________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪)
(શ્રાવકધર્મપ્રકાશ કે વસ્ત્રના ત્યાગને મુનિપણું માની લે તો તો શ્રદ્ધા પણ સાચી રહેતી નથી એટલે એને તો શ્રાવકનો ધર્મ પણ રહેતો નથી. ભલે કદાચ મુનિપણું ન લઈ શકાય પણ જો અંદર તેના સ્વરૂપની પ્રતીત બરાબર જાળવી રાખે તો સમ્યગ્દર્શન ટકી રહેશે; માટે તારાથી વિશેષ ન થાય તો જેટલું થાય તેટલું કરજે પણ શ્રદ્ધામાં તો વિપરીત માનીશ નહિ. શ્રદ્ધા સાચી હશે તો તેના બળે મોક્ષમાર્ગ ટકી રહેશે. શ્રદ્ધામાં જ ગોટા વાળીશ તો મોક્ષમાર્ગથી ભ્રષ્ટ થઈ જઈશ.
સમ્યગ્દર્શનથી જે શુદ્ધાત્માને પ્રતીતમાં લીધો તેમાં ઉગ્ર લીનતાથી શુદ્ધોપયોગ પ્રગટે ને પ્રચૂર આનંદનું સંવેદન અંતરમાં વર્તતું હોય, બહારમાં વસ્ત્રાદિ પરિગ્રહ છૂટી ગયા હોય-એવી મુનિદશા છે. અહો, એમાં તો ઘણી વીતરાગતા છે, એ તો પરમેષ્ઠીપદ છે. કુંદકુંદસ્વામી પોતે આવી મુનિદશામાં વર્તે છે, તેઓ પ્રવચનસારના મંગલાચરણમાં પંચપરમેષ્ઠી–ભગવંતોને વંદન કરે છે, તેમાં કહે છે કે “જેમણે પરમ શુદ્ધ-ઉપયોગભૂમિકાને પ્રાપ્ત કરી છે એવા શ્રમણોને પ્રણમું છું.” શુદ્ધોપયોગનું નામ ચારિત્રદશા છે, મોહ ને ક્ષોભ વગરના જે આત્મપરિણામ તે ચારિત્રધર્મ છે, તે જ મુનિપણું છે. મુનિમાર્ગ શું છે તેની જગતને ખબર નથી. કુંદકુંદાચાર્ય જેવા જે પદને નમસ્કાર કરે-એ મુનિપદ કેવું? અહીં, “નમો નો સવ્વ સાહૂણ' એમ કહીને પંચપરમેષ્ઠીપદમાં જેને નમસ્કાર થાય-એ સાધુપદના મહિમાની શી વાત!! એ તો મોક્ષનું સાક્ષાત્ કારણ છે.
અહીં કહે છે કે હે જીવ! મોક્ષનું સાક્ષાત્ કારણ એવું આ શુદ્ધચારિત્ર તેને તું અંગીકાર કર, સમ્યગ્દર્શન ઉપરાંત આવી ચારિત્રદશા પ્રગટ કર. ચારિત્રદશા વગર મોક્ષ નથી. ક્ષાયિક સમ્યકત્વ અને ત્રણજ્ઞાન સહિત એવા તીર્થંકર પણ જ્યારે શુદ્ધોપયોગરૂપ ચારિત્રદશા પ્રગટ કરે ત્યારે જ મુનિપણું ને કેવળજ્ઞાન પામે છે. તેથી સમ્યગ્દર્શન પામીને આવી ચારિત્રદશા પ્રગટ કરવી તે ઉત્તમ માર્ગ છે. પરંતુ લોકનિષેધથી અને પોતાના પરિણામમાં તે પ્રકારની શિથિલતાથી જો ચારિત્રદશા લઈ ન શકાય તો શ્રાવકને યોગ્ય વ્રતાદિ કરવા. દિગંબર મુનિદશા પાળવી તેમાં તો ઘણી વીતરાગતા છે; પરિણામની શક્તિ જોયા વગર એમ ને એમ મુનિપણું લઈ લ્ય ને પછી પાળી ન શકે તો ઊલટું મુનિમાર્ગની નિંદા થાય. માટે પોતાના શુદ્ધપરિણામની શક્તિ જોઈને મુનિપણું લેવું; શક્તિની મંદતા હોય તો મુનિપણાની ભાવનાપૂર્વક શ્રાવકધર્મનું આચરણ કરવું. પરંતુ તેના મૂળમાં સમ્યગ્દર્શન તો પહેલાં હોય જ, તેમાં નબળાઈ ન ચાલે. સમ્યકત્વમાં થોડુંક ને વિશેષ એવા પ્રકાર ન પડે, ચારિત્રમાં થોડુંક ને વિશેષ એવા પ્રકાર પડે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com