________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮-વિભુત્વશક્તિ : ૧૩ કોઈ વળી કહે છે-ક્રમબદ્ધનો અર્થ એક પછી એક થાય એમ બરાબર, પણ અમુક આ જ થાય એમ નહિ. પરંતુ એવી વસ્તુસ્થિતિ નથી ભાઈ ! દ્રવ્યની (ત્રિકાળવર્તી) પ્રત્યેક પર્યાયનો ક્રમ નિયત-નિશ્ચિત જ છે. કોઈ પર્યાય કદીય આડીઅવળી થઈ શકે નહિ. દરેક પર્યાય પોતાના ક્ષણિક ઉપાદાનની યોગ્યતાનુસાર જે કાળે જે થવાયોગ્ય હોય તે જ તે કાળે નિશ્ચિત પ્રગટ થાય છે.
જુઓ, આત્મામાં એક વિભુત્વશક્તિ છે એની અહીં વાત છે. આ વિભુત્વશક્તિ પૂરા દ્રવ્યમાં અને તેના અનંત ગુણોમાં વ્યાપક છે. દ્રવ્યની અનંત શક્તિઓ ક્રમબદ્ધ પર્યાયપણે પરિણમે છે. બહિદષ્ટિને તેનો અંદર સ્વીકાર થતો નથી, પણ એક અભેદ શુદ્ધ અંત:તત્ત્વની દૃષ્ટિ કરતાં જ પર્યાય ક્રમબદ્ધ થાય છે તેનો યથાર્થ નિર્ણય થાય છે. અમે તો આ વાત પ્રવચનોમાં વિસ્તારથી કરી છે
પ્રશ્ન:- તો આપ છાપીને બહાર પાડવાનું કહો તો વહેલી પ્રસિદ્ધ થાય.
ઉત્તર:- અમે કોઈને કાંઈ કહેતા નથી. તત્ત્વ-વિચાર અને સ્વાધ્યાય કરવા સિવાય બીજા કોઈ કામમાં અમે પડતા નથી. શું છાપવું ને બહાર પાડવું એ સમાજનું કામ છે, અમારું તે કામ નથી.
આ વિભુત્વ નામની શક્તિ સર્વ શક્તિઓમાં વ્યાપે છે, દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપે છે. તેથી દ્રવ્ય વિભુ, ગુણ વિભુ ને વર્તમાન પર્યાય વિભુ છે. સૂક્ષ્મ વાત છે પ્રભુ! આ જ્ઞાનસ્વભાવ વિભુ છે, ને જ્ઞાનની વર્તમાન દશા વિભુ છે. જ્ઞાનની ક્રમસર પર્યાય સુનિશ્ચિત જે થવાયોગ્ય હોય તે જ પ્રગટ થાય છે, અને તેની સાથે અનંત ગુણની પણ તે સમયે સુનિશ્ચિત જે પર્યાય પ્રગટ થવાની હોય તે જ પ્રગટ થાય છે, અનંત ગુણની પર્યાયમાં પણ આ વિભુત્વ ગુણ વ્યાપે છે.
ત્યારે કોઈ વળી કહે છે ક્રમબદ્ધ પર્યાય માનવાથી નિયત (નિયતવાદ) થઈ જાય છે.
અરે ભાઈ ! જેમ દ્રવ્ય અને તેની શક્તિ નિયત છે અને નિશ્ચિત છે તેમ પોતાની ક્ષણિક ઉપાદાનની યોગ્યતા અનુસાર સમય સમયે પ્રગટ થતી દરેક પર્યાય પણ નિયત જ છે. જે સમયે જે પર્યાય થવાયોગ્ય છે તે જ પ્રગટ થાય છે; પણ પર્યાય ક્રમબદ્ધ છે એવો નિર્ણય કરનારની દષ્ટિ ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયક ઉપર જાય છે ત્યારે જ ક્રમબદ્ધનો યથાર્થ નિર્ણય થાય છે. દ્રવ્યદૃષ્ટિ રહિત અજ્ઞાનીને આ વાત ગોઠતી નથી. તે કહે છે-શ્રુતજ્ઞાનની અપેક્ષા નિયત નથી. પણ ભાઈ ! તારો તર્ક યથાર્થ નથી, કેમકે શ્રુતજ્ઞાનની અપેક્ષા પણ દરેક પર્યાય ક્રમબદ્ધ જ છે એવો યથાર્થ નિર્ણય સમ્યગ્દષ્ટિને હોય છે. ભાઈ ! જરા દષ્ટિ સૂક્ષ્મ કરી આ સમજવા માટે પ્રયત્ન કરવો જોઈએ; આ અવસર છે.
