________________
http://www.ShrimadRajchandra.org
૩૬૨
શ્રીમદ્ રાજચંદ્ર
૪૫
મુંબઈ, માગશર વદ ૯, સોમ, ૧૯૪૯
ઉપાધિ વૈદવા માટે જોઈતું કઠિનપણું મારામાં નથી, એટલે ઉપાધિથી અત્યંત નિવૃત્તિની ઇચ્છા રહ્યા કરે, તથાપિ ઉદયરૂપ જાણી તે યથાશક્તિ સહન થાય છે.
પરમાર્થનું દુ:ખ મટ્યા છતાં સંસારનું પ્રાસંગિક દુઃખ રહ્યા કરે છે; અને તે દુઃખ પોતાની ઇચ્છાદિના કારણનું નથી, પણ બીજાની અનુકંપા તથા ઉપકારાદિનાં કારણનું રહે છે; અને તે વિટંબના વિષે ચિત્ત ક્યારેક ક્યારેક વિશેષ ઉદ્વેગ પામી જાય છે.
આટલા લેખ ઉપરથી તે ઉદ્વેગ સ્પષ્ટ નહીં સમજાય, કેટલાક અંશે તમને સમજાઈ શકશે. એ ઉદ્વેગ સિવાય બીજું કંઈ દુઃખ સંસારપ્રસંગનું પણ જણાતું નથી. જેટલા પ્રકારના સંસારના પદાર્થો છે, તે સર્વમાં જો અસ્પૃહાપણું હોય અને ઉદ્વેગ રહેતો હોય તો તે અન્યની અનુકંપા કે ઉપકાર કે તેવાં કારણનો હોય એમ મને નિશ્ચયપણે લાગે છે. એ ઉદ્વેગને લીધે ક્યારેક ચક્ષુમાં આંસુ આવી જાય છે; અને તે બધાં કારણને પ્રત્યે વર્તવાનો માર્ગ તે અમુક અંશે પરતંત્ર દેખાય છે. એટલે સમાન ઉદાસીનતા આવી જાય છે.
જ્ઞાનીના માર્ગનો વિચાર કરતાં જણાય છે કે કોઈ પણ પ્રકારે મૂર્છાપાત્ર આ દેહ નથી, તેને દુ:ખે શોચવા યોગ્ય આ આત્મા નથી. આત્માને આત્મ-અજ્ઞાને શોચવું એ સિવાય બીજો શોચ તેને ઘટતો નથી. પ્રગટ એવા યમને સમીપ દેખતાં છતાં જેને દેહને વિષે મૂર્છા નથી વર્તતી તે પુરુષને નમસ્કાર છે. એ જ વાત ચિંતવી રાખવી અમને તમને પ્રત્યેકને ઘટે છે.
દેહ તે આત્મા નથી, આત્મા તે દેહ નથી. ઘડાને જોનાર જેમ ઘડાદિથી ભિન્ન છે, તેમ દેહનો જોનાર, જાણનાર એવો આત્મા તે દેહથી ભિન્ન છે, અર્થાત્ દેહ નથી.
વિચાર કરતાં એ વાત પ્રગટ અનુભવસિદ્ધ થાય છે, તો પછી એ ભિન્ન દેહનાં તેના સ્વાભાવિક ક્ષય-વૃદ્ધિ- રૂપાદિ પરિણામ જોઈ હર્ષ-શોકવાન થવું કોઈ રીતે ઘટતું નથી; અને અમને તમને તે નિર્ધાર કરવો, રાખવો ઘટે છે, અને એ જ્ઞાનીના માર્ગનો મુખ્ય ધ્વનિ છે.
વેપારમાં કોઈ યાંત્રિક વેપાર સૂઝે તો હવેના કાળમાં કંઈ લાભ થવો સંભવ છે.
܀܀܀܀܀
૪૨૬
મુંબઈ, માગશર વદ ૧૩, શનિ, ૧૯૪૯
ભાવસાર ખુશાલ રાયજીએ એક પાંચ મિનિટના મંદવાડમાં દેહ ત્યાગ્યો છે.
સંસારને વિષે ઉદાસીન રહ્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી.
܀܀܀܀܀
૪૨૭
મુંબઈ, માહ સુદ ૯, ગુરુ, ૧૯૪૯
તમો સર્વ મુમુક્ષુજન પ્રત્યે નમ્રપણે યથાયોગ્ય પ્રાપ્ત થાય, નિરંતર જ્ઞાનીપુરુષની સેવાના ઇચ્છાવાન એવા અમે છીએ, તથાપિ આ દુષમ કાળને વિષે તો તેની પ્રાપ્તિ પરમ દુષમ દેખીએ છીએ, અને તેથી જ્ઞાની પુરુષના આશ્રયને વિષે સ્થિર બુદ્ધિ છે જેની, એવા મુમુક્ષુજનને વિષે સત્સંગપૂર્વક ભક્તિભાવે રહેવાની પ્રાપ્તિ તે મહા ભાગ્યરૂપ જાણીએ છીએ; તથાપિ હાલ તો તેથી વિપર્યય પ્રારબ્ધોદય વર્તે છે. સત્સંગનો લક્ષ અમારા આત્મા વિષે વસે છે, તથાપિ ઉદયાધીન સ્થિતિ છે અને તે એવા પરિણામે હાલ વર્તે છે કે તમ મુમુક્ષુજનનાં પત્રની પહોંચ માત્ર વિલંબેથી અપાય છે. ગમે તે સ્થિતિમાં પણ અપરાધયોગ્ય પરિણામ નથી.