જાણ્યા વિના આપણે સર્વને એક સમાન માનીને નમસ્કાર કરવા તે જ સર્વ શ્રેષ્ઠ છે. તેના ૩ર ભેદ છે
(૧) રાજાનો (૨) જ્ઞાની પુરુષનો (૩) વૃદ્ધનો (૪) માતાનો (૫) પિતાનો (૬) ગુરુનો (૭) ધર્મનો અને (૮) સૂર્યનો; આ આઠનો મન, વચન અને કાયાથી વિનય કરવો અને બહુમાનપૂર્વક તેની ભક્તિ કરવી. આ રીતે ૮X ૪ = ૩ર ભેદ થાય છે.
ઉપરોક્ત એકાંતિક કથન મિથ્યા છે. વિનય ધર્મનું મૂળ છે. તેમ છતાં વિનય સાથે વિવેક હોવો જરૂરી છે. વિવેકપૂર્વક વિનયગુણની આરાધના કરનાર ક્રમશઃ અન્ય ગુણોને પામે છે. ખરેખર વ્યક્તિની કક્ષા પ્રમાણે વિનય થાય, તે જ શ્રેષ્ઠ છે.
આ રીતે ક્રિયાવાદીના ૧૮૦ ભેદ + અક્રિયાવાદના ૮૪ ભેદ, અજ્ઞાનવાદના ૬૭ ભેદ +વિનયવાદના ૩ર ભેદ, સર્વ મળીને પાખંડીઓના ૩૬૩ ભેદ થાય છે.
આ સર્વ મતવાદીઓ પોત-પોતાની માન્યતાઓ એકાંતે રજુ કરે છે, એકાંતે તે–તે માન્યતાને સ્વીકારીને તે પ્રમાણે આચરણ કરતા હોવાથી તે સર્વ કાર્યની સિદ્ધિ કે સર્વ કર્મોથી મુક્તિ રૂપ ફળને પ્રાપ્ત કરી શકતા નથી.
જ્યારે વ્યક્તિ કોઈપણ પદાર્થને અનેક દષ્ટિકોણથી જાણે, ત્યારે જ તેનું યથાર્થ દર્શન થાય છે. જૈન દર્શન વીતરાગી અને સર્વજ્ઞ દ્વારા કથિત અનેકાંતિક દષ્ટિકોણને સ્વીકારનારું હોવાથી પૂર્ણ છે અને આત્મશુદ્ધિનો શ્રેષ્ઠતમ માર્ગ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org