________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૦)
(શ્રાવકધર્મપ્રકાશ વૃત્તિ ઊઠે ત્યારે આહાર માટે નગરીમાં પધારે છે. આવા મુનિને જોતાં ગૃહસ્થને એવો ભાવ આવે છે કે અહો! રત્નત્રયને સાધનારા આ મુનિને શરીરની અનુકૂળતા રહે એવા આહાર-ઔષધ આપું, જેથી તેઓ રત્નત્રયને નિર્વિધ્ર સાધે. આમ વ્યવહારથી શરીરને ધર્મનું સાધન કહ્યું છે ને તે શરીરનું નિમત્ત અન્ન છે; એટલે ખરેખર તો આહારદાન દેવા પાછળ ગૃહસ્થની ભાવના પરંપરા રત્નત્રયના પોષણની જ છે, એનું લક્ષ રત્નત્રય ઉપર છે, ને તે ભક્તિપૂર્વક પોતાના આત્મામાં રત્નત્રયની ભાવના પુષ્ટ કરે છે. રામ અને સીતા જેવા પણ પરમ ભક્તિથી મુનિઓને આહાર દેતા હતા.
મુનિના આહારની ખાસ વિધિ છે. મુનિ જ્યાંત્યાં આહાર ન કરે; જૈનધર્મની શ્રદ્ધાવાળા હોય એવા શ્રાવકને ત્યાં જ, નવધાભક્તિ વગેરે વિધિપૂર્વક મુનિ આહાર કરે. શ્રાવકને ત્યાં પણ બોલાવ્યા વગર (-ભક્તિથી પડગાહન-નિમંત્રણ કર્યા વગર) મુનિ આહાર માટે પધારે નહિ. ને પછી શ્રાવક અત્યંત પ્રસન્નતાપૂર્વક નવવિધ ભક્તિ કરીને નિર્દોષ આહાર મુનિના હાથમાં આપે. (૧–પ્રતિગ્રહણ અર્થાત્ આદરપૂર્વક નિમંત્રણ, ૨-ઉચ્ચ આસન, ૩-પાદપ્રક્ષાલન, ૪-પૂજન-સ્તુતિ, પ-પ્રણામ, ૬-મનશુદ્ધિ, ૭–વચનશુદ્ધિ, ૮-કાયશુદ્ધિ અને લ-આહારશુદ્ધિ-આવી નવધાભક્તિપૂર્વક શ્રાવક આહારદાન આપે.) જે દિવસે મુનિના આહારદાનનો પ્રસંગ પોતાના આંગણે બને તે દિવસે તો શ્રાવકના આનંદનો પાર ન હોય. શ્રી રામ અને સીતા જેવા પણ જંગલમાં મુનિને ભક્તિથી આહારદાન કરે છે ત્યારે એક ગીધપક્ષી (જટાયુ) પણ તે દેખીને તેની અનુમોદના કરે છે ને તેને જાતિસ્મરણજ્ઞાન થાય છે. શ્રેયાંસકુમારે જ્યારે ઋષભમુનિને પ્રથમ આહારદાન કર્યું ત્યારે ભરત ચક્રવર્તી તેને ધન્યવાદ દેવા તેના ઘરે ગયા હતા. અહીં મુનિની ઉત્કૃષ્ટ વાત લીધી, તેમ બીજા સાધર્મી શ્રાવક-ધર્માત્મા પ્રત્યે પણ આહારદાન વગેરેનો ભાવ ધર્મીને હોય છે. આવા શુભભાવ શ્રાવકની ભૂમિકામાં હોય છે તેથી તેને શ્રાવકનો ધર્મ કહ્યો છે, છતાં તેની મર્યાદા કેટલી? –કે પુણ્યબંધ થાય એટલી, એથી વધુ નહીં. દાનનો મહિમા વર્ણવતાં શાસ્ત્રમાં ઉપચારથી એમ પણ કહે કે મુનિને આહારદાન તે શ્રાવકને મોક્ષનું કારણ છે, -ત્યાં ખરેખર તો શ્રાવકને તે વખતે જે સમ્યકશ્રદ્ધા જ્ઞાન વર્તે છે તે જ મોક્ષનું કારણ છે, રાગ કાંઈ મોક્ષનું કારણ નથી, - એમ સમજવું.
સર્વે જીવોને સુખ જોઈએ છે. પૂર્ણ સુખ મોક્ષદશામાં છે. મોક્ષનું સાધન સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com