________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
એનો આશ્રય લે તો એનું ભવન થાય. પણ એની (–આત્માની) ખબરેય ન હોય તો ભવન કયાંથી થાય? ન થાય. શુભાશુભભાવના આશ્રયે એનું ભવન ન થાય. એક સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માના આશ્રયે ચૈતન્ય અને આનંદનું ભવન થાય છે અને તે સામાયિક છે. એ સમયસારસ્વરૂપ છે.
હવે કહે છે-“તેની (સામાયિકની) પ્રતિજ્ઞા લઈને પણ, દુરંત કર્મચક્રને પાર ઊતરવાની નામર્દાઈને લીધે (અસમર્થતાને લીધે )..”
શું કહ્યું? સામાયિકની તેઓ પ્રતિજ્ઞા લઈને બેસી જાય છે પણ દુરંત કર્મચક્રને તેઓ પાર ઊતરવા નામર્દ એટલે અસમર્થ રહે છે. જુઓ, પુણ્ય-પાપના જે ભાવ છે તે દુરંત કર્મચક્ર છે. એટલે શું? એટલે કે અંતરના મહા પુરુષાર્થ વડે તેઓ ઓળંગી શકાય તેમ છે, બીજી કોઈ રીતે નહિ. પુણ્ય-પાપના ચક્રને ઓળંગી જવું એ (સ્વસમ્મુખતાનો) પ્રચંડ પુરુષાર્થ માગે છે. પરંતુ દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિના જે શુભભાવ છે તેને તેઓ ઓળંગી શકતા નથી તેથી તેઓ નપુંસક છે. સામાયિકમાં મોકારમંત્ર ગણે, અનુપૂર્વી ગણે, સઝાય કરે, સ્તુતિ કરે; પણ એ તો બધો બહિર્લક્ષી શુભરાગ છે. તે શુભરાગને તેઓ નહિ છોડતા હોવાથી તેઓ નપુંસક છે, હીજડા છે, પાવૈયા છે; કેમકે જેમ પાવૈયાને પ્રજા પાકે નહિ તેમ આમને પણ માત્ર પુણ્યભાવના આચરણથી ધર્મની પ્રજા પાકતી નથી. અહો ! જગતને સાંભળવા મળવી પણ મુશ્કેલ એવી આ અલૌકિક વાત છે.
જુઓ, પાઠમાં-સંસ્કૃત ટીકામાં “વીવતયા' એમ શબ્દ છે. અહા! અશુભ ભાવને તો તેઓ છોડી દે છે પણ દયા, દાન આદિના શુભભાવને કે જે કર્મવેરી છે તેને છોડવાને તેઓ અસમર્થ રહે છે. તેમનું વીર્ય શુભભાવને છોડવા સમર્થ નથી તેથી તેઓ કલીબ એટલે નપુંસક છે. જે સર્વ રાગને છોડી પર્યાયમાં સ્વરૂપની શુદ્ધતાની રચના કરે તેને વીર્ય કહીએ અને તે સાચું સામાયિક છે. એનું જ નામ સંવર અને મોક્ષનો માર્ગ છે.
હવે કહે છે-“દુરંત કર્મચક્રને પાર ઊતરવાની નામર્દાઈને લીધે પરમાર્થભૂત જ્ઞાનના ભવનમાત્ર જે સામાયિક તે સામાયિકસ્વરૂપ આત્મસ્વભાવને નહિ પામતા થકા, જેમને અત્યંત સ્થૂળ સંકલેશપરિણામરૂપ કર્મો નિવૃત્ત થયાં છે અને અત્યંત સ્થળ વિશુદ્ધપરિણામરૂપ કર્મો પ્રવર્તે છે એવા તેઓ...'
શું કહ્યું આ? કે ભગવાન આત્મા જે જ્ઞાનાનંદસ્વભાવી શુદ્ધ ચૈતન્યધાતુમય છે તેને અનુસરીને ભવન થવું અને સામાયિક કહે છે. રાગને અનુસરીને જે ભવન છે એ તો નપુંસકતા છે, પુરુષાર્થ નથી. જેમ પાપને છોડે છે તેમ પુણ્યને પણ છોડીને ચૈતન્યસ્વરૂપનો અનુભવ કરે તે પુરુષાર્થ છે અને તે સામાયિક છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com