________________
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
(ઉદ્દેશક ૩, સૂત્ર ૨) તીર્થંકર દેવની આજ્ઞામાં રહેવું એટલે સચ્ચારિત્રને જીવનમાં વણવું. નિરાસક્તિ અને વિવેકબુદ્ધિનો સહચારી જ ચારિત્ર આરાધી શકે એમ સાધકનાં વિશેષણોથી અહીં ફલિત થાય છે પરંતુ ઘણીવાર નિરાસત અને વિવેકી સાધકને પણ જ્યાં સુધી રાગદ્વેષના બીજ સંપૂર્ણ રીતે ન બળી ગયાં હોય ત્યાં સુધી જરાયે તે ગાફેલ થાય તો ઘણું સહેવું પડે છે. એટલે અહીં રાત્રિના પ્રથમ અને પાછલા પહોરે ચિંતન કરવાનું કહી સંપૂર્ણ જાગૃત રહેવાનું સૂચવ્યું છે. જો કે અહીં કાળને અપેક્ષીને પ્રથમ અને અંતિમ પળો માટે સાવધાન રહેવાનું સૂચવ્યું છે પરંતુ ખરી રીતે તો આ વાત પ્રત્યેક ક્રિયાપરત્વે ઘટાડવાની છે. પ્રતિક્રમણ ક્રિયા કે જેને અનુભવી પુરુષોએ, ગૃહસ્થ હોય કે ત્યાગી હોય તે બન્નેને કરણીય બતાવી છે, તેમાં પણ આ જ જાતનું રહસ્ય સમાયું છે.
ser
નિરાસક્તિ અને વિવેકબુદ્ધિ પ્રાપ્ત થાય ત્યાંયે અહંકાર ન હોવો જોઈએ, એમ કહેવા સારુ ક્રિયા થતાં પહેલા તે ક્રિયાના પરિણામનો વિચાર અને ક્રિયા થયા પછી તેના ફળનો ત્યાગ, આ બન્ને વાત સુત્રકાર અહીં સાથે કહી નાંખે છે. એટલે એનો સારાંશ એ નીકળ્યો કે નિરાસક્તિ અને વિવેક એ માત્ર વાણી કે મનનો વિષય નથી. એનો પ્રત્યેક ક્રિયા સાથે સંબંધ છે. એટલે જ પ્રત્યેક ક્રિયા કરતાં પહેલા સાધકે તેની જરૂરિયાત, ઉપયોગિતા અને સ્વપરહિતતાનો ખ્યાલ કર્યા વગર ન ચાલે. આ પ્રમાણે ક્રિયાના પરિણામનો અને હેતુનો વિચાર એ વિવેક અને ક્રિયા કર્યા પછી તેનું જે કંઈ ફળ મળે તેનો ત્યાગ, અર્થાત્ કે તે ક્રિયા જે હેતુએ કરી હોય તે હેતુ સરે કે ન સરે, તેનું પરિણામ સુંદર આવે કે અસુંદર આવે, તોયે ચિત્ત ઉપર કશી અસર ન થાય તેવી સમતા રહે, એવી ચિત્તની સહજદશા થવી એ નિરાસક્તિ.
જીવનમકાનમાં ચારિત્રનું ચણતર હોવું જ જોઈએ. તો જ તે રસમય, સૌંદર્યમય અને નિષ્કપ, અડોલ, બને; એવો અનુભવીજનોનો આગ્રહ શા માટે છે, તેનો સૂત્રમાં ઉકેલ છે. એક સંસ્કૃતિ એમ પણ માને છે કે વ્યવસ્થા અને નિયમન બન્ને જાળવી પદાર્થોમાંથી બને તેટલાં રસ, સૌન્દર્ય અને કળાનો ઉપયોગ કરવો, એ વિકાસને બાધક નથી. આજે વૈજ્ઞાનિક શોધખોળનો આ રીતે ઉપયોગ થતો હોય એમ મનાય છે. વિશ્વમાં આજે આ સંસ્કૃતિનો ખૂબ પ્રચાર પણ થયેલો અને ઘતો નજરે પડે છે.
પરંતુ મહાપુરુષોનો અનુભવ અહીં જુદુ જ વદે છે. તેઓ કહે છે કે અનુભવ પછી અમોએ સિદ્ધ કર્યું છે કે કળા, રસ અને સૌંદર્ય જીવનનું સંવાદન છે. પદાર્થોનું દબાણ તેમાં માત્ર નિમિત્તભૂત છે. તે નિમિત્તથી જે સૂરો નીકળે છે, સંવાદન સાધી જે સંગીત સ્ફૂરે છે, તે અંતરનું છે. જે બહારથી આવતું દેખાય છે તે શોધના અભાવે જ છે, સ્વાભાવિક તેમ નથી. પદાર્થોમાં સૌંદર્ય, કળા કે રસ, સૌંદર્ય અને આનંદને બાહ્યરૂપે પ્રગટ થવાના નિમિત્તરૂપ બની શકે અને તેવું પણ ત્યારે જ બને કે જ્યારે વાસના અને લાલસાના ચિત્ત પર સ્થાપિત થયેલા સંસ્કારોનો એ પદાર્થો પર આરોપ ન હોય. પદાર્થોનાં બાહ્ય આકાર પર જે મોહ જાગે છે તેનું મૂળ વાસના છે અને પદાર્થોને પકડી રાખનારો પરિગ્રહ જાગે છે તેનું મૂળ લાલસા છે. લાલસા અને વાસનાનાં મૂળમાં શાંતિ અશક્ય છે એમ ફરીફરી સૂત્રકાર કહે છે. એટલે જેટલે અંશે મોહ અને પરિગ્રહ છૂટે તેટલે અંશે સદાચારનું પાલન થાય.
(ઉદ્દેશક ૩, સૂત્ર ૫) આંતરડોકિયું મારવું એટલે શું? એની વ્યવહારુ સમજ સૂત્રમાં છે. વિવેકબુદ્ધિ જાગે ત્યારે આંતરડોકિયું કરાય. પરંતુ વિવેકબુદ્ધિના સંબંધમાં પણ કંઈ ઓછી ગૂંચ ઊભી થઈ નથી. ડહાપણ અને વિવેકબુદ્ધિને જગતના ડાહ્યા પુરુષો એક માને છે, પણ ડહાપણનું વલણ બહારનાં જગત તરફ હોય છે અને વિવેકબુદ્ધિનું વલણ પોતાના અંતઃકરણ તરફ હોય છે. એ બન્નેનું આ તારતમ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org