________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૪ મું
૨૭૭
પરમાત્માએ તેને દર્શન આપ્યું અને વર માગવા કહ્યું ત્યારે xxx રાજાએ માગ્યું કે હે ભગવાન ! આવી જે રાજ્યલક્ષ્મી મને આપી છે તે ઠીક જ નથી, તારો પરમ અનુગ્રહ મારા ઉપર હોય તો પંચવિષયના સાધનરૂપ એ રાજ્યલક્ષ્મીનું ફરીથી મને સ્વપ્નું પણ ન હો, એ વર આપ. પરમાત્મા દિંગ થઈ જઈ ‘તથાસ્તુ’ કહી સ્વધામ ગત થયા.
કહેવાનો આશય એવો છે કે એમ જ યોગ્ય છે. કઠણાઈ અને સરળાઈ, શાતા અને અશાતા એ ભગવદ્ભક્તને સરખાં જ છે; અને વળી કઠણાઈ અને અશાતા તો વિશેષ અનુકૂળ છે કે જ્યાં માયાનો પ્રતિબંધ દર્શનરૂપ નથી.
આપને તો એ વાર્તા જાણવામાં છે; તથાપિ કુટુંબાદિકને વિષે કઠણાઈ હોવી ઘટારત નથી એમ ઊગતું હોય તો તેનું કારણ એ જ છે કે પરમાત્મા એમ કહે છે, કે તમે તમારા કુટુંબ પ્રત્યે નિઃસ્નેહ હો, અને તેના પ્રત્યે સમભાવી થઈ પ્રતિબંધ રહિત થાઓ; તે તમારું છે એમ ન માનો, અને પ્રારબ્ધયોગને લીધે એમ મનાય છે, તે ટાળવા આ કઠણાઈ મેં મોકલી છે. અધિક શું કહેવું ? એ એમ જ છે.
૨૨૪
મુંબઈ, ફાગણ વદ ૨, ૧૯૪૭
'યોગવાસિષ્ઠ' વૈરાગ્ય ઉપશમાદિના ઉપદેશ સહિતનાં શાસ્ત્રો છે, તે વાંચવાનો જેટલો વિશેષ પરિચય થાય તેટલો કરવો ઘટિત - યોગ્ય છે. અમુક ક્રિયા પ્રવર્તન વિષે જે લક્ષ રહે છે તે લક્ષનું વિશેષે કરી સમાધાન જણાવવા સંબંધીની ભૂમિકામાં હાલ અમારી સ્થિતિ નથી.
܀܀܀܀܀
૨૨૫
મુંબઈ, ફાગણ વદ ૩, શનિ, ૧૯૪૭
સુજ્ઞ ભાઈ,
ભાઈ ત્રિભોવનનું એક પ્રશ્ન ઉત્તર આપવા યોગ્ય છે. તથાપિ હાલ કોઈ ઉદયકાળ એવી જાતનો વર્તે છે કે એમ કરવામાં નિરુપાયતા રહી છે. તે માટે ક્ષમા ઇચ્છું છું.
ભાઈ ત્રિભોવનના પિતાજીને મારા યથાયોગ્યપૂર્વક કહેશો કે તમારા સમાગમમાં રાજીપો છે. પણ કેટલીક એવી નિરુપાયતા છે કે તે નિરુપાયતા ભોગવી લીધા વિના બીજાં પ્રાણીને પરમાર્થ માટે સ્પષ્ટ કહી શકાય તેવી દશા નથી. અને તે માટે દીનભાવથી તમારી ક્ષમા ઇચ્છી છે.
યોગવાસિષ્ઠથી વૃત્તિ ઉપશમ રહેતી હોય તો વાંચવા સાંભળવામાં પ્રતિબંધ નથી. વધારે ઉદયકાળ વીત્યે. ઉદયકાળ સુધી અધિક કંઈ નહીં થઈ શકે.
૨૨૬
મુંબઈ, ફાગણ, ૧૯૪૭
સુજ્ઞ ભાઈ છોટાલાલ,
સત્સ્વરૂપને અભેદ ભક્તિએ નમસ્કાર
અત્ર આનંદવૃત્તિ છે. સુજ્ઞ અંબાલાલ અને ત્રિભોવનનાં પત્ર મળ્યાં એમ તેમને કહેશો. અવસર પ્રાપ્ત થયે યોગ્ય ઉત્તર આપી શકાય તેવું ભાઈ ત્રિભોવનનું પત્ર છે.
વાસનાના ઉપશમાર્થે તેમનું વિજ્ઞાપન છે; અને તેનો સર્વોત્તમ ઉપાય તો જ્ઞાનીપુરુષનો જોગ મળવો તે છે. દૃઢ મુમુક્ષુતા હોય, અને અમુક કાળ સુધી તેવો જોગ મળ્યો હોય તો જીવનું કલ્યાણ થઈ જાય આ નિઃશંક માનજો.
તમે બધા સત્સંગ, સત્શાસ્ત્રાદિક સંબંધી હાલ કેવા જોગે વર્તે છો તે લખશો. એ જોગ