________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પદાર્થોથી પોતાને સુખીદુ:ખી માને છે. વાસ્તવમાં પોતાના સુખગુણની વિકારી પર્યાયે પરિણમી તે અનાદિ કાળથી દુઃખી થઈ રહ્યો છે.
જીવ દ્રવ્ય-ગુણે સદા શુદ્ધ હોવા છતાં, તે પર્યાય-અપેક્ષાએ શુભાશુભભાવરૂપે, શિશુદ્ધિરૂપે, શુદ્ધિની વૃદ્ધિરૂપે અને પૂર્ણશુદ્ધિરૂપે પરિણમે છે તથા તે ભાવોના નિમિત્તે શુભાશુભ પુદ્ગલકર્મોનું આસ્રવણ અને બંધન તથા તેમનું અટકવું, ખરવું અને સર્વથા છૂટવું થાય છે. આ ભાવો સમજાવવા માટે જિનેન્દ્રભગવંતોએ નવ પદાર્થો ઉપદેશ્યા છે. આ નવ પદાર્થો સમ્યકપણે સમજવાથી, જીવને શું હિતરૂપ છે, શું અહિતરૂપ છે, શાશ્વત પરમ હિત પ્રગટ કરવા જીવે શું કરવું જોઈએ, પર પદાર્થો સાથે પોતાને શો સંબંધ છે –ઇત્યાદિ વાતો યથાર્થપણે સમજાય છે અને પોતાનું સુખ પોતામાં જ જાણી, પોતાના સર્વ પર્યાયોમાં પણ જ્ઞાનાનંદસ્વભાવી નિજ જીવદ્રવ્યસામાન્ય સદા એકરૂપ જાણી, તે અનાદિ–અપ્રાપ્ય એવા કલ્યાણબીજ સમ્યગ્દર્શનને તથા સમ્યજ્ઞાનને પ્રાપ્ત કરે છે. તે પ્રાપ્ત થતાં જીવ પોતાને દ્રવ્ય-અપેક્ષાએ કૃતકૃત્ય જાણે છે અને તે કૃતકૃત્ય દ્રવ્યનો પરિપૂર્ણ આશ્રય કરવાથી જ શાશ્વત સુખની પ્રાપ્તિ-મોક્ષ-થાય છે એમ સમજે છે.
સમ્યગ્દર્શન પ્રાપ્ત થતાં જીવને શુદ્ધાત્મદ્રવ્યનું જે અલ્પ આલંબન થયું હોય છે તે વધતાં અનુક્રમે દેશવિરત શ્રાવકપણું અને મુનિપણું પ્રાપ્ત થાય છે. શ્રાવકને તથા મુનિને શુદ્ધાત્મદ્રવ્યના મધ્યમ આલંબનરૂપ આંશિક શુદ્ધિ હોય છે તે કર્મનાં અટકવાનું ને ખરવાનું નિમિત્ત થાય છે અને જે અશુદ્ધિરૂપ અંશ હોય છે તે શ્રાવકને દેશવ્રતાદિરૂપે તથા મુનિને મહાવ્રતાદિરૂપે દેખાવ દે છે, જે કર્મબંધનું નિમિત્ત થાય છે. ક્રમે ક્રમે તે જીવ જ્ઞાનાનંદસ્વભાવી શુદ્ધાત્મદ્રવ્યને અતિ ઉગ્રપણે અવલંબી, સર્વ વિકલ્પોથી છૂટી, સર્વ રાગદ્વેષ રહિત થઈ, કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી, આયુષ્ય પૂર્ણ થતાં દેહાદિસંયોગથી વિમુક્તથઈ, સદાકાળ પરિપૂર્ણ જ્ઞાનદર્શનરૂપે અને અતીન્દ્રિય અનંત અવ્યાબાધ આનંદરૂપે રહે છે.
–આ. ભગવાન કુંદકુંદાચાર્યદેવે પંચાસ્તિકાયસંગ્રહ શાસ્ત્રમાં પરમ કરુણાબુદ્ધિથી પ્રસિદ્ધ કરેલા વસ્તુતત્ત્વનો સંક્ષિપ્ત સાર છે. તેમાં જે રીતે વર્ણવી તે સિવાય બીજી કોઈ રીતે જીવ અનાદિ કાળના ભંયકર દુઃખથી છૂટી શકતો નથી. જ્યાં સુધી વસ્તુસ્વરૂપ જીવના ખ્યાલમાં આવતું નથી ત્યાં સુધી બીજા લાખ પ્રયત્ન પણ તેને મોક્ષનો ઉપાય હાથ લાગતો નથી. તેથી જ આ શાસ્ત્રને વિષે પ્રથમ પંચાસ્તિકાય અને નવ પદાર્થનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે કે જેથી જીવ વસ્તુસ્વરૂપને સમજી મોક્ષમાર્ગના મૂળભૂત સમ્યગ્દર્શનને પ્રાપ્ત થાય.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com