________________
૬૦
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
૮૩૧
શ્રી દેવકીર્ણાદિ મુમુક્ષુઓને યથાવિનય નમસ્કાર પ્રાપ્ત થાય.
‘કર્મગ્રંથ’, ‘ગોમટસારશાસ્ત્ર' આદિથી અંત સુધી વિચારવા યોગ્ય છે.
મોરબી, ચૈત્ર વદ ૧૨. વિ. ૧૯૫૪
દુષમકાળનું પ્રબળ રાજ્ય વર્તે છે, તોપણ અડગ નિશ્ચયથી, સત્પુરુષની આજ્ઞામાં વૃત્તિનું અનુસંધાન કરી જે પુરુષો અગુપ્તવીર્યથી સમ્યકજ્ઞાન, દર્શન, ચારિત્રને ઉપાસવા ઇચ્છે છે, તેને પરમ શાંતિનો માર્ગ હજી પણ પ્રાપ્ત થવા યોગ્ય છે.
૮૩૨
વાણિયા, જયેષ્ઠ. ૧૯૫૪
દેહથી ભિન્ન સ્વપરપ્રકાશક પરમ જ્યોતિસ્વરૂપ એવો આ આત્મા, તેમાં નિમગ્ન થાઓ. હે આર્યજનો ! અંતર્મુખ થઇ, સ્થિર થઇ, તે આત્મામાં જ રહો તો અનંત અપાર આનંદ અનુભવશો.
સર્વ જગતના જીવો કંઇ ને કંઇ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઇચ્છે છે; મોટો ચક્રવર્તી રાજા તે પણ વધતા વૈભવ, પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે; અને મેળવવામાં સુખ માને છે; પણ અહો ! જ્ઞાનીઓએ તો તેથી વિપરીત જ સુખનો માર્ગ નિર્ણીત કર્યો કે કિંચિત્માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ છે.
વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત્ત છે, તેને શીતળ એવું આત્મસુખ, આત્મતત્ત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે ?
પરમ ધર્મરૂપ ચંદ્ર પ્રત્યે રાહુ જેવો પ્રરિગ્રહ તેથી હવે હું વિરામ પામવાને જ ઇચ્છું છું. અમારે પરિગ્રહને શું કરવો છે ?
કશું પ્રયોજન નથી.
સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ.
હૈ આર્યજનો ! આ પરમ વાક્યનો આત્માપણે તમે અનુભવ કરો.
܀܀܀
૮૩૩
વવાણિયા, જયેષ્ઠ સુદ ૧, શનિ, ૧૯૫૪
સર્વ દ્રવ્યથી, સર્વ ક્ષેત્રથી, સર્વ કાળથી અને સર્વ ભાવી જે સર્વ પ્રકારે અપ્રતિબંધ થઇ નિજસ્વરૂપમાં સ્થિત થયા તે પરમ પુરુષોને નમસ્કાર.
જેને કંઇ પ્રિય નથી, જેને કંઇ અપ્રિય નથી, જેને કોઇ શત્રુ નથી, જેને કોઇ મિત્ર નથી, જેને માન-અપમાન, લાભ-અલાભ, હર્ષ-શોક, જન્મ-મૃત્યુ આદિ દ્વંર્કનો અભાવ થઇ જે શુદ્ધ ચૈતન્યસ્વરૂપને વિષે સ્થિતિ પામ્યા છે, પામે છે અને પામશે તેમનું અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ સાનંદાશ્ચર્ય ઉપજાવે છે
દેહ પ્રત્યે જેવો વસ્ત્રનો સંબંધ છે, તેવો આત્મા પ્રત્યે જોણે નો સંબંધ યથાતથ્ય દીઠો છે, મ્યાન પ્રત્યે તરવારનો જેવો સંબંધ છે તેવો દેહ પ્રત્યે જેણે આત્માનો સંબંધ દીઠો છે, અબદ્ધ સ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યો છે, તે મહત્પુરુષોને જીવન અને મરણ બન્ને સમાન છે.
જે અચિંત્ય દ્રવ્યની શુદ્ધચિતિસ્વરૂપ કાંતિ પરમ પ્રગટ થઇ અચિંત્ય કરે છે, તે અચિંત્ય દ્રવ્ય સહજ સ્વાભાવિક નિજસ્વરૂપ છે એવો નિશ્ચય જે પરમ કૃપાળુ સત્પુરુષે પ્રકાશ્યો તેનો અપાર ઉપકાર છે.
ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની ક્રાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ શ્વેત થઇ જાય છે, પણ કંઇ ચંદ્ર ભૂમિરૂપ કોઇ કાળે તેમ થતો નથી, એમ સમસ્ત વિશ્વને પ્રકાશક એવો આ આત્મા તે ક્યારે પણ વિશ્વરૂપ થતો નથી, સદાસર્વદા ચૈતન્યસ્વરૂપ જ રહે છે. વિશ્વમાં જીવ અભેદતા માને છે એ જ ભ્રાંતિ છે.