________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
વ્યાકરણમાં છ વિભક્તિ આવે છે. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ. તેમાં ધ્રુવપણામયી અપાદાનશક્તિના કારણે અંદર ચિતૂપની પર્યાયમાં પ્રાપ્તિ થાય છે; નિર્મળ ધર્મની પર્યાય અપાદાનશક્તિના કારણે પ્રગટે છે; તે બાહ્ય નિમિત્તના કારણથી, કર્મના અભાવના કારણથી, કે વ્યવહારના કારણથી પ્રગટ થાય છે એમ નથી. બધી શક્તિમાં આ અપાદાનશક્તિ પરમ પ્રધાન છે, કેમકે એમાં ઉપાદાન આવે છે, ધ્રુવ ઉપાદાન અને ક્ષણિક ઉપાદાન બન્ને તેમાં સમાય છે.
ચિવિલાસમાં (પાનું ૩૪) કહ્યું છે: “સામાન્યતાથી નિર્વિકલ્પ છે; વિશેષતાથી શિષ્યને પ્રતિબોધ કરવામાં આવે ત્યારે જેમ જેમ શિષ્ય, ગુરુના પ્રતિબોધવાથી ગુણનું સ્વરૂપ જાણી જાણીને વિશેષ-ભેદી થતો જાય તેમ તેમ તે શિષ્યને આનંદના તરંગ ઊઠે, તે સમયે વસ્તુનો નિર્વિકલ્પ આસ્વાદ કરે. આ કારણે ગુણ-ગુણીનો વિચાર યોગ્ય છે. ગુણના વિશેષને (પરિણામ) કહ્યા છે; આ પરિણામથી જ ઉત્પાદવ્યય વડ વસ્તુની સિદ્ધિ છે એમ કહીએ છીએ.
જુઓ, વસ્તુ મતલબ વસ્તુના દ્રવ્ય-ગુણ-પર્યાય ઉપાદાનથી સિદ્ધ છે, અન્યથા સિદ્ધ નથી, નિમિત્ત કે વ્યવહારથી સિદ્ધ નથી.
ભાઈ, તારા ગુણમાં અને તારી પર્યાયમાં (ઉપાદાન) શક્તિની તાકાત છે તેનાથી તે નિર્મળ કાર્ય પ્રગટ થાય છે; પરના-નિમિત્તના કારણથી તે કાર્ય પ્રગટ થતું નથી. પરના ને વ્યવહારના કારણથી કાર્ય થાય છે એમ માનવું એ તો મોટું શલ્ય છે, મૂઢપણું છે, પરાધીન દષ્ટિ છે. ગુણને ધ્રુવ ઉપાદાન કહ્યું છે, તેની પર્યાયને ક્ષણિક ઉપાદાન કહ્યું છે. અહા ! પં. શ્રી દીપચંદજીએ સરસ કામ કર્યું છે. આચાર્યદવે શક્તિની વ્યાખ્યા લખી છે તેના વિશેષ સ્પષ્ટીકરણ સહિતનું વર્ણન શ્રી દીપચંદજી સિવાય બીજા કોઈએ ખાસ કર્યું નથી. સમયસાર નાટકમાં થોડું છે, પણ પંચસંગ્રહ અને ચિદ્વિલાસમાં જેવું સ્પષ્ટીકરણ છે એવું બીજું નથી. તેમણે (શ્રી દીપચંદજીએ) એમ કહ્યું છે કે-સર્વ શક્તિઓમાં આ અપાદાનશક્તિ પરમ પ્રધાન છે.
ભગવાન આત્માના ધ્રુવ સ્વભાવમાં દષ્ટિ દેવાથી, અપાદાનશક્તિના કારણથી ક્ષણિક પર્યાયમાં સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર અને આનંદની નિર્મળ પર્યાયો ઉત્પન્ન થાય છે. બહુ શાસ્ત્ર ભણ્યો માટે જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે એમ નથી, તથા વ્યવહાર–ચારિત્ર બહારમાં છે માટે નિશ્ચય અભેદ રત્નત્રયરૂપ ચારિત્ર પ્રગટે છે એમ પણ નથી. પરિણતિમાં જે ઉત્પાદ-વ્યય થાય છે તે ઉપાદાનથી થાય છે. આવ્યું ને કે-વસ્તુ ઉપાદાનથી સિદ્ધ છે. નિશ્ચયથી જે નિર્મળ પરિણતિ થઈ તે પોતાના કારણથી ઉત્પન્ન થઈ છે, તે જ તેનું ઉપાદાન છે.
