________________
કપર
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
મનુષ્યપણું, આર્યતા, જ્ઞાનીનાં વચનોનું શ્રવણ, તે પ્રત્યે આસ્તિક્યપણું, સંયમ, તે પ્રત્યે વીર્યપ્રવૃત્તિ, પ્રતિકૂળ યોગોએ પણ સ્થિતિ, અંતપર્યંત સંપૂર્ણ માર્ગરૂપ સમુદ્ર તરી જવો એ ઉત્તરોત્તર દુર્લભ અને અત્યંત કઠણ
છે, એ નિઃસંદેહ છે.
શરીરપ્રકૃતિ ક્વચિત્ ઠીક જોવામાં આવે છે. ક્વચિત્ તેથી વિપરીત જોવામાં આવે છે, કાંઈક અશાતા- મુખ્યપણું હમણાં જોવામાં આવે છે. ૐ શાંતિઃ
܀܀܀܀܀
૯૩૫
વવાણિયા, જયેષ્ઠ વદિ ૦)), બુધ, ૧૯૫૬
ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેનો એક સમયમાત્ર પણ વિશેષ મૂલ્યવાન છે એવો આ મનુષ્યદેહ
અને પરમાર્થને અનુકૂળ એવા યોગ સંપ્રાપ્ત છતાં જો જન્મમરણથી રહિત એવા પરમપદનું ધ્યાન રહ્યું નહીં તો
આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંતવાર ધિક્કાર હો !
જેમણે પ્રમાદનો જય કર્યો તેમણે પરમ પદનો જય કર્યો.
પત્ર સંપ્રાપ્ત થયું.
શરીરપ્રકૃતિ અમુક દિવસ સ્વસ્થ રહે છે અને અમુક દિવસ અસ્વસ્થ રહે છે. યોગ્ય સ્વસ્થતા પ્રત્યે હજા ગમન કરતી નથી તથાપિ અવિક્ષેપતા કર્તવ્ય છે.
શરીરપ્રકૃતિના અનુકૂળ પ્રતિકૂળપણાને આધીન ઉપયોગ અકર્તવ્ય છે.
૯૩૬
શાંતિ
વવાણિયા, જયેષ્ઠ વદ ૦)). ૧૯૫૬
ચિંતિત જેનાથી પ્રાપ્ત થાય તે મણિને ચિંતામણિ કહ્યો છે; એ જ આ મનુષ્યદેહ છે કે જે દેહમાં, યોગમાં આત્યંતિક એવા સર્વ દુઃખના ક્ષયની ચિંતિતા ધારી તો પાર પડે છે.
અચિંત્ય જેનું માહાત્મ્ય છે એવું સત્સંગરૂપી કલ્પવૃક્ષ પ્રાપ્ત થયે જીવ દરિદ્ર રહે એમ બને તો આ જગતને વિષે તે અગિયારમું આશ્ચર્ય જ છે.
૯૩૭
વાણિયા, અસાડ સુદ ૧, ગુરુ, ૧૯૫૬
પરમકૃપાળુ મુનિવરોને નમસ્કાર સંપ્રાપ્ત થાય.
નડિયાદથી લખાયેલું પત્ર આજે અત્ર સંપ્રાપ્ત થયું.
જ્યાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ આદિની અનુકૂળતા દેખાતી હોય ત્યાં ચાતુર્માસ કરવામાં વિક્ષેપ આર્ય પુરુષોને હોતો નથી. બીજા ક્ષેત્ર કરતાં બોરસદ અનુકૂળ જણાય તો ત્યાં ચાતુર્માસની સ્થિતિ કર્તવ્ય છે.
બે વખત ઉપદેશ અને એક વખત આહારગ્રહણ તથા નિદ્રાસમય વિના બાકીનો અવકાશ મુખ્યપણે આત્મવિચારમાં, ‘પદ્મનંદી’ આદિ શાસ્ત્રાવલોકનમાં અને આત્મધ્યાનમાં વ્યતીત કરવા યોગ્ય છે. કોઈ બાઈ ભાઈ ક્યારેક કંઈ પ્રશ્નાદિ કરે તો તેનું ઘટતું સમાધાન કરવું, કે જેમ તેનો આત્મા શાંત થાય. અશુદ્ધ ક્રિયાના નિષેધક વચનો ઉપદેશરૂપે ન પ્રવર્તાવતાં શુદ્ધ ક્રિયામાં જેમ લોકોની રુચિ વધે તેમ ક્રિયા કરાવ્યું જવી,