________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૧૩ મું
૪૭
રાજસમાજને છોડીને જેણે કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત કર્યું, એવા તે ભરતેશ્વરનું ચરિત્ર ધારણ કરીને આ ચોથું ચિત્ર પૂર્ણતા પામ્યું. તે જેવો જોઈએ તેવો વૈરાગ્યભાવ દર્શાવીને જ્ઞાનીપુરુષનાં મનને રંજન કરનાર થાઓ !
ભાવનાબોધ ગ્રંથે અન્યત્વભાવનાના ઉપદેશ માટે પ્રથમ દર્શનના ચતુર્થ ચિત્રમાં ભરતેશ્વરનું દૃષ્ટાંત અને પ્રમાણશિક્ષા પૂર્ણતા પામ્યાં.
܀܀܀܀܀
પંચમ ચિત્ર
અચિત્રાવના
(ગીતિવૃત્ત)
ખાણ મૂત્ર ને મળની, રોગ જરાનું નિવાસનું ધામ;
કાયા એવી ગણીને, માન ત્યજીને કર સાર્થક આમ.
વિશેષાર્થ:- મળ અને મૂત્રની ખાણરૂપ, રોગ અને વૃદ્ધતાને રહેવાના ધામના જેવી કાયાને ગણીને હે ચૈતન્ય ! તેનું મિથ્યા માન ત્યાગ કરીને સનતકુમારની પેઠે તેને સફળ કર !
એ ભગવાન સનત્કુમારનું ચરિત્ર અહીં આગળ અશુચિભાવનાની પ્રમાણિકતા બતાવવા માટે આરંભાશે. દૃષ્ટાંતઃ- જે જે રિદ્ધિ સિદ્ધિ અને વૈભવ ભરતેશ્વરના ચરિત્રમાં વર્ણવ્યાં. તે તે વૈભવાદિકથી કરીને યુક્ત સનતકુમાર ચક્રવર્તી હતા, તેનાં વર્ણ અને રૂપ અનુપમ હતાં. એક વેળા સુધર્મસભામાં તે રૂપની સ્તુતિ થઈ. કોઈ બે દેવીને તે વાત રુચી નહીં; પછી તેઓ તે શંકા ટાળવાને વિપ્રરૂપે સનતકુમારના અંતઃપુરમાં ગયા. સનતકુમારનો દેહ તે વેળા ખેળથી ભર્યો હતો, તેને અંગે મર્દનાદિક પદાર્થોનું માત્ર વિલેપન હતું, એક નાનું પંચિયું પહેર્યું હતું. અને તે સ્નાનમંજન કરવા માટે બેઠા હતા. વિરૂપે આવેલા દેવતા તેનું મનોહર મુખ, કંચનવર્ણી કાયા અને ચંદ્ર જેવી કાંતિ જોઈને બહુ આનંદ પામ્યા; જરા માથું ધુણાવ્યું, એટલે ચક્રવર્તીએ પૂછ્યું, તમે માથું કેમ ધુણાવ્યું ? દેવોએ કહ્યું, અમે તમારાં રૂપ અને વર્ણ નિરીક્ષણ કરવા માટે બહુ અભિલાષી હતા. સ્થળે સ્થળે તમારા વર્ણ રૂપની સ્તુતિ સાંભળી હતી; આજે તે વાત અમને પ્રમાણભૂત થઈ એથી અમે આનંદ પામ્યા; માથું ધુણાવ્યું કે જેવું લોકોમાં કહેવાય છે તેવું જ રૂપ છે. એથી વિશેષ છે, પણ ઓછું નથી. સનતકુમાર સ્વરૂપવર્ણની સ્તુતિથી પ્રભુત્વ લાવી બોલ્યા, તમે આ વેળા મારું રૂપ જોયું તે મલે, પરંતુ હું જ્યારે રાજસભામાં વસ્ત્રાલંકાર ધારણ કરી કેવળ સજ્જ થઈને સિંહાસન પર બેસું છું, ત્યારે મારું રૂપ અને મારો વર્ણ જોવા યોગ્ય છે; અત્યારે તો હું ખેળભરી કાયાએ બેઠો છું. જો તે વેળા તમે મારાં રૂપ, વર્ણ જુઓ તો અદ્ભુત ચમત્કારને પામો અને ચકિત થઈ જાઓ. દેવોએ કહ્યું, ત્યારે પછી અમે રાજસભામાં આવીશું; એમ કહીને ત્યાંથી ચાલ્યા ગયા.
સનત્કુમારે ત્યાર પછી ઉત્તમ અને અમૂલ્ય વસ્ત્રાલંકારો ધારણ કર્યાં. અનેક ઉપચારથી જેમ પોતાની કાયા વિશેષ આશ્ચર્યતા ઉપજાવે તેમ કરીને તે રાજસભામાં આવી સિંહાસન પર બેઠા. આજુબાજુ સમર્થ મંત્રીઓ, સુભટો, વિદ્વાનો અને અન્ય સભાસદો યોગ્ય આસને બેસી ગયા છે. રાજેશ્વર ચામરછત્રથી અને ખમા ખમાથી વિશેષ શોભી રહ્યો છે તેમજ વધાવાઈ રહ્યો છે. ત્યાં પેલા દેવતાઓ પાછા વિરૂપે આવ્યા. અદ્ભુત રૂપવર્ણથી આનંદ પામવાને બદલે જાણે ખેદ પામ્યા છે, એવા સ્વરૂપમાં તેઓએ માથું ધુણાવ્યું. ચક્રવર્તીએ પૂછ્યું, અહો બ્રાહ્મણો ! ગઈ વેળા કરતાં આ વેળા તમે જુદા રૂપમાં માથું ધુણાવ્યું એનું શું કારણ છે ? તે મને કહો. અવધિજ્ઞાનાનુસારે વિપ્રે કહ્યું કે, હે મહારાજા । તે રૂપમાં ને આ રૂપમાં ભૂમિઆકાશનો ફેર પડી ગયો છે. ચક્રવર્તીએ તે સ્પષ્ટ સમજાવવા કહ્યું, બ્રાહ્મણોએ કહ્યું, અધિરાજ ! પ્રથમ તમારી કોમળ કાયા અમૃતતુલ્ય હતી.