________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯
-
1
૪૫–અપાદાનશક્તિ : ૨૦૩ સાંભળ ભાઈ ! ઉત્પાદ-વ્યયથી આલિંગિત કોણ ? કે વર્તમાન નિર્મળ પર્યાય. સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ અનંત ગુણની વર્તમાન નિર્મળ પર્યાય તે ભાવ છે. તે ભાવ ઉત્પાદ-વ્યયથી આલિંગિત-સ્પર્શિત છે. આ તો મહામંત્ર છે ભાઈ ! સમ્યગ્દષ્ટિ ધર્મી જીવના વર્તમાન નિર્મળ પરિણામ, જે ઉત્પાદ-વ્યય થાય છે એનાથી આલિંગિત છે. તે પર્યાયનો બીજી ક્ષણ અપાય નામ નાશ થાય છે. અહા ! સમ્યગ્દર્શન આદિ અનંત ગુણની વર્તમાન નિર્મળ પર્યાય છે તેનો નાશ થવા છતાં ધ્રુવનો-ધ્રુવ સ્વભાવનો નાશ થતો નથી. સમકિતીને આ ધ્રુવના આલંબને ધ્રુવમાંથી નવી નવી નિર્મળ પર્યાય થયા કરે છે. આમ નિમિત્તથી થાય, ને વ્યવહારથી થાય-એમ વાત રહેતી–ટકતી નથી. સમજાણું કાંઈ... ?
સર્વ ગુણાંશ તે સમ્યકત્વ' એમ શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે. મતલબ કે જીવમાં જેટલા ગુણ સંખ્યાએ છે તે બધા અનંત ગુણની નિર્મળ પર્યાયનો સમ્યગ્દર્શનમાં એક અંશ વ્યક્ત થાય છે. તે સમ્યગ્દર્શનની પર્યાય ઉત્પાદવ્યયવાળી છે; અનંત ગુણની જે વ્યક્તિ પર્યાયો છે તે બધી પર્યાયો ઉત્પાદવ્યયવાળી હોય છે. ભાઈ, વીતરાગનાં પેટ ખોલીને સંતોએ વાત કરી છે. કહે છે-ઉત્પાદ-વ્યયથી સ્પર્શિત જે ભાવ છે તેનો નાશ થાય છે; પણ ધ્રુવ દ્રવ્યગુણ નાશ પામતા નથી, કેમકે ઉત્પાદ-વ્યયથી આલિંગિત ભાવનો નાશ થવા છતાં જે હાનિ પામતો નથી એવો ધ્રુવપણામયી એક આત્માનો અપાદાન સ્વભાવ છે, ગુણ છે. અનંત ગુણમાં આ અપાદાનશક્તિ-ગુણનું રૂપ છે. જે કારણથી જ્ઞાનગુણ છે તે ધ્રુવ છે. શક્તિ ધ્રુવ ઉપાદાન છે, પર્યાય ક્ષણિક ઉપાદાન છે. અપાદાનશક્તિના બે ભેદ છે. જે જ્ઞાનગુણ ધ્રુવ ત્રિકાળ છે તે ધ્રુવ ઉપાદાન છે. તેમાં અપાદાનશક્તિના કારણે તે ધ્રુવ ઉપાદાન કાયમ રહીને તેની વર્તમાન પ્રગટ ઉત્પાદ-વ્યયથી સ્પર્શિત પર્યાય થાય છે તે ક્ષણિક ઉપાદાન છે. અહો! આ શક્તિનું વર્ણન કરીને આચાર્ય અમૃતચંદ્રદેવે સમયસારરૂપી મંદિર ઉપર સુવર્ણકળશ ચઢાવ્યો છે. શબ્દો તો સાદા છે, તેનો વાચ્યભાવ જેવો છે તેવો સમજવો જોઈએ.
ઉપાદાન-નિમિત્ત, નિશ્ચય-વ્યવહાર અને કમબદ્ધપર્યાય-આ પાંચ વિષયોના સંબંધમાં લોકો ઊંડા ઊતરીને સમજ્યા વિના વિરોધ કરે છે. પર્યાયની હાનિ થવા છતાં ધ્રુવની હાનિ થતી નથી. વર્તમાન પર્યાય જે ઉત્પન્ન થઈ છે તે પોતાના ઉપાદાનથી થઈ છે, તે નિમિત્તથી કે વ્યવહારથી ઉત્પન્ન થઈ નથી. તે ઉત્પન્ન થયેલી પર્યાયનો નાશ થવા છતાં ધ્રુવ ઉપાદાન કાયમ રહે છે, ધ્રુવ ઉપાદાનનો કદી પણ નાશ થતો નથી. તત્ત્વની સ્થિતિ આવી છે ભાઈ ! વસ્તુ અને વસ્તુની પરિણતિની આવી મર્યાદા છે.
