________________
( ૪૧૪]
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
પાપકર્મથી છૂટવાને શક્તિમાન નથી તે પોતાના આત્માનું ક્ષણે ક્ષણે દેવાળું કાઢે તેમાં આશ્ચર્ય જેવું કશું નથી. (ઉદ્દેશક ૧, સૂત્ર ૫) જે અહિંસા, સત્ય અને નિર્મમત્વને સાથી બનાવવાનું કહ્યું તે જીવન વ્યવહારમાં કેમ ઉતરે એનો માર્ગ બતાવે છે અને આ બે સૂત્રોમાં તો સૂત્રકાર મહાત્માએ અધર્મની અને પાપની આખી ગુંચવણનો ઉકેલ પણ આપી દીધો છે. આ વાત પ્રત્યેક સાધકને ખૂબ ખૂબ મનનીય છે. તેઓ પ્રથમ સૂત્રમાં એમ કહે છે કે આ જગતમાં કોઈ પણ દેહધારી એવો જીવાત્મા નથી, કે જે કર્મ સમારંભથી એટલે કે ક્રિયાઓથી મુક્ત હોય. સાધકો પછી ભલે તેઓ નિવૃત્તિક્ષેત્ર કે પ્રવૃત્તિક્ષેત્ર, જ્ઞાનયોગ કે કર્મયોગ, કે એવા બીજા કોઈ ક્ષેત્રમાં યોજાયા હોય તે સૌને ક્રિયાઓ કરવી પડે એ બનવા યોગ્ય છે. કોઈ કોઈ પ્રસંગે શારીરિક કે માનસિક એ બન્ને ક્રિયાઓ પૈકી કોઈ એક મુખ્ય હોય અને બીજી ગૌણ હોય, પણ ક્રિયાઓ નથી એમ તો ન જ કહી શકાય. એટલે બીજા સૂત્રમાં કહે છે કે ક્રિયાઓ છે માટે પાપકર્મ છે એવું એકાંત નથી. જે મેધાવી સાધક તે ક્રિયાઓમાં વિવેક રાખે છે તે પાપકર્મથી બચી શકે છે.
અધર્મમાં આત્માનું પતન છે જ. પાપમાં આત્માનું પતન હોય અને ન પણ હોય. અધર્મ અને પાપની આ તરતમતા ખૂબ વિચારવા યોગ્ય છે.
વિવેકબુદ્ધિ, સંયમ અને પાપભીસ્તા સફળ થયાં ત્યારે જ ગણાય કે જ્યારે હિંસાના સંસ્કારો નિર્મળ થઈ વૃત્તિમાં અહિંસકતાનો સંચાર થાય.
જ્યાં પાપ નથી, પાપી વૃત્તિ નથી, સ્વાર્થ નથી, વાસના નથી, કલેશ કંકાસ નથી તથા કદાગ્રહ પણ નથી અને 'સાચુ એ જ મારું એવી ભાવના પ્રબળપણે વર્તે છે, ત્યાંજ સદ્ધર્મ ટકે છે. આવો સધર્મી સાધક ગમે ત્યાં વસીને કે રહીને સત્યની સાધના પોતે કરે અને અન્ય સાધકોને મતિથી જ નહિ, માત્ર વાણીથી જ નહિ, પણ વર્તનથી પ્રેરક બને.
કદાગ્રહનો કુહાડો વિકાસ વૃક્ષના મૂળને જ કાપી નાખે છે. (ઉદ્દેશક ૨, સૂત્ર ૧,૨,૩) ભિક્ષુને ભોજનની આવશ્યક્તા હોય અને તેવા વખતે કોઈ આદર્શ ભક્ત બની ભક્તિપૂર્વક ભોજન લાવે કે સુંદર સ્થાનનું આમંત્રણ કરે તો એ પણ એક જબ્બર પ્રલોભન ગણાય. તો યે ભિક્ષુ પોતાની પ્રતિજ્ઞાનું, ત્યાગના નિયમોનું યથાર્થ પાલન કરે અને ત્યાંજ એ ત્યાગીના દઢ સંકલ્પની કસોટી છે.
જોકે સૂત્રમાં આહારાદિ સામગ્રીના આમંત્રણની જ વાત છે. એથી પ્રત્યક્ષ તેટલી હાનિ દેખાતી નહોય તો પણ આટલી છૂટથી પ્રલોભનની વૃત્તિને જે વેગ મળે છે, એ વેગનું પરિણામ અવશ્ય ભયંકર નીવડે છે. એટલે એવા ભવિષ્યથી બચવા માટે જ આ વિષય પર અતિ મહત્ત્વ અપાયું છે.
આ સૂત્રમાંથી મૂળ નિયમો પર પ્રાણાંત ટકી રહેવાની અડગતા અને કોઈને લેશ પણ ભારભૂત ન થાય એવી સાધુતા સ્પષ્ટ દેખાઈ રહે છે. કોઈ ભક્તનું મન રાખવા ખાતર નિયમોમાં શિથિલ થવું એમાં વૃત્તિની દૂષિતતા છે અને દાતા કપિત થયો છે કે થશે તેવા ભયથી તેનો કોપ શમાવવા માટે નિયમોને ઢીલા કરવા તેમાં વૃત્તિની નિર્બળતા છે. આ બન્ને દશા પવિત્ર અને પૂર્ણ નિર્ભીક એવા ત્યાગી જીવનને સંગત નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org