________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશ્રમપૂર્વક આવો સુંદર અનુવાદ તૈયાર કરી આપવા બદલ ભાઈશ્રી હિંમતલાલભાઈનો આ સંસ્થા જેટલો આભાર માને તેટલો ઓછો છે. આ અનુવાદ અમૂલ્ય છે. કેમકે માત્ર પૂ. ગુરુદેવ અને જિનવાણીમાતા પ્રત્યેની પરમ ભક્તિથી પ્રરાઈને પોતાની અધ્યાત્મરસિકતા વડે તૈયાર કરાયેલા આ અનુવાદનાં મૂલ્ય કેમ આંકી શકાય? આ અનુવાદના મહાન કાર્ય બદલ તેઓશ્રીને અભિનંદનરૂપે કંઈક કીમતી ભેટ આપવાની આ સંસ્થાની ઘણી જ ઉત્કંઠા હતી, અને તે સ્વીકારવા માટે તેમને વારંવાર આગ્રહભરી વિનંતી કરવામાં આવી હતી, પરંતુ તેમણે તે સ્વીકારવાની સ્પષ્ટ ના જ પાડી. તેમની આ નિસ્પૃહતા પણ અત્યંત પ્રશંસનીય છે. લગભગ નવ વર્ષ પહેલાં પ્રવચનસારના અનુવાદ વખતે જ્યારે તેમને ભેટના સ્વીકાર માટે કહેવામાં આવ્યું ત્યારે તેમણે વૈરાગ્યપૂર્વક એવો જવાબ આપ્યો હતો કે ““મારો આત્મા આ સંસાર પરિભ્રમણથી છૂટે એટલે બસ, –બીજો કાંઈ બદલો મારે જોઈતો નથી.'' ઉપોદઘાતમાં પણ પોતાની આ ભાવના વ્યકત કરતાં તેઓ લખે છે કેઃ “આ અનુવાદ મેં શ્રીપંચાસ્તિકાયસંગ્રહુ પ્રત્યેની ભક્તિથી અને ગુરુદેવની પ્રરેણાથી પ્રેરાઈ ને, નિજ કલ્યાણ અર્થ, ભવભયથી ડરતાં કર્યો છે.''
ભાઈશ્રી હિંમતલાલભાઈને આ અનુવાદકાર્યમાં પ્રતસંશોધન, પ્રૂફરીડિંગ વગેરે નાનાંમોટાં અનેક કામોમાં ઘણી કીમતી મદદ બ્ર, ભાઈશ્રી ચંદુલાલ ખીમચંદ ઝોબાળિયાએ આપી છે, તે માટે તેમનો આભાર માનવામાં આવે છે. આ શાસ્ત્રની મૂળ ગાથાઓ તથા તેની સંસ્કૃત ટીકાનાં સંશોધન માટે “શ્રી દિગબંર જૈન શાસ્ત્ર ભંડાર' ઇડર તથા “ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઈન્સ્ટિટયુટ' પૂના તરફથી અમને હસ્તલિખિત પ્રતો મળી છે, તેથી તે બંને સંસ્થાઓનો પણ અત્રે આભાર માનીએ છીએ. ભાઈશ્રી અમૃતલાલ દેવરમણ વોરાએ પોતાના “અમૃત પ્રિન્ટિંગ પ્રેસ” માં ઘણી કાળજી અને હોંશપૂર્વક આ ગ્રંથનું સુંદર મુદ્રણ કરી આપ્યું છે. તે બદલ તેમનો પણ આભાર માનવામાં આવે છે.
મુમુક્ષુ જીવો સહેલાઈથી આ પરમાગમનો લાભ લઈ શકે તે હેતુથી આ પરમાગમના પ્રકાશનમાં કેટલાક ભાઈ બેનોએ આર્થિક સહાય આપી છે તેથી આની કિંમત ઘટાડીને માત્ર ૩ રૂપિયા રાખવામાં આવી છે. આર્થિક સહાય આપનારાં ભાઈ બેનોનો આ ટ્રસ્ટ આભાર માને છે.
| મુમુક્ષુ જીવો અતિ બહુમાનપૂર્વક સદ્દગુરૂગમે આ પરમાગમનો અભ્યાસ કરીને તેના ઊંડા ભાવોને સમજો... અને શાસ્ત્રના તાત્પર્યભૂત વીતરાગભાવને પ્રાપ્ત કરો.... એ જ ભાવના
સોનગઢ માગશર વદ આઠમ વીર સંવત ૨૪૮૪
રામજી માણેકચંદ દોશી
-પ્રમુખશ્રી દિગબંર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ,
સોનગઢ( સૌરાષ્ટ્ર)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com