________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૪૭
શ્રાવકધર્મપ્રકાશ) શરીર, એકેક શરીરમાં અનંતા જીવો; તે કેટલા? કે અત્યાર સુધીમાં જે અનંત સિદ્ધ થયા તેના કરતાં અનંતગુણા નિગોદજીવો એકેક શરીરમાં છે; તે નિગોદમાંથી નીકળીને ત્રસપણે પામવું ને તેમાં આવું મનુષ્યપણું ને જૈનધર્મનો આવો અવસર મળવો એ તો બહુ જ દુર્લભ છે. ભાઈ ! તને તેની પ્રાપ્તિ થઈ છે તો આત્માની દરકાર કરીને મુનિદશા કે શ્રાવકદશા પ્રગટ કર. આવો અવસર ધર્મના સેવન વગર નિષ્ફળ ન ગુમાવીશ. સર્વજ્ઞપ્રભુએ કહેલો આત્માના હિતનો સાચો રસ્તો અનંતકાળે તે જોયો નથી. સેવ્યો નથી. તે માર્ગ અહીં સર્વજ્ઞ પરમાત્માના કેડાયત સંતો તને બતાવી રહ્યા છે. સતી રાજમતી, દ્રૌપદી, સીતાજી, બ્રાહ્મી-સુંદરી, ચંદના, અંજના તથા રામચંદ્ર, ભરત, સુદર્શન, વારિષણકુમાર વગેરે શ્રાવકો પહેલાં રાજપાટમાં હતા ત્યારે પણ સંસારથી એકદમ ઉદાસીન હતા, તેઓ આત્માના ભાનપૂર્વક ધર્મનું સેવન કરતા હતા. એટલે કે ગૃહસ્થપણામાંય થઈ શકે એવા ધર્મની (શ્રાવકધર્મની) આ વાત છે. પછી છઠ્ઠી-સાતમાં ગુણસ્થાનરૂપ મુનિદશા એ વિશેષ ઊંચી દશા છે, તે ગૃહસ્થપણામાં રહીને ન થઈ શકે. પણ ગૃહસ્થપણામાં રહીનેય જે સમ્યગ્દર્શનપૂર્વક શક્તિ અનુસાર વીતરાગધર્મનું સેવન કરે છે તે પણ અલ્પકાળે મુનિદશા ને કેવળજ્ઞાન પ્રગટ કરીને મોક્ષને પામશે.
શુદ્ધસ્વરૂપનો જ્યાં સમ્યફ નિર્ણય થયો ત્યાં મોક્ષના દરવાજા ખૂલ્યા. ગૃહવાસમાં રહેલા સમ્યગ્દષ્ટિને પણ આત્મદર્શન વડે મોક્ષના દરવાજા ખૂલી ગયા છે. શુદ્ધ સ્વતત્ત્વનું ઉપાદેયપણું અને સમસ્ત પરભાવોનું અનુપાદેયપણું-એવા ભેદજ્ઞાનના બળે તે મોક્ષમાર્ગને સાધી રહ્યા છે. એવા નિર્મોહી ગૃહસ્થને સમન્તભદ્ર સ્વામીએ પ્રશંસનીય અને “મોક્ષમાર્ગસ્થ' કહ્યો છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com