________________
આરાધનાની સફળતા-સવિ જીવ કરું શાસન દમિ !
પૂ.મુનિશ્રી દેવરત્નસાગરજી મ.સા.
શ્રી નમસ્કાર મહામંત્રની આરાધના કઇ રીતે સફળ બને ? કઇ રીતે પોતાને અનુભવ થાય ? તે માટે શાસ્ત્રકાર ભગવંતોએ અદ્ભૂત ચાવીઓ દર્શાવી છે. જેના પાલન વડે નવકાર મંત્રના પ્રભાવને આપણે પ્રત્યક્ષ અનુભવી શકીએ. શ્રી નવકારની સાધના માટે કેટલાક પાયાના ગુણો અનિવાર્ય છે. નવકાર પ્રત્યેની ભક્તિ આ ગુણો કેળવે છે અને નવકા૨ના આત્માનુભવ માટે આ ગુણો કેળવવા જોઇએ.
કોઇનો નાનામાં નાનો ઉપકાર ભૂલવો નહિ. વારંવાર યાદ કરવો. આ ઉપકારનો બદલો વાળવા યથાશક્તિ પ્રયત્ન અવશ્ય કરવો. કોઇએ કરેલા મોટામાં મોટા અપકારને યાદ ક૨વો નહિ. તેથી આપણી અમૂલ્ય શક્તિનો નિરર્થક વ્યય થાય છે. બીજાના ગુણો જોવા આરાધકે ગુણાનુરાગ કેળવવાનો છે. તમારા જીવનમાં તમે સદાય ગુણનાં પક્ષપાતી બનજો. સર્વ પ્રકારના પ્રયત્ન કરી પારકા દોષ જોવાના તથા બોલવાના છોડી દેજો. ગુણ તથા ગુણીનું બહુમાન કરજો, પ્રશંસા કરજો. જે ગુણોની અનુમોદના તમે કરો છો તે તે ગુણો તમારામાં પ્રગટશે. અનુમોદના, અનુકંપા, દયા, કૃતજ્ઞતા, ગુણપ્રમોદ, સમતા એ પાયાના ગુણ છે. દીન દુ:ખી પ્રત્યે કરુણા, દેવગુરુ પ્રત્યે ભક્તિ, માતા પિતાની સેવા, સુકૃત્યોની અનુમોદના અને પોતાના દુષ્કૃત્યોની ગર્હ આ પાયાના ગુણો આપણે ન કેળવીએ તો નવકારની આરાધના સફળ કઇ રીતે થાય ? સર્વ પ્રથમ આપણે નવકાર માટેની યોગ્યતા કેળવીએ, નવકાર માટે લાયક બનીએ. આપણે દુર્ભાવોની મલિનતા ટાળી નથી તેથી નવકારને યોગ્ય બન્યા નથી. સદાય સ્વાર્થમાં રાચ્યા છીએ. અને પોતાના નજીવા સ્વાર્થ માટે અનેકને પારાવાર હાનિ કરી છે.
આપણે મનુષ્ય છીએ. મનુષ્યમાં સર્વ જીવોના હિતનો ભાવ હોવો જોઇએ. પોતાના દેહ માટે, ઘર માટે, પરિવાર માટે જેમ સર્વ બુદ્ધિ, શક્તિ, ચિંતન, પ્રેમ વગેરેનો ઉપયોગ થાય છે, તેમ જીવ માત્રની દયા માટે થાય તો નવકારની
આરાધના સફળ થઇ ગણાય. આપણું પોતાનું હિત વિશ્વના હિત સાથે સંકળાયેલું છે. અનાદિ ભવભ્રમણમાં સર્વ જીવો સાથે સર્વ પ્રકારના સંબંધો કર્યા છે, પણ ધર્મ સંબંધ કર્યો નથી, સદાય સ્વરક્ષણની વૃત્તિ રાખી છે, ક્યારેય સર્વરક્ષણની વૃત્તિ કેળવી નથી. ‘‘માત્ર હું સુખી થાઉ’’ એવી કનિષ્ઠ ઇચ્છા કરી છે. ‘જગતના સર્વ જીવો સુખી થાઓ' એવો ભાવ કર્યો નથી.
સર્વ સાથેના અધર્મ સંબંધના કારણે ભવ ભ્રમણ થયું છે. અધર્મ સંબંધ એટલે પરસ્પરને પીડાકારક, અહિતકારક, અશુભકારક સંબંધ. ક્યારેય સમત્વભાવ કેળવ્યો નથી. જીવનમાં સામાયિક આવ્યું નથી. એકબીજાને પીડા આપીને જીવ્યા છીએ. સુખ આપનાર પ્રત્યે પણ કૃતજ્ઞતાનો ભાવ દર્શાવ્યો નથી. દુઃખ આપ્યા પછી પણ ક્ષમા માંગી નથી. દુઃખ આપનાર પ્રત્યે પણ ક્ષમા આપી નથી. પ્રાણી માત્ર પ્રત્યે સ્નેહના પરિણામ કર્યા નથી. આપણ કરતાં અધિક ગુણવાળા વિડલો પ્રત્યે નમન આદિથી અને આપણાથી નાના પ્રત્યે પ્રસન્નતા આદિથી હાર્દિક ભક્તિરાગરૂપી પ્રમોદ દર્શાવ્યો નથી. દીન, દુઃખી અને રોગી પ્રત્યે દયાની અને તેમના દુ:ખ ફેડવાની લાગણી બતાવી નથી. પાપી પ્રત્યે, અયોગ્ય આત્માઓ પ્રત્યે સહનશીલતા દાખવી નથી. સર્વ જીવો પ્રત્યે પ્રેમ કર્યો નથી, સમત્વ ધર્યું નથી.
માત્ર પોતાના જ સુખની ચિંતા કરી છે અને બીજા સર્વના સુખ દુઃખ પ્રત્યે ઉપેક્ષા ભાવ કે અનાદરભાવ ધારણ કર્યો છે. બધાને સુખ મળો અને બધાનું દુઃખ ટળો, સર્વનું હિત થાઓ અને અહિત ટળો, એ વિચાર આજ પર્યંત અંતરથી જીવે કદી કર્યો નથી. જો કર્યો હોત તો તેનું ભવભ્રમણ હોત નહિ.
પોતાના ઉપકારીઓને યાદ કરો, અપકારીઓને ભૂલી જાઓ, અપકાર કરવા છોડી દો અને અપકારીઓ પ્રત્યે પણ ઉદાર બનો.
•
દુઃખી થવાનો માર્ગ અપકારીઓને ન ભૂલવામાં અને ઉપકારીઓને ભૂલવામાં છે.
શ્રી જગજીવન ઓતમચંદ શાહ પરિવાર
હસ્તે : શ્રી ભરત જગજીવન શાહ (વેરાવલવાળા-બીચકેન્ડી-મુંબઇ)
૧૩૩