________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧ર૬]
[ સ્વાનુભૂતિદર્શન પ્રશ્ન- હમણાં હમણાં ધ્યાન પદ્ધતિ નીકળી છે કે શ્વાસોચ્છવાસ રોકો, મનને ખાલી કરો તો તમને આત્મવિચારણા કરવા અંદરથી ફુરણા થશે. તો શું એવું ધ્યાન કાંઈ મદદરૂપ થાય ? સમાધાન - તે શુભભાવનારૂપ છે. તેમાં (મનની) એકાગ્રતા થાય, પણ ખરું ધ્યાન તો પોતાને અંદરમાં સાચું જ્ઞાન થાય,-તત્ત્વને મૂળમાંથી-સ્વભાવમાંથી ઓળખે તો થાય. સાચું જ્ઞાન થાય તો સારું ધ્યાન થાય, માટે તત્ત્વને ગ્રહણ કરવું. પોતે પોતાના જ્ઞાન દ્વારા સૂક્ષ્મ ઉપયોગ કરીને પોતાને ગ્રહણ કરે તો તેમાં સાચી એકાગ્રતા થાય. બાકી શ્વાસોચ્છવાસ તો ઘણીવાર તેણે રોક્યા છે ને તેમાં એકાગ્રતા કરી છે, પણ જ્યાં સુધી આત્માનું અસ્તિત્વ ગ્રહણ નથી થયું ત્યાં સુધી માત્ર મનની એકાગ્રતા થાય છે. મૂળ આત્માનું અસ્તિત્વ ગ્રહણ કર્યા વગર એકલી મનની એકાગ્રતા કાંઈ કામ આવતી નથી. ૧૮૮. પ્રશ્ન- સૂક્ષ્મ ઉપયોગની ભૂમિકાએ પહોંચવા માટે શું કરવું ? સમાધાનઃ- તત્ત્વના ઊંડા વિચારો કરવા, જ્ઞાયકની લગની લગાવવી, તેનો મહિમા કરવો. બહાર ઉપયોગ જે જાય છે તે બધો સ્થૂલ છે. તેની મહિમા અને એકત્વબુદ્ધિ તોડીને હું ચૈતન્ય છું, હું મહિમાનો ભંડાર છું, બધું મારામાં છે, બહારમાં કાંઈ નથી એમ બધા વિકલ્પોની વચ્ચે હું કોણ છું તેને ઓળખવાનો પ્રયત્ન કરવો. તે માટે પોતે સૂક્ષ્મ ઉપયોગ કરે તો તેને ઓળખી શકે છે. બહાર જતો સ્થૂલ ઉપયોગ હોય તો ઓળખી ન શકે. માટે તત્ત્વના વિચારો કરવા, મહાપુરુષોએ જે માર્ગ બતાવ્યો છે તેના વાંચન-વિચારો કરવા અને પોતે અંતરમાં આત્માને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવો. ૧૮૯. પ્રશ્ન- બહુ એકાંત સેવવાથી આ સ્વાધ્યાય થઈ શકે ? એવાં સ્થાનોની જરૂરિયાત ખરી ? સમાધાનઃ- જેને જેની રુચિ હોય તે વચ્ચે આવે છે. કોઈ એકાંત સેવે, કોઈ એકાગ્રતા કરે, પણ મૂળ તો પોતાના આત્માને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવો. શાસ્ત્રમાં આવે છે ને આચાર્યો પણ એમ જ કહે છે કે તું તારા આત્માને ઓળખ અને તેની પ્રતીતિ કર. “બંધો તણો જાણી સ્વભાવ, સ્વભાવ જાણી આત્મનો.” આ બંધ શું છે? અને આત્મા શું છે? તે જાણીને “જે બંધમાંહી વિરક્ત થાય.” બંધ અને બંધના જે ભાવો તેનાથી વિરક્ત થાય તે પોતાના સ્વભાવને ઓળખે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com