________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨ મું
૩૬૧
વ્યવહાર ગ્રહણ કરવો કે જેથી પરમાર્થ પામશે એમ શાસ્ત્રોનો આશય છે. શુષ્કઅધ્યાત્મી અથવા તેના પ્રસંગ તે આશય સમજ્યા વિના તે વ્યવહારને ઉત્થાપી પોતાને તથા પરને દુર્લભબોધીપણું કરે છે.
શમ, સંવેગાદિ ગુણો ઉત્પન્ન થયે, અથવા વૈરાગ્યવિશેષ, નિષ્પક્ષપાતના થયે, કષાયાદિ પાતળાં પડ્ય તથા કંઈ પણ પ્રજ્ઞાવિશેષથી સમજ્યાની યોગ્યતા થયે જે સદ્ગુરુગમે સમજવા યોગ્ય અધ્યાત્મગ્રંથો, ત્યાં સુધી ઘણું કરી શસ્ત્ર જેવા છે, તે પોતાની કલ્પનાએ જેમ તેમ વાંચી લઈ, નિર્ધારી લઈ, તેવો અંતર્ભેદ થયા વિના અથવા દશા ફર્યા વિના, વિભાવ ગયા વિના પોતાને વિષે જ્ઞાન કલ્પે છે, અને ક્રિયા તથા શુદ્ધ વ્યવહારરહિત થઈ વર્તે છે, એવો ત્રીજો પ્રકાર શુષ્કઅઘ્યાત્મીનો છે. ઠામ ઠામ જીવને આવા યોગ બાઝે તેવું રહ્યું છે, અથવા તો જ્ઞાનરહિત ગુરુ કે પરિગ્રહાદિઇચ્છક ગુરુઓ, માત્ર પોતાનાં માન-પૂજાદિની કામનાએ ફરતા એવા, જીવોને અનેક પ્રકારે અવળે રસ્તે ચડાવી દે છે; અને ઘણું કરીને ક્વચિત જ એવું નહીં હોય. જેથી એમ જણાય છે કે કાળનું દુષમપણું છે. આ દુષમપણું લખ્યું છે તે જીવને પુરુષાર્થરહિત કરવા અર્થે લખ્યું નથી, પણ પુરુષાર્થજાગૃતિ અર્થે લખ્યું છે. અનુકૂળ સંયોગમાં તો જીવને કંઈક ઓછી જાગૃતિ હોય તોપણ વખતે હાનિ ન થાય, પણ જ્યાં આવા પ્રતિકૂળ યોગ વર્તતા હોય ત્યાં અવશ્ય મુમુક્ષુ જીવે વધારે જાગૃત રહેવું જોઈએ, કે જેથી તથારૂપ પરાભવ ન થાય; અને તેવા કોઈ પ્રવાહમાં ન તણાઈ જવાય. વર્તમાનકાળ દુષમ ક્યો છે છતાં તેને વિષે અનંત ભવને છંદી માત્ર એક ભવ બાકી રાખે એવું એકાવતારીપણું પ્રાપ્ત થાય એવું પણ છે. માટે વિચારવાન જીવે તે લક્ષ રાખી, ઉપર કહ્યા તેવા પ્રવાહોમાં ન પડતાં યથાશક્તિ વૈરાગ્યાદિ અવશ્ય આરાધી સદ્ગુરુનો યોગ પ્રાપ્ત કરી કષાયાદિ દોષ છેદ કરવાવાળો એવો અને અજ્ઞાનથી રહિત થવાનો સત્ય માર્ગ પ્રાપ્ત કરવો. મુમુક્ષુ જીવમાં શમાદિ કહ્યા તે ગુણો અવશ્ય સંભવે છે; અથવા તે ગુણો વિના મુમુક્ષુતા ન કહી શકાય. નિત્ય તેવો પરિચય રાખતાં, તે તે વાત શ્રવણ કરતાં, વિચારતાં ફરી ફરીને પુરુષાર્થ કરતાં, તે મુમુક્ષુતા ઉત્પન્ન થાય છે. તે મુમુક્ષુતા ઉત્પન્ન થયે જીવને પરમાર્થમાર્ગ અવશ્ય સમજાય છે.
܀܀܀܀܀
૪૨૩
મુંબઈ, કારતક વદ ૯, ૧૯૪૯
ઓછો પ્રમાદ થવાનો ઉપયોગ એ જીવને માર્ગના વિચારમાં સ્થિતિ કરાવે છે, અને વિચાર માર્ગમાં સ્થિતિ કરાવે છે, એ વાત ફરી ફરી વિચારી, તે પ્રયત્ન ત્યાં વિયોગે પણ કોઈ પ્રકારે કરવું ઘટે છે. એ વાત ભૂલવા જોગ્ય નથી.
૪૨૪
મુંબઈ, કારતક વદ ૧૨, ૧૯૪૯
સમાગમ ઇચ્છવા યોગ્ય મુમુક્ષુભાઈ કૃષ્ણદાસાદિ પ્રત્યે,
“પુનર્જન્મ છે - જરૂર છે. એ માટે ‘હું’ અનુભવથી હા કહેવામાં અચળ છું' એ વાક્ય પૂર્વભવના કોઈ જોગનું સ્મરણ થતી વખતે સિદ્ધ થયેલું લખ્યું છે. જેને, પુનર્જન્માદિ ભાવ કર્યા છે, તે ‘પદાર્થને’, કોઈ પ્રકારે જાણીને તે વાક્ય લખાયું છે.
મુમુક્ષુ જીવના દર્શનની તથા સમાગમની નિરંતર ઇચ્છા રાખીએ છીએ. તાપમાં વિશ્રાંતિનું સ્થાન તેને જાણીએ છીએ. તથાપિ હાલ તો હૃદયાધીન જોગ વર્તે છે. અત્યારે આટલું જ લખી શકીએ છીએ. શ્રી સુભાગ્ય અત્ર સુખવૃત્તિમાં છે.
܀܀܀
પ્રણામ પ્રાપ્ત થાય.