________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(શ્રાવકધર્મપ્રકાશ જે ગૃહસ્થપણું છોડી, મુનિધર્મ અંગીકાર કરી, નિજ સ્વભાવસાધન વડે ચાર ઘાતિકર્મોનો ક્ષય કરી અનંત ચતુષ્ટયરૂપે બિરાજમાન થયા છે...એવા શ્રી અરિહંતદેવને અમારા નમસ્કાર હો.' મુનિધર્મ કેવો? કે શુદ્ધોપયોગરૂપ મુનિધર્મ તે અંગીકાર કરીને, નિજ સ્વભાવસાધન વડે ભગવાને કર્મોનો ક્ષય કર્યો કોઈ બહારના સાધન વડે કે રાગના સાધન વડે નહિ, પણ નિશ્ચય રત્નત્રયરૂપ નિજસ્વભાવના સાધન વડે જ ભગવાને કર્મોનો ક્ષય કર્યો. આથી વિપરીત સાધન માને તો તેણે ભગવાનના માર્ગને જાણ્યો નથી, ભગવાનને ઓળખ્યા નથી. ભગવાનને ઓળખીને નમસ્કાર કરે તો જ સાચા નમસ્કાર કહેવાય.
અહીં પ્રથમ જ કહ્યું કે બાહ્ય-અભ્યતર સંગને છોડીને શુક્લધ્યાનથી પ્રભુ કેવળજ્ઞાન પામ્યા; એટલે કોઈ જીવ ઘરમાં રહીને કે બાહ્યમાં વસ્ત્રાદિનો સંગ રાખીને કેવળજ્ઞાન પામી જાય એમ બનતું નથી. અંતરના સંગમાં મિથ્યાત્વાદિ મોહ, તેને છોડયા વગર મુનિદશા કે કેવળજ્ઞાન થાય નહિ.
મુનિ થયા તેને પણ જે મહાવ્રતાદિનો રાગ છે તે કાંઈ કેવળજ્ઞાનનું સાધન નથી પણ શુદ્ધોપયોગરૂપ નિજસ્વભાવ તે જ કેવળજ્ઞાનનું સાધન છે, તેને જ મુનિધર્મ કહ્યો છે. અહીં ઉત્કૃષ્ટ વાત બતાવવી હોવાથી શુક્લધ્યાનની વાત લીધી છે. શુક્લધ્યાન શુદ્ધોપયોગી મુનિને જ હોય છે. કેવળજ્ઞાનના સાધનરૂપ જે આવો મુનિધર્મ, તેનું મૂળ સમ્યગ્દર્શન છે, ને તે સમ્યગ્દર્શન સર્વજ્ઞદેવની તથા તેમનાં વચનોની ઓળખાણ પૂર્વક થાય છે; તેથી અહીં શ્રાવકના ધર્મના વર્ણનમાં સૌથી પહેલાં જ સર્વજ્ઞદેવની ઓળખાણની વાત લીધી છે.
આત્માનું ભાન કરી, મુનિદશા પ્રગટ કરી, શુદ્ધોપયોગની ઉગ્ર શ્રેણી માંડીને જેઓ સર્વજ્ઞ થયા, તે સર્વજ્ઞ પરમાત્માનાં વચન જ સત્ય ધર્મનું નિરૂપણ કરનારા છે; આવા સર્વજ્ઞને ઓળખે ત્યાં આત્માના જ્ઞાનસ્વભાવની પ્રતીત થાય ને ત્યારે ધર્મની શરૂઆત થાય. સર્વજ્ઞની પ્રતીત જે નથી કરતો તેને આત્માની જ પ્રતીત નથી, ધર્મની જ પ્રતીત નથી; તેને તો શાસ્ત્રકાર “મહાપાપી અથવા અભવ્ય' કહે છે. ધર્મ સમજવાની તેનામાં લાયકાત નથી માટે અભવ્ય કહ્યો. સર્વજ્ઞના સ્વરૂપમાં જેને સન્ડે છે, સર્વજ્ઞની વાણીમાં જેને સંદેહ છે, સર્વજ્ઞ સિવાય બીજા કોઈ સત્યધર્મના પ્રણેતા નથી-એમ જે ઓળખાતો નથી ને વિપરીતમાર્ગમાં દોડે છે તે જીવ મિથ્યાત્વરૂપ મહાપાપને સેવે છે, તેનામાં ધર્મને માટે લાયકાત નથી. આમ કહીંને ધર્મના જિજ્ઞાસુને સૌથી પહેલાં સર્વજ્ઞાની અને સર્વજ્ઞના માર્ગની ઓળખાણ કરવાનું કહ્યું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com