________________
૪૭૨
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
વિશેષ સંભવ છે. સન્દેવ, સદ્ગુરુ અને સદ્ધર્મનો જે પ્રકારે દ્રોહ થાય, અવજ્ઞા થાય, તથા વિમુખભાવ થાય, એ આદિ પ્રવૃત્તિથી, તેમજ અસત્આદૈવ, અસતગુરુ તથા અસતધર્મનો જે પ્રકારે આગ્રહ થાય, તે સંબંધી કૃતકૃત્યતા માન્ય થાય, એ આદિ પ્રવૃત્તિથી પ્રવર્તતાં ‘અનંતાનુબંધી કષાય’ સંભવે છે. અથવા જ્ઞાનીના વચનમાં સ્ત્રીપુત્રાદિ ભાવીને જે મર્યાદા પછી ઇચ્છતાં નિર્ધ્વસ પરિણામ કહ્યાં છે, તે પરિણામે પ્રવર્તતાં પણ 'અનંતાનુબંધી' હોવા યોગ્ય છે. સંક્ષેપમાં 'અનંતાનુબંધી કષાયની વ્યાખ્યા એ પ્રમાણે જણાય છે.
જે પુત્રાદિ વસ્તુ લોકસંજ્ઞાએ ઇચ્છવા યોગ્ય ગણાય છે, તે વસ્તુ દુઃખદાયક અને અસારભૂત જાણી પ્રાપ્ત થયા પછી નાશ પામ્યા છતાં પણ ઇચ્છવા યોગ્ય લાગતી નહોતી, તેવા પદાર્થની હાલ ઇચ્છા ઉત્પન્ન થાય છે, અને તેથી અનિત્યભાવ જેમ બળવાન થાય તેમ કરવાની જિજ્ઞાસા ઉદ્ભવે છે, એ આદિ ઉદાહરણ સાથે લખ્યું તે વાંચ્યું છે.
જે પુરુષની જ્ઞાનદશા સ્થિર રહેવા યોગ્ય છે, એવા જ્ઞાનીપુરુષને પણ સંસારપ્રસંગનો ઉદય હોય તો જાગૃતપણે પ્રવર્તવું ઘટે છે, એમ વીતરાગે કહ્યું છે, તે અન્યથા નથી; અને આપણે સૌએ જાગૃતપણે પ્રવર્તવું કરવામાં કંઈ શિથિલતા રાખીએ તો તે સંસારસંગથી બાધ થતાં વાર ન લાગે, એવો ઉપદેશ એ વચનોથી આત્મામાં પરિણામી કરવા યોગ્ય છે, એમાં સંશય ઘટતો નથી. પ્રસંગની સાવ નિવૃત્તિ અશક્ય થતી હોય તો પ્રસંગ સંક્ષેપ કરવો ઘટે, અને ક્રમે કરીને સાવ નિવૃત્તિરૂપ પરિણામ આણવું ઘટે, એ મુમુક્ષુ પુરુષનો ભૂમિકાધર્મ છે. સત્સંગ, સત્શાસ્ત્રના યોગથી તે ધર્મનું આરાધન વિશેષે કરી સંભવે છે.
૬૧૪
પુત્રાદિ પદાર્થની પ્રાપ્તિમાં અનાસક્તિ થવા જેવું થયું હતું પણ તેથી હાલ વિપરીત ભાવના વર્તે છે. તે પદાર્થને જોઈ પ્રાપ્તિ સંબંધી ઇચ્છા ઉદ્ભવે છે, તેથી એમ સમજાય છે કે કોઈ વિશેષ સામર્થ્યવાન મહાપુરુષો સિવાયના સામાન્ય મુમુક્ષુએ તેવા પદાર્થનો, સમાગમ કરી તથારૂપ અનિત્યપણું તે પદાર્થનું સમજીને, ત્યાગ કર્યો હોય તો તે ત્યાગનો નિર્વાહ થઈ શકે. નહીં તો હાલ જેમ વિપરીત ભાવના ઉત્પન્ન થઈ છે તેમ ઘણું કરીને થવાનો વખત તેવા મુમુક્ષુને આવવાનો સંભવ છે. અને આવો ક્રમ કેટલાક પ્રસંગો પરથી મોટા પુરુષોને પણ માન્ય હોય તેમ સમજાય છે, એ પર સિદ્ધાંતસિંધુનો કથાસંક્ષેપ તથા બીજાં દૃષ્ટાંત લખ્યાં તે માટે સંક્ષેપમાં આ લખ્યાથી સમાધાન વિચારશો.
܀܀܀܀
૧૫
શ્રીમદ્ વીતરાગાય નમઃ
શાશ્વત માર્ગનૈષ્ઠિક શ્રી સૌભાગ પ્રત્યે યથાયોગ્યપૂર્વક, શ્રી સાયલા.
મુંબઈ, અસાડ સુદ ૧૩, ગુરુ, ૧૯૫૧
તમારાં લખેલાં પત્ર મળ્યાં છે. તથારૂપ ઉદયવિશેષથી પ્રત્યુત્તર લખવાની પ્રવૃત્તિ હાલ ઘણી સંક્ષેપ રહે છે, જેથી અત્રથી પત્ર લખવામાં વિલંબ થાય છે. પણ તમે, કંઈ જ્ઞાનવાર્તા લખવાનું સૂઝે તે લખવામાં તે વિલંબના કારણથી ન અટકશો. હાલ તમારા તથા શ્રી ડુંગરના તરફથી જ્ઞાનવાર્તા જણાવવાનું થતું નથી, તે લખશો. હાલ શ્રી કબીરસંપ્રદાયી સાધુનો કંઈ સમાગમ થાય છે કે કેમ ? તે લખશો.
અત્રેથી થોડા વખત માટે નિવૃત્ત થવારૂપ સમય જાણવા પૂછ્યો તેનો ઉત્તર લખતાં મન સંક્ષેપાય છે, જો બનશે તો એક બે દિવસ પછી લખીશ.