________________
૨૬૮
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
સંપાદનનો પૂર્ણ અધિકાર આચાર્યોએ જ રાખ્યો હતો કારણ કે મૌખિકજ્ઞાન તો સીમિત રહે છે. જ્યારે લેખિત વિષય, પરંપરાએ અસીમિત થાય તે નિશ્ચિત છે. તેથી ભવિષ્યની હિતબુદ્ધિથી, પારદર્શી આચાર્યોએ શાસ્ત્ર સંપાદન સ્વયં અધિકારપૂર્વક કર્યું હતું તે ઉચિત જ હતું. કેટલાક સૂત્રોના ભિન્ન ભિન્ન વર્ણન આજે ઉપલબ્ધ છે, તેનું પણ સરળ સમાધાન તે જ છે અન્યથા અનેક તર્ક-વિતર્ક થઈ શકે છે.
આજે સુયગડાંગ સુત્ર અધ્ય. ૪ ઉ.૨ માં સ્ત્રીચર્યાનું સાંગોપાંગ વર્ણન છે જેની વાંચના આપવી કે સાંભળવી તે પણ સંકોચજન્ય છે. તેમાં જે મોહત્પાદક વર્ણન છે, તેનાથી ઘણું વિસ્તૃત વર્ણન મહાપરિજ્ઞા અધ્યયનમાં હતું. તેથી લેખનકાલમાં તેને વિચ્છિન્ન કર્યું છે, એમ સમજવાથી યોગ્ય સમાધાન થઈ જાય છે.
નિર્યુક્તિકાર શ્રી દ્વિતીય ભદ્રબાહસ્વામી શ્રી દેવદ્ધિગણીથી ૪૦-૫૦ વર્ષ પછી જ થયા હતા. ત્યાં સુધી આંશિક પરંપરા હતી, જેથી તેઓએ નિર્યુક્તિમાં તે અધ્યયનના નામની વ્યાખ્યા અને વિષય પરિચય આપ્યો છે. અધ્યયનના સાત ઉદ્દેશક હોવાનું કથન કરીને કોઈ પણ સૂત્ર વાક્ય, તેના અર્થ કે વિવેચનનો ઉલ્લેખ કર્યો નથી, તેથી સ્પષ્ટ થાય છે કે નિયુક્તિકારની પૂર્વે જ આ અધ્યયન વિચ્છિન્ન થયું હતું અને તે શાસ્ત્રલેખન કાલે જ વિચ્છિન્ન થયું હતું. ત્યાર પછી ચૂર્ણિકારે પણ નિયુક્તિના આધારે જ પોતાનો અભિપ્રાય પ્રગટ કર્યો છે. તત્પશ્ચાતુ ટીકાકારશ્રી શીલાંકાચાર્યે માત્ર વિચ્છેદ થયાનું જ કથન કર્યું છે.
આ પ્રશ્નનું મૂળભૂત કારણ એ છે કે શાસ્ત્ર લેખનકાળમાં જે સંશોધન, સંપાદનનું અધિકારપૂર્વક કામ કર્યું હતું તેનું વિવરણ ઈતિહાસરૂપે અલગ સંકલિત કર્યું નહીં હોય અથવા કદાચિત્ કર્યું હોય તો પણ તે એક બે પ્રત હોવાથી વિલીન થઈ ગયું હશે. તેનું જ્વલંત ઉદાહરણ છે–પ્રશ્નવ્યાકરણ સૂત્ર. નંદીસૂત્રમાં પ્રશ્નવ્યાકરણ અંગે ભિન્ન જ કથન છે અને ઠાણાંગ સૂત્ર, સમવાયાંગ સૂત્રમાં પ્રશ્નવ્યાકરણ સૂત્ર અંગે ભિન્ન કથન છે તેમાં એકરૂપતા નથી. વર્તમાને ઉપલબ્ધ પ્રશ્નવ્યાકરણનો વિષય ત્રણે સૂત્રોથી સર્વથા ભિન્ન છે.
આ રીતે અંગસૂત્રમાં પૂર્ણ પરિવર્તન કર્યા પછી પણ તેનું કોઈ લેખિત ઐતિહાસિક પ્રમાણ આચાર્યોએ સુરક્ષિત રાખ્યું નથી, તે જ અનેક પ્રશ્નોનું કે મૂંઝવણનું મૂળભૂત કારણ છે. આ પ્રમાણે વિચારવાથી યોગ્ય સમાધાન થઈ શકે છે. સાર:- સ્ત્રી પરીષહનું મોહોત્પાદક વર્ણન અને વિશિષ્ટ વિદ્યાઓનો સંકેત હોવાથી લેખનકાળમાં આ અધ્યયન વિચ્છિન્ન કર્યું હતું પરંતુ સમવાયાંગ સૂત્રમાંથી તેનું નામ વિચ્છેદ કર્યું નથી. પ્રશ્નવ્યાકરણ સૂત્ર નવું કર્યું તોપણ નંદી, ઠાણાંગ, સમવાયાંગમાં પરિચય વિષય યથાવત્ રાખ્યો છે. જેથી આજના તાર્કિક જિજ્ઞાસુઓને અનેક સત્યાસત્ય વિષયક કલ્પનાઓ કરવી પડે છે.
ગમે તે હો, પરંતુ આવું ઉત્તમ અધ્યયન આજે આપણી દષ્ટિથી છેક જ વેગળું થયું છે તે બદલ સમવેદના પ્રકટ કર્યા સિવાય આપણે બીજું શું કરી શકીએ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org