________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૧૭ મું
૧૬
ભાવનાબોધ
(દ્વાદશાનુપ્રેક્ષાસ્વરૂપદર્શન) ઉપોદ્ઘાત ખરું સુખ શામાં છે ?
ગમે તેવા તુચ્છ વિષયમાં પ્રવેશ છતાં ઉજ્જવળ આત્માઓનો સ્વતઃવેગ વૈરાગ્યમાં ઝંપલાવું એ છે. બાહ્ય દૃષ્ટિથી જ્યાં સુધી ઉજ્જવળ આત્માઓ સંસારના માયિક પ્રપંચમાં દર્શન દે છે ત્યાં સુધી, તે કથનની સિદ્ધતા કવચિત્ દુર્લભ છે; તોપણ સૂક્ષ્મ દૃષ્ટિથી અવલોકન કરતાં એ કથનનું પ્રમાણ કેવળ સુલભ છે, એ નિઃસંશય છે.
એક નાનામાં નાના જન્તુથી કરીને એક મદોન્મત્ત હાથી સુધીનાં સઘળાં પ્રાણીઓ, માનવીઓ અને દેવદાનવીઓ એ સઘળાંની સ્વાભાવિક ઇચ્છા સુખ અને આનંદ પ્રાપ્ત કરવામાં છે. એથી કરીને તેઓ તેના ઉદ્યોગમાં ગૂંથાયાં રહે છે; પરંતુ વિવેકબુદ્ધિના ઉદય વિના તેમાં તેઓ વિભ્રમ પામે છે. તેઓ સંસારમાં નાના પ્રકારનાં સુખનો આરોપ કરે છે. અતિ અવલોકનથી એમ સિદ્ધ છે કે તે આરોપ વૃથા છે. એ આરોપને અનારોપ કરવાવાળાં વિરલાં માનવીઓ વિવેકના પ્રકાશવડે અદ્ભુત પણ અન્ય વિષય પ્રાપ્ત કરવા કહેતાં આવ્યાં છે. જે સુખ ભયવાળાં છે તે સુખ નથી પણ દુઃખ છે. જે વસ્તુ પ્રાપ્ત કરવામાં મહા તાપ છે, જે વસ્તુ ભોગવવામાં એથી પણ વિશેષ તાપ રહ્યા છે; તેમ જ પરિણામે મહા તાપ, અનંત શોક, અને અનંત ભય છે; તે વસ્તુનું સુખ તે માત્ર નામનું સુખ છે; વા નથી જ. આમ હોવાથી તેની અનુરક્તતા વિવેકીઓ કરતાં નથી. સંસારના પ્રત્યેક સુખ વડે વિરાજિત રાજેશ્વર છતાં પણ, સત્ય તત્ત્વજ્ઞાનની પ્રસાદી પ્રાપ્ત થવાથી, તેનો ત્યાગ કરીને યોગમાં પરમાનંદ માની સત્ય મનોવીરતાથી અન્ય પામર આત્માઓને ભર્તૃહરિ ઉપદેશે છે કેઃ-