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની નિર્મળ પર્યાય પોતાના કારણે સ્વતંત્ર પ્રગટ થાય છે, તેમાં નિમિત્તનું કે બાહ્ય વ્યવહારનું કારણ પણું નથી, પોતાના દ્રવ્ય-ગુણ પણ કારણ નથી. આ વાત ચિદ્વિલાસમાં (પાન ૯૫ પર) આપી છે. “પર્યાયનું કારણ પર્યાય જ છે. ગુણ વિના જ (અર્થાત ગુણની અપેક્ષા વગર જ) પર્યાયની સત્તા પર્યાયનું કારણ છે, પર્યાયનું સૂક્ષ્મત્વ પર્યાયનું કારણ છે, પર્યાયનું વીર્ય પર્યાયનું કારણ છે, પર્યાયનું પ્રદેશત્વ પર્યાયનું કારણ છે.” અહા ! આત્મામાં ત્રિકાળ ધ્રુવપણે ચારિત્ર ગુણ છે. તેની વર્તમાન જે નિર્મળ વીતરાગી પર્યાય પ્રગટ થઈ તે તેનું વર્તમાન ક્ષણિક ઉપાદાન કારણ છે. વ્યવહાર કારણ નહિ, ને દ્રવ્ય-ગુણ પણ કારણ નહિ. અહા ! આવી વસ્તુસ્થિતિ જાણી જે વિશેષને ભેદી ધ્રુવને અવલંબે છે તેને અંદર અનાકુળ આનંદના તરંગ ઉઠે છે, અંદરનો ખજાનો ખુલી જાય છે, ને પર્યાયમાં ધનના (નિર્મળ રત્નત્રયના) ઢગલા થાય છે. અહો! દિગંબર સંતો અને ગૃહસ્થ પંડિતોએ અદ્ભુત અલૌકિક સ્પષ્ટીકરણ કર્યું છે. લોકો માને ન માને એ બીજી વાત છે, પોતાની ચીજ આવી જ છે. આ તો અનાદિ પરંપરાની ઉપદેશ છે. શ્રી દીપચંદજી ૨૦૦ વર્ષ પહેલાં ભાવદીપિકામાં લખી ગયા છે:
અહા! આગમની પરંપરા પ્રમાણેની શ્રદ્ધાવાળા કોઈ દેખાતા નથી. યથાર્થ શ્રદ્ધાવાળા કોઈ વક્તાય દેખાતા નથી. મુખથી આ વાત કહીએ તો કોઈ સાંભળતા નથી. માટે હું લખી જાઉં છું કે માર્ગ આવો છે. લ્યો, આવી વાત ! સમજાણું કાંઈ..?
સમ્યગ્દર્શન આદિ જે પર્યાય પ્રગટ થઈ તેના પ્રદેશ ભિન્ન છે. જરીક સૂક્ષ્મ વાત છે. અસંખ્ય પ્રદેશોમાં પર્યાયના પ્રદેશો ભિન્ન છે, ધ્રુવના પ્રદેશો ભિન્ન છે. જેટલા ક્ષેત્રમાંથી નિર્મળ પર્યાય ઉઠે છે એટલા પ્રદેશ ભિન્ન ગણવામાં આવ્યા છે. પર્યાયનું કારણ પર્યાયના પ્રદેશ છે, પર્યાયની ઉત્પત્તિમાં ધ્રુવનું ક્ષેત્ર કારણ નથી. પર્યાયનું ક્ષેત્ર પર્યાયનું કારણ છે. ઉત્પાદત્રયથી પર્યાય આલિંગિત છે, માટે ઉત્પાદ-વ્યય પર્યાયનું કારણ છે, ધ્રુવ નહિ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com