________________
http://www.ShrimadRajchandra.org
શુભેચ્છાયુક્ત શ્રી કેશવલાલ પ્રત્યે, શ્રી ભાવનગર,
વર્ષ ૩૦ મું
૭૬૮
કાગળ પ્રાપ્ત થયો છે. આશંકાનું સમાધાન આ પ્રમાણે છેઃ-
૫૯૭
વવાણિયા,ચૈત્ર સુદ ૪, સોમ, ૧૯૫૩
એકેન્દ્રિય જીવને અનુકૂળ સ્પાદિની પ્રિયતા અવ્યક્તપણે છે, તે મૈથુનસંજ્ઞા છે.
એકેન્દ્રિય જીવને દેહ અને દેહના નિર્વાહાદિ સાધનમાં અવ્યક્ત મૂર્છારૂપ પરિગ્રહ સંજ્ઞા છે.
વનસ્પતિ એકેન્દ્રિય જીવમાં આ સંજ્ઞા કંઈક વિશેષ વ્યક્ત છે.
મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિભંગજ્ઞાન એ આઠે જીવના ઉપયોગરૂપ હોવાથી અરૂપ કહ્યાં છે. જ્ઞાન અને અજ્ઞાન એ બેમાં મુખ્ય ફેર આટલો છે, કે જે જ્ઞાન સમકિતસહિત છે તેને ‘જ્ઞાન’ કહ્યું છે અને જે જ્ઞાન મિથ્યાત્વ સહિત છે તેને ‘અજ્ઞાન’ કહ્યું છે. પણ વસ્તુતાએ બન્ને જ્ઞાન છે.
‘જ્ઞાનાવરણીયકર્મ' અને 'અજ્ઞાન' એક નથી, 'જ્ઞાનાવરણીયકર્મ' જ્ઞાનને આવરણરૂપ છે, અને ‘અજ્ઞાન’ જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમરૂપ એટલે આવરણ ટળવારૂપ છે,
‘અજ્ઞાન’ શબ્દનો સાધારણ ભાષામાં જ્ઞાનરહિત અર્થ થાય છે. જેમ જડ જ્ઞાનથી રહિત છે તેમ, પણ નિગ્રંથ પરિભાષામાં તો મિથ્યાત્વસહિત જ્ઞાનનું નામ અજ્ઞાન છે; એટલે તે દૃષ્ટિથી અજ્ઞાનને અરૂપી કહ્યું છે.
એમ આશંકા થાય કે જો અજ્ઞાન અરૂપી હોય તો સિદ્ધમાં પણ હોવું જોઈએ; તેનું સમાધાન આ પ્રમાણે છે:- મિથ્યાત્વસહિત જ્ઞાનનું નામ ‘અજ્ઞાન’ કહ્યું છે, તેમાંથી મિથ્યાત્વ જતાં બાકી જ્ઞાન રહે છે, તે જ્ઞાન સંપૂર્ણ શુદ્ધતાસહિત સિદ્ધ ભગવંતમાં વર્તે છે. સિદ્ધનું. કેવળજ્ઞાનીનું અને સમ્યક્દૃષ્ટિનું જ્ઞાન મિથ્યાત્વરહિત છે. મિથ્યાત્વ જીવને ભ્રાંતિરૂપે છે. તે ભ્રાંતિ યથાર્થ સમજાતાં નિવૃત્ત થઈ શકવા યોગ્ય છે. મિથ્યાત્વ દિશાભ્રમરૂપ છે.
શ્રી કુંવરજીની જિજ્ઞાસા વિશેષ હતી, પણ કોઈ એક હેતુવિશેષ વિના પત્ર લખવાનું હાલ વર્તતું નથી. આ પત્ર તેમને વંચાવવાની વિનંતિ છે.
܀܀܀܀܀
૭૬૯
વાણિયા, ચૈત્ર સુદ ૪, ૧૯૫૩
ત્રણે પ્રકારનાં સમકિતમાંથી ગમે તે પ્રકારનું સમકિત આવે તો પણ વધારેમાં વધારે પંદર ભવે મોક્ષ થાય; અને જો તે સમકિત આવ્યા પછી જીવ વમે તો વધારેમાં વધારે અર્ધપુદ્ગલ પરાવર્તનકાળ સુધી સંસારપરિભ્રમણ થઇને મોક્ષ થાય.
તીર્થંકરના નિગ્રંથ, નિગ્રંથિનીઓ, શ્રાવક અને શ્રાવિકાઓ સર્વને જીવઅજીવનું જ્ઞાન હતું તેથી સમકિત કહ્યું છે એમ કંઈ નથી. તેમાંના ઘણા જીવોને માત્ર સાચા અંતરંગ ભાવથી તીર્થંકરની અને તેમના ઉપદેશેલા માર્ગની પ્રતીતિથી પણ સમકિત કહ્યું છે. એ સમકિત પામ્યા પછી જો વસ્યું ન હોય તો વધારેમાં વધારે પંદર ભવ થાય. સાચા મોક્ષમાર્ગને પામેલા એવા સત્પુરુષની તથારૂપ પ્રતીતિથી સિદ્ધાંતમાં ઘણે સ્થળે સમકિત કહ્યું છે. એ સમકિત આવ્યા વિના જીવને ઘણું કરીને જીવ અને અજીવનું યથાર્થ જ્ઞાન પણ થતું નથી, જીવઅજીવનું જ્ઞાન પામવાનો મુખ્ય માર્ગ એ જ છે.
૭૭૦
વવાણિયા, ચૈત્ર સુદ ૪, ૧૯૫૩
જ્ઞાન જીવનું રૂપ છે માટે તે અરૂપી છે, ને જ્ઞાન વિપરીતપણે જાણવાનું કાર્ય કરે છે, ત્યાં સુધી તેને અજ્ઞાન કહેવું એવી નિગ્રંથ પરિભાષા કરી છે, પણ એ સ્થળે જ્ઞાનનું બીજ નામ જ અજ્ઞાન છે એમ જાણવું.