________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કદી કોઈ સાધુ કોઈને એમ કહે કે “મારી અમુક વસ્તુ લાવો,’ ‘મારી ડાયરી લાવો,” તો તરત જ આચાર્યશ્રી એમને રોકતા અને ટોકતા. તેઓ કહેતા : ડાયરી કે વસ્તુને “મારી' ન કહેવાય. સાધુની આ ભાષા કે વૃત્તિ નથી.” મમત્વભાવ એમણે ઓગાળી નાખ્યો હતો. મહેસાણામાં શ્રી સીમંધરસ્વામીના ભવ્ય દેરાસરની એમની પ્રેરણાથી રચના થઇ. આવા કલ્પનાતીત દેરાસરની કે એની આસપાસની આટલી બધી ધર્મશાળાઓ અને ભોજનાલય હોવા છતાં એમણે કદી ત્યાની ભોજનશાળામાંથી ગોચરી લીધી નથી. આનાથી વિશેષ નિ:સ્પૃહ પ્રભુભકિતનું કયું મોટું ઉદાહરણ હોઈ શકે ? તેઓ કહે, “તીર્થ તો પ્રભુભકિત માટે છે. અહીંનું હું કશુંય વાપરું તો મારી આસકિત વધે.” આમ આ તીર્થને માટે એમણે બધું જ કર્યું પરંતુ પોતાની ગોચરી તો હંમેશાં બહારથી જ લાવતા. આની પાછળ એમની એવી ભાવના હતી કે સાધુએ સંયમની બરાબર કાળજી રાખવી જોઈએ. જો અહીંથી જ ગોચરી કરે તો સાધુ પ્રમાદી બની જાય. જીવન-જાગૃતિની કેવી સૂક્ષ્મ દૃષ્ટિ! વળી શ્રાવકો લાભથી વંચિત રહે. પોતાનું પાણી પણ મહેસાણાની ભોજનશાળાના રસોડામાંથી મંગાવવાને બદલે બહારથી જ મંગાવતા હતા. એ માટે જુદા ઘડા પણ રાખ્યા હતા. આવા ભવ્ય અને મહાન શ્રી સીમંધરસ્વામીના મહાતીર્થ માટે પ્રેરણા આપી, છતાં આચાર્યશ્રી મહેસાણામાં માત્ર એક જ ચાતુર્માસ રહ્યા. આનું કારણ એટલું જ કે તેઓ વિના કારણે આ સંસ્થામાં રહેવા ચાહતા નહોતા. આ એક ચાતુર્માસ એમણે એ માટે ગાળ્યો કે દેરાસર અંગે માર્ગદર્શન માટે પ્રત્યક્ષ જરૂર હતી અને એથીયે વિશેષ જ્ઞાનભંડારનું મોટું કામ પાર પાડવાનું હતું. તેઓ સતત કહેતા કે આપણા ઉપદેશથી આ તીર્થ થયું અને ત્યાં આપણે જ રહીએ તો તે મઠ બની જાય. શાસનમાં અપૂર્વ ચાહના અને ઊંચી પદ-પ્રતિષ્ઠા મેળવી હોવા છતાં અંગત સિદ્ધિ, પ્રસિદ્ધિ કે મમત્વથી તેઓ સદાય દૂર રહ્યા એ જ એમની આત્મલીનતાનો સૌથી મોટો પુરાવો છે. શ્રાવકો એમનો પડયો બોલ ઝીલવા તૈયાર હતા. સંધ એમના વચન પર બધું ન્યોછાવર કરવા તૈયાર હતો. આવું જનહૃદયમાં માન-સન્માન મેળવ્યું હોવા છતાં આચાર્યશ્રીના જીવનમાં તો એ જ નિ:સ્પૃહતા અને અનાસકિત પ્રગટતા હતા. કોઈ પણ પ્રકારની આશા, આકાંક્ષા, એષણા કે અપેક્ષાથી પર હતા. આત્મસાધનાની યાત્રા સતત ચાલુ રહી. એમના જીવનનો એક જ ઉદ્દેશ હતો. એમનો એક જ મહામંત્ર હતો“આત્મશ્રેય માટે હંમેશાં જાગૃત રહો !”
For Private And Personal Use Only