________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ ધગધગતા લોઢાનાં ઘરેણાં તેમના હાથપગમાં પહેરાવીને તેમના ઉપર ભારે ઉપસર્ગ કર્યો. તે વખતે યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન એ ત્રણ તો અંતરધ્યાન વડે કેવળજ્ઞાન પામી મોક્ષે પધાર્યા. સહદેવ અને નકુળ એ બન્નેને સાધર્મી પ્રતિ જરી શુભ વિકલ્પ આવ્યો કે અરે! આ સંતો પર આવો ઘોર ઉપસર્ગ! એ શુભવિકલ્પના ફળમાં તેમને કેવળજ્ઞાન પ્રગટ ન થતાં, આયુસ્થિતિ પૂરી થઈને સર્વાર્થસિદ્ધિના દેવમાં જવાનું થયું. ત્યાં તેમને ૩૩ સાગરોપમની સ્થિતિ છે. તે સ્થિતિ પૂરી કરીને મનુષ્ય તરીકે જન્મશે, અને ફરી મુનિદીક્ષા લઈ, કેવળજ્ઞાન પામીને મોક્ષે જશે. જુઓ, જરા શુભરાગ આવ્યો તો આટલો સમય સંસારમાં તેમને રહેવું પડશે.
ભગવાનના શ્રીમુખેથી નીકળેલી વાણીનો આ પ્રવાહ છે. કહે છે–વર્તમાન પર્યાયનો અપાય અર્થાત નાશ થવા છતાં હાનિને પ્રાપ્ત થતો નથી એવો જે ધ્રુવ ભાવ છે તે-મય અપાદાનશક્તિ જીવમાં છે. પર્યાયની હાનિ થઈને તે અંદર ગઈ, પણ ધ્રુવ ઉપાદાન પડયું છે, માટે બીજે સમયે બીજી નવી પર્યાય ઉત્પન્ન થશે જ. અહા ! બીજી નવી નિર્મળ પર્યાય ઉત્પન્ન થાય એવો આત્માનો અપાદાન સ્વભાવ છે, ને ભાવ સ્વભાવ છે. એક પર્યાયનો અભાવ થયો તેથી અભાવ (શૂન્યતા) કાયમ રહી જાય એવી વસ્તુ નથી. ભાવશક્તિના કારણે બીજી નિર્મળ પર્યાય બીજે સમયે વિધમાન હોય જ છે. આવી વાત! આ બધી નિશ્ચય... નિશ્ચયની વાત છે એમ કહી લોકો તેને કાઢી નાખે છે, પણ ભાઈ ! નિશ્ચય એટલે પરમાર્થ, સત્ય અને વ્યવહાર એટલે ઉપચાર. સમજાણું કાંઈ...?
કેવળજ્ઞાનની પર્યાય એક સમયની છે, તેનો અપાય નામ નાશ થવા છતાં ધૃવત્વભાવ નાશ પામતો નથી, પરમપરિણામિક એવો ધ્રુવ એક જ્ઞાયકભાવ નાશ પામતો નથી; માટે બીજી ક્ષણે બીજી કેવળજ્ઞાનની પર્યાય વિદ્યમાન થશે જ થશે. વર્તમાન પર્યાયનો વ્યય થયો એટલે હવે બીજી પર્યાયનો ઉત્પાદ નહિ થાય એમ વસ્તુ નથી. ક્ષયોપશમ સમકિતનો અભાવ થઈને ક્ષાયિક સમકિત પ્રગટ થાય છે; અલબત્ત તે કાળે ભગવાન કેવળી-શ્રુતકેવળીની સમીપતા હોય છે, પણ તે પર્યાય-ક્ષાયિક સમકિતની દશા કાંઈ કેવળી-શ્રુતકેવળીના કારણે થઈ છે એમ નથી. ધ્રુવશક્તિમાં તાકાત છે તેથી ક્ષયોપશમ દશાનો વ્યય થઈને ક્ષાયિક પર્યાય પ્રગટ થઈ જાય છે. અંદર ધ્રુવ સ્વભાવ પડ્યો છે, જેના આશ્રયથી ક્ષયોપશમ દશા વ્યય પામીને બીજી નિર્મળ ક્ષાયિક પર્યાય પ્રગટ થાય છે. દ્રવ્ય વર્તમાન વિધમાન અવસ્થા વિના હોય નહિ એવી આત્માની ભાવશક્તિ છે. બીજી વિદ્યમાન નિર્મળ અવસ્થા ઉત્પન્ન થશે જ થશે એવો આત્માનો આ અપાદાન ગુણ છે. હવે આમાં વ્યવહારથી નિશ્ચય થાય, ને નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થાય-એ વાત જ કયાં રહે છે?
આ પ્રમાણે અહીં અપાદાનશક્તિનું વર્ણન પૂરું થયું.
૪૬: અધિકરણશક્તિ ભાવ્યમાન (અર્થાત ભાવવામાં આવતા) ભાવના આધારપણામયી અધિકરણશક્તિ.'
સમયસારમાં આ શક્તિનો અધિકાર ચાલે છે. આત્મપદાર્થ દ્રવ્યરૂપથી એક છે, અને તેના ગુણ અનેક-અનંત છે. અહા ! આ અનંત ગુણનું અધિકરણ કોણ? તો કહે છે-અધિકરણ ગુણ વડે આત્મા જ તેનું અધિકરણ છે, અર્થાત્ તેનું અધિકરણ થાય એવો આત્માનો અધિકરણ ગુણ-સ્વભાવ છે.
અહા ! જીવ જ્યારે નિજ દ્રવ્યસ્વભાવનો, ભગવાન ત્રિકાળીનો આશ્રય લે છે ત્યારે જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થાય છે; તે સમ્યજ્ઞાનની પર્યાય પ્રગટ થાય તેની સાથે અનંત ગુણની પર્યાય ભેગી ઊછળે છે. અહાહા..! જેમ પાતાળમાં પાણી હોય છે તે, પથ્થરનું પડ તૂટી જતાં અંદરથી એકદમ છોળો મારતું ઊછળી બહાર આવે છે, તેમ આ ચૈતન્યના પાતાળમાં જ્ઞાન, દર્શન, આનંદ આદિ અનંત શક્તિઓ પડી છે તે, રાગની એકતા તોડીને જ્યાં દ્રવ્યસ્વભાવનો આશ્રય જીવ લે છે કે તત્કાલ ચૈતન્યના પાતાળમાંથી જ્ઞાનાદિ અનંત ગુણ-શક્તિઓ નિર્મળ પરિણતિરૂપે ઊછળી પ્રગટ થાય છે. અહા ! જ્ઞાનાદિ નિર્મળ પરિણતિ થઈ તેનું અધિકરણ નામ આધાર કોણ? તો કહે છે–ભગવાન આત્મા જ તેનું અધિકરણ છે, કેમકે તેનું અધિકરણ થવાનો આત્મામાં અધિકરણ ગુણ છે. સમજાય છે કાંઈ...? સંવર અધિકારમાં વળી એમ લીધું છે કે-આત્મા જ્ઞાનસ્વરૂપ છે, તેમાં જાણનક્રિયા જે થાય છે તે જાણનક્રિયાના આધારે આત્મા છે. એ તો જાણનક્રિયામાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com