________________
૬૦૨
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
તેણે ટાળી તેથી તે શુભરૂપ થયું, તો તે સમજવા ફેર છે; અશાતા જ એવી જાતની હતી કે તે રીતે મટી શકે અને તેટલી આર્ત્તધ્યાન આદિની પ્રવૃત્તિ કરાવીને બીજો બંધ કરાવે.
‘પુદ્ગલવિપાકી’ એટલે જે કોઇ બહારના પુદ્ગલના સમાગમથી પુદ્ગલ વિપાકપણે ઉદય આવે અને કોઇ બાહ્ય પુદ્ગલના સમાગમથી નિવૃત્ત પણ થાય; જેમ ઋતુના ફેરફારના કારણથી શરદીની ઉત્પત્તિ થાય છે અને ઋતુફેરથી તે નાશ થાય છે; અથવા કોઇ ગરમ ઓસડ વગેરેથી નિવૃત્ત થાય છે.
નિશ્ચયમુખ્યદૃષ્ટિએ તો ઓસડ વગેરે કહેવામાત્ર છે. બાકી તો જે થવાનું હોય તે જ થાય છે.
બે કાગળ પ્રાપ્ત થયા છે.
૭૭૫
વવાણિયા, ચૈત્ર વદ ૫, ૧૯૫૩
જ્ઞાનીની આજ્ઞારૂપ જે જે ક્રિયા છે તે તે ક્રિયામાં તથારૂપપણે પ્રવર્તાય તો તે અપ્રમત્ત ઉપયોગ થવાનું મુખ્ય સાધન છે. એવા ભાવાર્થમાં આગલો કાગળ' અત્રથી લખ્યો છે. તે જેમ જેમ વિશેષ વિચારવાનું થશે તેમ તેમ અપૂર્વ અર્થનો ઉપદેશ થશે. હમેશ અમુક શાસ્ત્રાધ્યાય કર્યા પછી તે કાગળ વિચારવાથી વધારે સ્પષ્ટ બોધ થવા યોગ્ય છે.
છકાયનું સ્વરૂપ પણ સત્પુરુષની દૃષ્ટિએ પ્રીત કરતાં તથા વિચારતાં જ્ઞાન જ છે. આ જીવ કઇ દિશાથી આવ્યો છે, એ વાક્યથી શસ્ત્રપરિજ્ઞાઅધ્યયન પ્રારંભ્યું છે. સદ્ગુરુ મુખે તે પ્રારંભવાક્યના આશયને સમજવાથી સમસ્ત દ્વાદશાંગીનું રહસ્ય સમજાવા યોગ્ય છે. હાલ તો ‘આચારાંગાદિ' જે વાંચો તેનું વધારે અનુપ્રેક્ષણ કરશો. કેટલાક ઉપદેશપત્રો પરથી તે સહજમાં સમજાઇ શક્શે. સર્વ મુનિઓને નમસ્કાર પ્રાપ્ત થાય, સર્વ મુમુક્ષુઓને પ્રણામ પ્રાપ્ત થાય.
܀܀܀܀܀
૭૭૬
સાયલા, વૈશાખ સુદ ૧૫, ૧૯૫૩
મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, અને યોગ એ કર્મબંધનાં પાંચ કારણ છે. કોઇ ઠેકાણે પ્રમાદ સિવાય ચાર કારણ દર્શાવ્યાં હોય છે. ત્યાં મિથ્યાત્વ, અવિરતિ, અને કષાયમાં પ્રમાદને અંતર્ભૂત કર્યો હોય છે.
પ્રદેશબંધ શબ્દનો અર્થ શાસ્ત્રપરિભાષાએઃ- પરમાણુ સામાન્યપણે એક પ્રદેશાવગાહી છે. તેવું એક પરમાણુનું ગ્રહણ તે એક પ્રદેશ કહેવાય. જીવ અનંત પરમાણુ કર્મબંધે ગ્રહણ કરે છે. તે પરમાણુ જો વિસ્તર્યા હોય તો અનંતપ્રદેશી થઇ શકે, તેથી અનંત પ્રદેશનો બંધ કહેવાય. તેમાં બંધ અનંતાદિથી ભેદ પડે છે; અર્થાત્ અલ્પ પ્રદેશબંધ કહ્યો હોય ત્યાં પરમાણુ અનંત સમજવા, પણ તે અનંતનું સઘનપણું અલ્પ સમજવું. તેથી વિશેષ વિશેષ લખ્યું હોય તો અનંતતાનું સઘનપણું સમજવું.
——
કંઇ પણ નહીં મુઝાતાં આર્યત કર્મગ્રંથ વાંચવો, વિચારવો.
܀܀܀܀܀
૭૭૭
ઇડર,વૈશાખ વદ ૧૨, શુક્ર, ૧૯૫૩
તથારૂપ (યથાર્થ) આપ્ત (મોક્ષમાર્ગ માટે જેના વિશ્વાસે પ્રવર્તી શકાય એવા) પુરુષનો જીવને સમાગમ થવામાં કોઇ એક પુણ્ય હેતુ જોઇએ છે, તેનું ઓળખાણ થવામાં મહત્ પુણ્ય જોઇએ છે; અને તેની આજ્ઞાભક્તિએ પ્રવર્તવામાં મહત્વ મહત પુણ્ય જોઈએ; એવાં જ્ઞાનીનાં વચન છે, તે સાચાં છે, એમ પ્રત્યક્ષ અનુભવાય છે.
૧. આંક ૭૬૭