________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૬૪–૧૬૫ ]
[ ૨૨૯
ચારિત્રમોહ, યોગ અને કષાયનો જે ઉદય છે તે સ્પર્શદિહિત અજીવ પુદ્ગલના પરિણામ છે. તે મિથ્યાત્વાદિ પુદ્દગલના પરિણામો જીવને રાગ-દ્વેષાદિ હોતાં નવાં આવરણનું નિમિત્ત થાય છે.
અત્યારે તો અનેક વાંધા ઉઠયા છે ને! એમ કે-કર્મથી વિકાર થાય, શુભરાગવ્યવહારથી નિશ્ચય થાય; ક્રમબદ્ધ (પરિણમન, પર્યાય ) છે નહિ, ઇત્યાદિ. લોકોને લાગે છે કે આ નવી વાત છે. પણ નવી કયાં છે? અનંત તીર્થંકરોએ કહેલી અનાદિની તો છે. પ્રવચનસાર, ગાથા ૯૯ માં દરેક પરિણામ તેના સ્વકાળે પોતાના અવસરે પ્રગટ થાય છે એવો ચોકખો પાઠ તો છે. ભાઈ! નિશ્ચયથી વિકારનો કર્તા જીવ છે, તેમાં પરના કારકની અપેક્ષા છે નહિ. આ બધાનો નિર્ણય કરવા માટે ઉલ્લાસ જોઈએ.
અહો ! ભગવાન આત્મા અમૃતનો સાગર છે. પુણ્ય-પાપના ભાવ છે તે એના દ્રવ્યગુણમાં નથી. દ્રવ્ય એટલે શક્તિવાન અખંડ વસ્તુ અને ગુણ એટલે શક્તિ. અહાહા...! અંદર આત્મા સુખના રસના સ્વાદથી ભરેલો અનંત ગુણોનો ભંડા૨ એવો ભગવાન પોતે છે. આવો અમૃતનો નાથ ભગવાન મૃતક કલેવરમાં મૂર્છાઈ ગયો છે. શરીર મારું છે, એની સંભાળ રાખવી જોઈએ ઇત્યાદિ ભાવ વડે તે મૂર્છાઈ ગયો છે. અરે ભાઈ ! જરા સાંભળ. આ દેહ તો પરમાણુની ચીજ છે. શું કહીએ નાથ! પહેલાં જે વીંછીના ડંખપણે પરિણમેલા તે પરમાણુ અહીં આ શરીરરૂપે થઈને આવ્યા છે. વીંછીના ડંખપણે હતા ત્યારે એમાં તને ઠીક ન હોતું લાગતું અને આ શરીરપણે થયા એટલે જાણે તે મારા છે, એનાથી રમત કરું, વિષય ભોગ લઉં–એમ ચેષ્ટા કરે છે! ખાવાની ક્રિયા, પીવાની ક્રિયા, ભોગની ક્રિયા ઇત્યાદિ મારી અને એમાં મને મઝા છે એમ મૂર્છાઈ ગયો છે! અરે! શું થયું છે પ્રભુ! તને ? આ (મિથ્યાત્વનો ) રોગ કયાંથી વળગ્યો તને ? અહીં કહે છે–એ રોગ તેં સ્વયં ઉત્પન્ન કર્યો છે; એ તારો જ અપરાધ છે, કોઈ કર્મને લઈને થયો છે એમ નથી. ગંભીર વાત છે, ભાઈ !
અહીં ત્રણ વાત લીધી છે
૧. જીવના રાગ-દ્વેષ-મોહના પરિણામ પોતે પોતાના કારણે ઉત્પન્ન કરે છે; કોઈ કર્મના કારણે થાય છે એમ નહિ.
૨. તે કાળે મિથ્યાત્વાદિ જડ પુદ્દગલના પરિણામ જે ઉદયરૂપે થાય છે તે કર્મના પોતાના કારણે થાય છે.
૩. તે મિથ્યાત્વાદિ અજીવ પુદ્દગલકર્મના પરિણામને આસ્રવ કેમ કહીએ? તો કહે છે કે નવાં કર્મના આસ્રવણમાં નિમિત્ત છે માટે. હવે તે નવાં કર્મના આસ્રવણમાં નિમિત્ત કયારે થાય કે જૂનાં કર્મના ઉદયકાળે જીવ રાગ-દ્વેષ-મોહને ઉત્પન્ન કરે તો જૂનાં કર્મ નવાં કર્મના આવરણમાં નિમિત્ત થાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com