જેને તત્ત્વજ્ઞાનની ખબર નથી તેને ધર્મ કેમ થાય ? તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ માટે વસ્તુની સ્થિતિ જેમ છે તેમ જાણવી જોઈએ, એનું યથાર્થ જ્ઞાન કર્યા વિના દષ્ટિ નિર્મળ થતી નથી. કહે છે–વર્તમાન જ્ઞાનની હાનિ થવા છતાં જ્ઞાન તત્ત્વ ત્રિકાળ ધ્રુવ રહે છે, તેમાં હાનિ થતી નથી. આમ ધ્રુવની-શાશ્વત ઉપાદાન જે ધ્રુવ છે તેની દષ્ટિ રહેતાં જ્ઞાનની નિર્મળ પર્યાય નવી નવી પ્રગટ થાય છે. આ જ્ઞાનની જે નિર્મળ પર્યાય પ્રગટ થાય છે તે, તે તે સમયના ક્ષણિક ઉપાદાનથી પ્રગટ થાય છે; જ્ઞાનાવરણ કર્મનો અભાવ થયો માટે તે પ્રગટ થાય છે, વા શાસ્ત્ર ભણવાના વિકલ્પથી તે પ્રગટ થાય છે એમ નથી. બીજી ચીજ તે કાળે નિમિત્ત હો, પણ નિમિત્તના કારણે તે કાળે સમ્યજ્ઞાનની પર્યાય થાય છે એમ છે જ નહિ. એમ તો ૧૧ અંગ અને નવ પૂર્વનું શાસ્ત્રજ્ઞાન થયું, પણ એનાથી શું થયું? કાંઈ જ નહિ. ધ્રુવના અંતર-આલંબનથી સમ્યજ્ઞાન પ્રગટ થાય છે અને તે ક્ષણિક ઉપાદાન છે. નિમિત્તથી ને વ્યવહારથી થાય એવી જે માન્યતા છે તે કેવળ ભ્રમ છે.
અહાહા..! અનંત શક્તિનો ધ્રુવભંડાર પ્રભુ આત્મા છે. તેની જેને દૃષ્ટિ થઈ, તેનો અંતરમાં જેને સ્વીકાર થયો તે સમ્યગ્દષ્ટિ છે. તેને પર્યાયમાં અનાકુળ આનંદના વેદનની દશા પ્રગટ થઈ છે. તે આનંદની દશા, કહે છે, એક સમય રહે છે. તે દશાનો અભાવ થવા છતાં આનંદ ગુણ તો ધ્રુવ કાયમ રહે છે. અહા ! તે ધ્રુવના આલંબને ધ્રુવમાંથી નવી નવી અનાકુળ આનંદની દશા દષ્ટિવંત ધર્મી સમકિતીને થયા કરે છે. આવો મારગ ભાઈ ! અરેરે ! લોકો એકલા ધંધાના પાપમાં રોકાયેલા રહે છે. ચોવીસે કલાક એકલું પાપ, પાપ ને પાપનું કામ; ધર્મ તો દૂર, એમને પુણ્યનાય ઠેકાણાં નથી, કેમકે તત્ત્વશ્રવણ અને તત્ત્વચિંતનની એમને ફુરસદ નથી. ધંધાના કામ તો કોણ કરે? એકલું પાપનું કામ (પાપના ભાવ) કર્યા કરે. પણ આ તો જિંદગી જાય છે ભાઈ !
વર્તમાન પરિણામ ત્યક્તરૂપ ભાવ છે, ધ્રુવ અત્યક્ત સ્વભાવ છે. ધ્રુવ કાયમ રહે છે, ક્ષણિક ઉપાદાન ક્ષણે ક્ષણે પલટે છે. અહીં નિર્મળની વાત છે. ક્ષણિક નિર્મળ પર્યાય ઉત્પન્ન થાય છે તે પોતાના ઉપાદાનથી થાય છે. અપાદાનશક્તિનો બીજો અર્થ ઉપાદાનશક્તિ છે. ૫. શ્રી દીપચંદજીએ પંચસંગ્રહ નામના પુસ્તકમાં તેનું ઘણું વર્ણન કર્યું છે. જ્ઞાનદર્પણમાં પણ (પાનું પ૬) વર્ણન કર્યું છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com