________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૭–ભાવભાવશક્તિ : ૧૬૯ -“મા રુષ, મા તુષ” કોઈ પ્રતિ રાગ ન કરવો, ને દ્વેષ ન કરવો; મતલબ કે વીતરાગ ભાવે રહેવું. પરંતુ મુનિરાજ આ શબ્દો ભૂલી ગયા. ત્યાં એક બાઈ અડદની દાળનાં ફોતરાં જુદાં કરતી હતી, બીજી બાઈએ તેને પૂછયું, –બેન, શું કરો છો? તો પેલી બાઈએ જવાબ આપ્યો, –માપથી તુષ ભિન્ન કરું છું. આ સાંભળતાં મુનિરાજને ગુરુએ કહેલી વાત યાદ આવી ગઈ. રાગાદિ છે તે તુષ છે, ને મારી જ્ઞાનશક્તિ છે તે મારી મૂળ ચીજ છે. આમ નક્કી કરી નિજ ચિદાનંદ પ્રભુમાં અંતર્મગ્ર સ્થિર થયા, ત્યાં કેવળજ્ઞાન પ્રગટ થયું. આવી ભાવભાસનની બલિહારી છે, એમાં કાંઈ બહુ શાસ્ત્રો યાદ રહે એવી જરૂર નથી. શાસ્ત્ર યાદ રહે. એ ઠીક છે, પણ તત્ત્વનું ભાવભાસન મુખ્ય ચીજ છે. સમજાણું કાંઈ...?
ભાઈ ! ચિદાનંદ ચૈતન્યમય વસ્તુ પોતાની ચીજ છે, પોતાનું ઘર છે; તેમાં જવું તે થઈ શકે એવું કામ છે. પરમાણુને પોતાના કરવા હોય તો તે અશકય છે, અનંતકાળે ય ન થાયઃ થયા નહિ, ને થશે નહિ. પરમાણુને ને રાગને પોતાના કરવાનો તારો ઉધમ ત્રણેકાળ નિષ્ફળ છે બાપુ! આ શરીરાદિ ને રાગાદિ ભાવોને તે પોતાના કરવા રાતેદી એક કરે છે, પણ ત્રણકાળમાં એ થવું સંભવિત નથી. તેમાં તને એકલું નુકસાન છે ભાઈ ! સ્વભાવને પોતાનો કરીને, એ થઈ શકે એમ છે, ને એમાં હિત છે. આવી વાત!
શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે કે-સત્ સરળ છે, સત્ સર્વત્ર છે. હા, પણ જ્ઞાનમાં તેની કબૂલાત આવે ત્યારે ને? જ્ઞાનની પર્યાય અંતર્મુખ થઈ ત્રિકાળી સત્ ભગવાન શાયકની સન્મુખ થાય ત્યારે એની કબૂલાત-પ્રતીતિ થાય છે. આનું નામ સત્ સરળ છે. બાકી રાગની રુચિમાં રમે તેને સત્ કયાં છે?
અહીં એમ કહે છે કે-જ્ઞાનની પર્યાય વર્તમાન ભાવરૂપ છે તે ભાવરૂપ જ્ઞાન. જ્ઞાન. જ્ઞાન... જ્ઞાનરૂપ-રહેશે; તે અજ્ઞાનરૂપ નહિ થાય, ને તે અન્યરૂપ પણ નહિ થાય. જ્ઞાનની પર્યાય અજ્ઞાનરૂપ થઈ જાય, વા અન્ય શ્રદ્ધાનાદિરૂપ થઈ જાય એમ ત્રણ કાળમાં બનતું નથી. આવી આત્માની ભાવભાવશક્તિ છે. અહો ! આ તો થોડા શબ્દ આચાર્ય ભગવાને બહુ ઊંડા ભાવ ભરી દીધા છે. શુદ્ધ ચૈતન્યની દૃષ્ટિ થઈ એટલે જે જ્ઞાનની જાત છે તે જ્ઞાનભાવરૂપ રહેશે, સમકિત સદા નિર્મળ શ્રદ્ધારૂપ રહેશે ને ચારિત્રની પર્યાય સ્થિરતારૂપ જ રહેશે. નિર્મળ પર્યાય એવી ને એવી નિર્મળ રહેશે. તેને કોણ કરશે? તો