પ્રશ્ન- હા, પણ પંચાસ્તિકાયની ગાથા ૧૫૫માં સંસારી જીવને નિયત તથા અનિયત એમ બન્ને પ્રકારની પર્યાયો થયા કરે છે એમ કહ્યું છે ને ? ગાથા આ પ્રમાણે છે
जीवो सहावणियदो अणियदगुणपज्जओध परसमओ।
जदि कुणदि सगं समयं पब्भस्सदि कम्मबंधादो।। ઉત્તર:- હા, પંચાસ્તિકાયની ગાથા ૧૫૫માં નિયત અને અનિયત પર્યાયની વાત છે. ત્યાં સ્વભાવ અને સ્વભાવલીન નિર્મળ પર્યાય પ્રગટ થાય તેને નિયત કહેલ છે અને વિભાવ પર્યાય પ્રગટ થાય તેને અનિયત કહેલ છે. અનિયત પર્યાય એટલે તે આગળ-પાછળ કે આડી-અવળી થાય એવો ત્યાં અર્થ નથી. અનિયત એટલે સ્વભાવમાં અનવસ્થિત અનેકરૂપ વિકારી પર્યાય; તે પણ જે સમયે પ્રગટ થાય તે નિયત ક્રમબદ્ધ જ પ્રગટ થાય છે. ગાથામાં અને ટીકામાં પણ ગુણ-સ્વભાવ અને નિર્મળ પર્યાયને નિયત કહેલ છે, અને વિકારી વિભાવ પર્યાયને અનિયત કહેલ છે. અહીં અનિયતનો અર્થ પર્યાય આડી-અવળી થાય છે એમ છે નહિ. ભાઈ ! પોતાની મતિ-કલ્પનાથી શાસ્ત્રના અર્થ કરે તે કેમ ચાલે? ન ચાલે. પાણીનો શીતળ સ્વભાવ તે નિયત છે, સ્વભાવલીન શીતળ દશા તે નિયત છે અને અગ્નિના નિમિત્તે તેની ઉષ્ણ દશા તે અનિયત છે. આવી વાત ! સમજાણું કાઈ....!
શું થાય? લોકોને પૂર્વના આગ્રહ (હઠાગ્રહ) હોય એટલે આ બેસે નહિ. આ વાત પહેલાં હતી નહિ; હમણાં સોનગઢથી પ્રસિદ્ધિમાં આવી છે એટલે કેટલાક હઠપૂર્વક તેનો વિરોધ કરે છે. એ તો “જૈનતત્ત્વમીમાંસા ”માં કેવળજ્ઞાનસ્વભાવમીમાંસા નામના પ્રકરણમાં પં. શ્રી. ફૂલચંદજીએ આ બાબતે કહ્યું છે કે “જ્યારથી સર્વ દ્રવ્યોની પર્યાયો ક્રમનિયમિત (ક્રમબદ્ધ) થાય છે આ તથ્ય પ્રમુખરૂપથી બધાની સામે આવ્યું છે ત્યારથી વિદ્વાનો દ્વારા આવા કુતર્ક ઉઠાવવામાં આવ્યા છે. જેમના મનમાં એવું શલ્ય ઘર કરી બેઠું છે કે કેવળજ્ઞાનને સર્વ દ્રવ્યો અને તેની સર્વ પર્યાયોનું જ્ઞાતા માની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com