________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૩૬ ]
[ ૫૪૩
શંકાદિ પ્રવર્તે તોપણ તેમની (-શંકાદિની ) નિર્જરા જ થઇ જાય છે, નવો બંધ થતો નથી; કારણ કે બંધ તો પ્રધાનતાથી મિથ્યાત્વની હયાતીમાં જ કહ્યો છે.’
જુઓ ધર્મીને ચારિત્રમોહના ઉદય સંબંધી જરા રાગાદિ થાય છે પણ તે ખરી જાય છે અને નવો બંધ થતો નથી કારણ કે બંધ તો મુખ્યપણે મિથ્યા શ્રદ્ધા વડે જ થવાનો કહ્યો છે. સમકિતીને કિંચિત્ રાગથી જે બંધ થાય તેને ગૌણ કરીને તે નથી એમ અહીં કહ્યું છે.
અહા ! પૂર્ણાનંદસ્વરૂપ ભગવાન આત્મામાં અપૂર્ણતા માનવી, તેને રાગવાળો માનવો વા રાગની ક્રિયાથી-પુણ્યની ક્રિયાથી તેને લાભ છે એમ માનવું તે મિથ્યા શ્રદ્ધાન છે અને એ જ મહાપાપ છે. મિથ્યા શ્રદ્ધાનની હયાતીમાં જે બંધ પડે છે તેને જ પ્રધાન કરીને બંધ કહ્યો છે. જ્ઞાનીને-સમકિતીને કિંચિત્ રાગાદિ થાય અને કિંચિત્ બંધ પણ થાય તે અહીં ગૌણ છે; અર્થાત્ તેની ગણતરી નથી. આમ વાતે વાતે ફેર બાપા! ઓલું આવે છે ને કે
“ આનંદા કહે ૫૨માનંદા, માણસે માણસે ફેર; એક લાખે તો ન મળે, ને એક ત્રાંબિયાના તેર.
',
એમ જગત (અજ્ઞાની) સાથે જ્ઞાનીને-ધર્મીને વાતે વાતે ફેર છે.
હવે વિશેષ કહે છે કે- ‘સિદ્ધાંતમાં ગુણસ્થાનોની પરિપાટીમાં ચારિત્રમોહના ઉદયનિમિત્તે સમ્યગ્દષ્ટિને જે બંધ કહ્યો છે તે પણ નિર્જરારૂપ જ જાણવો કારણકે સમ્યગ્દષ્ટિને જેમ પૂર્વે મિથ્યાત્વના ઉદય વખતે બંધાયેલું કર્મ ખરી જાય છે તેમ નવીન બંધાયેલું કર્મ પણ ખરી જાય છે; તેને તે કર્મના સ્વામીપણાનો અભાવ હોવાથી તે આગામી બંધરૂપ નથી, નિર્જરારૂપ જ છે.'
અહા ! જોયું? સમકિતીને પૂર્વકર્મનો ઉદય તો નિર્જરે જ છે, પણ જે નવીન બંધ થાય છે તે પણ, કહે છે નિર્જરારૂપ જ છે અર્થાત્ નિર્જરા માટે જ આવ્યો છે એમ કહે છે. અહા! ભગવાન આત્માનું જ્યાં ભાન થયું, શ્રદ્ધાન થયું ત્યાં પૂર્વના કર્મનો ઉદય રાગ કરાવતો નથી, પણ જે અલ્પ રાગ થાય છે તે પણ નિર્જરી જાય છે. જ્ઞાનીને તે વડે કિંચિત્ બંધ થાય છે તે પણ નિર્જરા સમાન જ છે કેમકે તે પણ ઝરી જવા માટે જ છે. અહો ! સમ્યગ્દર્શનનો કોઇ અચિંત્ય મહિમા છે!
અને મિથ્યાશ્રદ્ધાન ? હા! મિથ્યાશ્રદ્ધાન મહા કષ્ટદાયક અત્યંત નિકૃષ્ટ છે. તેની હયાતીમાં જીવને દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ પુણ્યભાવો ભરપૂર હોવા છતાં મિથ્યાત્વનું મહાપાપ બંધાય છે.
અહા ! ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ પૂર્ણ પવિત્રતા સ્વરૂપે અંદર નિત્ય વિરાજમાન છે. એની પવિત્ર દષ્ટિ જેને પ્રગટી છે તે સમ્યગ્દષ્ટિ છે. અહીં કહે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com