________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ).
(૯૧ દેવ-ગુરુ-શાસ્ત્ર તરફના ઉલ્લાસથી સંસાર તરફનો ઉલ્લાસ ઘટાડે છે ત્યાં દાનાદિનો શુભભાવ આવે છે, એટલે ગૃહસ્થ પાપ ઘટાડીને શુભભાવ કરવો-એવો ઉપદેશ છે. તું શુભભાવ કર એવો ઉપદેશ વ્યવહારમાં હોય છે. પરમાર્થમાં તો રાગનુંય કર્તુત્વ આત્માના સ્વભાવમાં નથી. રાગના કણિયાનુંય કર્તુત્વ માને કે તેનાથી મોક્ષમાર્ગ માને તો મિથ્યાદષ્ટિ છે એમ શુદ્ધદષ્ટિના વર્ણનમાં આવે; એવી દષ્ટિપૂર્વક રાગની ઘણી મંદતા ધર્મીને હોય છે. રાગ વગરનો સ્વભાવ દષ્ટિમાં લે ને રાગ ઘટે નહિ એમ કેમ બને? અહીં કહે છે કે જેને દાનાદિના શુભભાવનુંય ઠેકાણું નથી, એકલા પાપભાવમાં જે પડ્યા છે તેની તો આ લોકમાંય શોભા નથી ને પરલોકમાંય તેને સારી ગતિ મળતી નથી. પાપથી બચવા માટે પાત્રદાન જ ઉત્તમ માર્ગ છે. મુનિવરોને તો પરિગ્રહ જ નથી, એમને તો અશુભ પરિણતિ છેદાઈ ગઈ છે ને ઘણી આત્મરમણતા વર્તે છે-એમની તો શી વાત? અહીં તો ગૃહસ્થને માટે ઉપદેશ છે. જેમાં અનેક પ્રકારના પાપના પ્રસંગ છે એવા ગૃહસ્થપણામાં પાપથી બચવા પૂજા-દાન-સ્વાધ્યાય વગેરે કર્તવ્ય છે. તીવ્રલોભી પ્રાણીને સંબોધીને કાર્તિકસ્વામી તો કહે છે કે અરે જીવ! આ લક્ષ્મી ચંચળ છે, એની મમતા તું છોડ. તું તીવ્ર લોભથી બીજા માટે (–દેવ-ગુરુ-શાસ્ત્રના શુભ કાર્યોમાં) તો લક્ષ્મી નથી વાપરતો, પરંતુ તારા દેહ માટે તો વાપર! એટલી તો મમતા ઘટાડ-એ રીતે પણ લક્ષ્મીની મમતા ઘટાડતાં શીખશે તો કયારેક શુભકાર્યોમાં પણ લોભ ઘટાડવાનો પ્રસંગ આવશે. અહીં તો ધર્મના નિમિત્ત તરફના ઉલ્લાસ ભાવથી જે દાનાદિ થાય તેની જ મુખ્ય વાત છે. જેને ધર્મનું લક્ષ નથી તે કંઈક મંદરાગ વડે દાનાદિ કરે તો સાધારણ પુણ્ય બાંધે, પણ અહીં તો ધર્મના લક્ષ સહિતના પુણ્યની મુખ્યતા છે; એટલે અધિકારની શરૂઆતમાં જ અરિહન્તદેવની ઓળખાણની વાત લીધી હતી. શાસ્ત્રમાં તો જ્યારે જે પ્રકરણ ચાલતું હોય ત્યારે તેનું વિસ્તારથી વર્ણન કરે, બ્રહ્મચર્ય વખતે બ્રહ્મચર્યનું વર્ણન કરે, ને દાન વખતે દાનનું વર્ણન કરે; મૂળભૂત સિદ્ધાંત લક્ષમાં રાખીને દરેક કથનના ભાવ સમજવા જોઈએ.
લોકોમાં તો જેની પાસે ઘણું ધન હોય તેને લોકો ધનવાન કહે છે; પરંતુ શાસ્ત્રકાર કહે છે કે જે લોભી છે એની પાસે ગમે તેટલું ધન પડ્યું હોય તો પણ તે ધનવાન નથી પણ રંક છે, કેમ કે જે ધન ઉદારતાપૂર્વક સત્કાર્યમાં વાપરવા માટે કામ ન આવે, પોતાના હિતને માટે કામ ન આવે ને એકલા પાપબંધનું જ કારણ થાય એ ધન શા કામનું? ને એવા ધનથી ધનવાનપણું કોણ માને? સાચો ધનવાન તો એ છે કે જે ઉદારતાપૂર્વક પોતાની લક્ષ્મીને દાનમાં વાપરે છે. ભલે લક્ષ્મી થોડી હોય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com