________________
૩૮૪
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
(ઉદ્દેશક ૪, સૂત્ર ૭) જ્યાં સુધી પુરુષોની આજ્ઞામાં શ્રદ્ધા હોતી નથી, ત્યાં સુધી સાધનામાંનિશ્ચયતા આવતી નથી. આજ્ઞામાં શ્રદ્ધા ન હોય, ત્યાં સુધી અંતઃકરણ ઈચ્છે તોય આજ્ઞાનું યથાર્થ પાલન ન જ થઈ શકે. અર્પણતા વિના આજ્ઞાપાલન ન થાય, અને અર્પણતા તો શ્રદ્ધા પછી જ આવે તેથી જ અનુભવી પુરુષો ભાખે છે કે, 'શ્રદ્ધાવાન મતે જ્ઞાનમ્' I આત્મજ્ઞાન શ્રદ્ધાથી જ જન્મે છે. સારાંશ એ છે કે શ્રદ્ધા જ સૌથી પ્રથમ અગત્યની વસ્તુ છે. શ્રદ્ધા પછી જ સાચું જ્ઞાન જાગે છે, અને તેવા જ્ઞાન પછી જ શાન્તિ સાધ્ય બને છે.
શ્રદ્ધા એ હૃદયની વસ્તુ છે, તોયે તે સાચી રીતે ત્યારે જ જાગે છે કે જ્યારે સદ્બુદ્ધિના અંશો સર્વ રીતે ખીલ્યા હોય,નિરાભિમાનતા આવી હોય અને આશામાં અર્પણ થઈ જવા જેટલી બુદ્ધિ ઘડાઈ ગઈ હોય. આ વાત ભૂલવી જોઈએ નહિ. સપુરુષ, શાસ્ત્ર અને સદ્ગદ્ધિ દ્વારા કરેલો નિશ્ચય એત્રિપુટિના મેળથી સાચી શ્રદ્ધા જાગે છે, એમ મહાપુરુષો વદે છે. આવી સાચી શ્રદ્ધા કેવળ તર્કબુદ્ધિથી કે કેવળ લાગણીના ઉછાળાથી આવી શકે નહિ. તે માટે શુદ્ધ હૃદય અને સદબુદ્ધિ બન્ને તૈયાર જોઈએ, અર્થાત્ જિજ્ઞાસા જોઈએ, વૈરાગ્ય જોઈએ અને વિવેક પણ જોઈએ. શ્રદ્ધા દ્વારા સાચું આત્મજ્ઞાન થાય અને આ થયા પછી જ ભય વિરમે. જે પોતે નિર્ભય બને છે, તેનાથી જગત પણ નિર્ભય જ બને છે. આ સ્થિતિ સહજતાની છે; સંપૂર્ણ અહિંસાની છે. કારણ કે જે અંદર છે તેનું જ બહાર પ્રતિબિંબ દેખાય છે. અંદરની વૃત્તિ જ બહારની ક્રિયાનું મૂળ કારણ છે. સ્થિત પ્રજ્ઞ અને ભક્ત સાધક પોતે લોકથી બીતો નથી અને લોક તેનાથી બીતા નથી, કારણ કે તે પોતે નિર્ભય બન્યો હોય છે. અને જે પોતે નિર્ભય હોય, તે જ બીજાને નિર્ભય બનાવી શકે છે.
(ઉદ્દેશક ૪, સૂત્ર૯) હવે ત્યાગના ફળનો ઉપસંહાર કરતાં કરતાં સૂત્રકાર કષાયો અને તેનાથી જન્મતી સ્થિતિથી માંડીને ઠેઠ ભવભ્રમણ સુધીનો આખોયે ક્રમ વર્ણવી દે છે.
આ સુત્રમાં સમસ્ત પ્રાણીસમાજની ગંભીર ચિકિત્સા છે, જડ અને જીવાત્માના સંબંધનું બયાન છે, અને સંસારના મૂળભૂત કારણોની રહસ્યપૂર્ણ સમીક્ષા છે.
ક્રોધનું સ્થાન અહીં પ્રથમ મૂક્યું છે, તેમાં પણ રહસ્ય છે. ક્રોધનો ક્રિયારૂપે જે અનુભવ થાય છે તે પોતે ક્રોધ નથી, પણ ક્રોધનું પરિણામ છે. ક્રોધ એટલે જુસ્સો, આવેશ. આવો આવેશ પદાર્થ પ્રત્યેની આસક્તિના પરિણામથી જન્મે છે. ગીતાજીમાં પણ કામથી ક્રોધ, ક્રોધથી સંમોહ, સંમોહથી સ્મૃતિવિભ્રમ, સ્મૃતિવિભ્રમથી બુદ્ધિનાશ, બુદ્ધિનાશથી આત્મઘાત, આત્મઘાતથી અયુક્તતા, અયુક્તતાથી ભાવનાનો વિધ્વંસ, ભાવનાના વિધ્વંસથી સંપૂર્ણ અશાંતિ અને અશાંતિથી દુઃખ આ જ ક્રમ દર્શાવેલો છે. પણ આ ક્રમને કોઈ પણ સાધક પગથિયા રૂપે સમજીને પ્રથમ પહેલે પછી બીજે અને પછી ત્રીજે જવાય એમ ન સમજી લે! કારણ કે આવો ક્રમ સમજનાર ઘણીવાર ભૂલમાં પડે છે. જો કે ઘણા ખરા માણસોને ઉપલક રીતે જોઈએ એટલે કે ક્રિયા પરથી તપાસીએ તો તે ક્રોધી નથી દેખાતા પણ માની દેખાય છે. કોઈ અભિમાની દેખાય છે, પણ ક્રોધી નથી દેખાતા. પરંતુ આ દેખીતી સ્થિતિ એ વાસ્તવિક સ્થિતિ નથી, તેનામાં જે નથી દેખાતું તે માત્ર નિમિત્તકારણોની ગેરહાજરીને લઈને છે, મૂળકારણના નાશને લીધે નહિ. જે એક ક્ષેત્રનો દુર્ગુણ છે તે નિમિત્ત મળતાં બીજા ક્ષેત્રનો દુર્ગુણ બને એ સ્વાભાવિક છે.
જેનામાં એક સગુણ સ્વાભાવિકતાથી જાગે, તેનામાં બધાંયે ક્ષેત્રોમાં તે સગુણોનો પ્રકાશ પડવો જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org