________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
પૂરું ભાન હોવાથી અને અનુવાદની સર્વ શક્તિનું મૂળ શ્રી સદ્ગુરુદેવ જ હોવાથી હું તો બરાબર સમજું છું કે સદ્ગુરુદેવની અમૃતવાણીનો ધોધ જ–તેમના દ્વારા મળેલો અણમૂલ ઉપદેશ જ યથાકાળે આ અનુવાદરૂપે પરિણમ્યો છે. જેમની હૂંફથી આ અતિ ગહન શાસ્ત્રનો અનુવાદ કરવાનું મેં સાહસ ખેડ્યું હતું અને જેમની કૃપાથી તે નિર્વિન્ને પાર પડયું છે તે પરમ ઉપકારી સદ્ગુરુદેવનાં ચરણારવિંદમાં અતિ ભક્તિભાવે વંદન કરું છું.
આ અનુવાદમાં અનેક ભાઈઓની મદદ છે. ભાઈશ્રી અમૃતલાલ માણેકલાલ ઝાટકિયાની આમાં સૌથી વધારે મદદ છે. તેઓ આખો અનુવાદ અતિ પરિશ્રમ વેઠીને ઘણી જ બારીકાઈથી અને ઉમંગથી તપાસી ગયા છે, ઘણી અતિ-ઉપયોગી સૂચનાઓ તેમણે કરી છે, સંસ્કૃત ટીકાની હસ્તલિખિત પ્રતો મેળવીને પાઠાન્તરો શોધી આપ્યા છે, શંકાસ્થાનોનાં સમાધાન પંડિતો પાસેથી મેળવી આપ્યાં છે-ઈત્યાદિ અનેક રીતે તેમણે જે સર્વતોમુખી સહાય કરી છે તે માટે હું તેમનો આભારી છું. જેઓ પોતાના વિશાળ શાસ્ત્રજ્ઞાનથી, આ અનુવાદમાં પડતી નાની મોટી મુશ્કેલીઓનો નિવેડો કરી આપતા તે મુરબ્બી વકીલ શ્રી રામજીભાઈ માણેકચંદ દોશીનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. જ્યારે
જ્યારે ભાષાંતર કરતાં કોઈ અર્થ બરાબર ન બેસતા હોય ત્યારે ત્યારે હું (અમૃતલાલભાઈ મારફત) પત્ર દ્વારા પં૦ ગણેશપ્રસાદજી વર્ણી અને પં૦ રામપ્રસાદજી શાસ્ત્રીને તે અર્થો પુછાવતો. તેમણે મને દરેક વખતે વિનાસંકોચે પ્રશ્નોના ઉત્તરો આપ્યા છે. તેમની સલાહુ મને ભાષાંતરમાં ઘણી ઉપયોગી થઈ છે. આ રીતે તેમણે કરેલી મદદ માટે હું તેમનો અંત:કરણપૂર્વક આભાર માનું છું. આ સિવાય જે જે ભાઈઓની આ અનુવાદમાં સહાય છે તે સર્વનો હું આભારી છું.
આ અનુવાદ ભવ્ય જીવોને જિનદેવે પ્રરૂપેલો આત્મશાંતિનો યથાર્થ માર્ગ બતાવો, એ મારી અંતરની ભાવના છે. શ્રી અમૃતચંદ્રાચાર્યદવના શબ્દોમાં “આ શાસ્ત્ર આનંદમય વિજ્ઞાનઘન આત્માને પ્રત્યક્ષ દેખાડનારું અદ્વિતીય જગચક્ષુ છે. જે કોઈ તેના પરમ ગંભીર અને સૂક્ષ્મ ભાવોને હૃદયગત કરશે તેને તે જગચક્ષુ આત્માનું પ્રત્યક્ષ દર્શન કરાવશે. જ્યાં સુધી તે ભાવો યથાર્થ રીતે હૃદયગત ન થાય ત્યાં સુધી રાતદિવસ તે જ મંથન, તે જ પુરુષાર્થ ર્તવ્ય છે. શ્રી જયસેનાચાર્યદવના શબ્દોમાં સમયસારના અભ્યાસ આદિનું ફળ કહીને આ ઉપોદ્દાત પૂર્ણ કરુ છું :-“સ્વરૂપરસિક પુરુષોએ વર્ણવેલા આ પ્રાભૃતનો જે કોઈ આદરથી અભ્યાસ કરશે, શ્રવણ કરશે, પઠન કરશે, પ્રસિદ્ધિ કરશે, તે પુરુષ અવિનાશી સ્વરૂપમય, અનેક પ્રકારની વિચિત્રતાવાળા, કેવળ એક જ્ઞાનાત્મક ભાવને પામીને અગ્ર પદને વિષે મુક્તિલલનામાં લીન થશે.'
દીપોત્સવી, વિ. સં. ૧૯૯૬
-હિંમતલાલ જેઠાલાલ શાહ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com