કહે છે-કોઈ જ નહિ, તેને કરવી પડતી નથી; એ તો દ્રવ્યનો એવો જ ભાવભાવ સ્વભાવ છે. ગજબ વાત છે ભાઈ ! ' અરે ભગવાન! તારી ચીજની અંદર પત્તો લાગીને સ્વાનુભવ થયો, શુદ્ધ સમ્યકદર્શન થયું, પછી તે શ્રદ્ધાની પર્યાય બદલાઈને અન્યરૂપ-જ્ઞાનાદિરૂપ ન થઈ જાય, વા મિથ્યારૂપ પણ ન થઈ જાય. આ તો આવો ભગવાન આત્માનો સ્વભાવ છે. સમજાય છે કાંઈકઈ પદ્ધતિથી કહેવાય છે તે ખ્યાલમાં આવે છે કે નહિ એમ વાત છે. અહાહા..! ભગવાન આત્મા અનંત ગુણનો સમુદ્ર છે. તે અનંત ગુણમાં પોતાના ભાવ પડયા છે, તે અન્યરૂપ ન થાય. અહાહા...! ગુણનો જે ભાવ, તે ભાવનું ભવન થયું, તે તે ભાવરૂપ રહેશે, અન્યરૂપ નહિ થાય. એક ગુણમાં અનંત ગુણનો ભાવ છે. અનંત ગુણમાં એક ગુણનો ભાવ છે-એ વાત જુદી છે. એ તો એક ગુણનું બીજા અનંત ગુણમાં રૂપ છે એની વાત છે, પણ એક ગુણનું પોતાના જે ભાવનું ભવન થાય તે બદલાઈને અન્ય ભાવરૂપ ન થાય. શ્રદ્ધાના ભાવપણે પરિણમન થયું તે પલટીને જ્ઞાનના ભાવરૂપ ન થાય, વા અશ્રદ્ધાના ભાવરૂપ ન થાય. શ્રદ્ધા શ્રદ્ધા જ રહેશે, પલટીને તેનું ભવન શ્રદ્ધા જ રહેશે. અસ્તિત્વનો વર્તમાન ભાવ-પર્યાય અસ્તિત્વરૂપ છે તે પલટીને નિર્મળ અસ્તિત્વરૂપ જ રહેશે, કાંઈ નાસ્તિત્વરૂપ કે અન્યરૂપ ન થાય. એમ બધા જ ગુણોમાં લેવું. લ્યો, આ ભાવભાવશક્તિ છે.
અહીં છએ શક્તિના વર્ણનમાં પર્યાયનું સ્વરૂપ શું એની વાત કરી છે. અહા ! આમાં વસ્તુના દ્રવ્ય-ગુણપર્યાયનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. વેદાંતીઓ આત્માને આનંદસ્વરૂપ, અખંડ, અભેદ, એકરૂપ, સર્વવ્યાપક માને છે, પણ પર્યાયને તેઓ માનતા નથી. અરે ભાઈ ! હું અખંડ, અભેદ, એક, વ્યાપક છું એવો નિર્ણય તે શામાં કર્યો ? એવો નિર્ણય તો પર્યાયમાં થાય છે, ને તું પર્યાય માનતો નથી; તેથી તેને કોઈ નિર્ણય નથી, અર્થાત્ તારો નિર્ણય જૂઠો છે. તું આત્માને સર્વવ્યાપક માને છે એ ય જૂઠું છે. કેમકે આત્માનું એવું સર્વવ્યાપી સ્વરૂપ નથી. એક ભાઈ કહેતા હતા કે સમયસારને વેદાન્તના ઢાળામાં ઢાળ્યું છે. અરે પ્રભુ! વેદાન્તવાળા પર્યાયને કયાં માને છે? સમયસારને તો આત્માનું જેવું સ્વરૂપ છે તેવા ઢાળામાં ઢાળ્યું છે, તેને વેદાન્ત સાથે કોઈ જ મેળ નથી.
વેદાન્તવાળા કહે છે કે આત્મા શુદ્ધ છે, એક છે, સર્વવ્યાપક છે. હા, પણ એવો નિર્ણય કોણે કર્યો? તે નિર્ણય પર્યાય કરે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com