________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૯૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
માટે તેને અજ્ઞાનભાવ કહ્યો છે. જેની રુચિમાં એકલો રાગ જ ભાસ્યો છે અને ભગવાન પૂર્ણાનંદસ્વરૂપની જેને દૃષ્ટિ જ નથી એ પહેલા ગુણસ્થાનવાળા અજ્ઞાનીની આ વાત છે. તે વ્રતાદિને મોક્ષનું કારણ માને છે ને? તેને કહે છે કે ભાઈ ! એ વ્રતાદિનો શુભરાગ બધો અજ્ઞાનભાવ છે.
અજ્ઞાન જ બંધનો હેતુ છે; કારણ કે તેના અભાવમાં, પોતે જ જ્ઞાનરૂપ થયેલા જ્ઞાનીઓને બાહ્ય વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મોનો અભાવ હોવા છતાં મોક્ષનો સદ્ભાવ છે.'
“પોતે જ જ્ઞાનરૂપ થયેલા જ્ઞાનીઓને” એમ કહ્યું એનો અર્થ એ છે કે જ્ઞાનીઓ પોતે જ સ્વરૂપની અંતર્દષ્ટિ કરી જ્ઞાનરૂપ થાય છે, કોઈ રાગ કે નિમિત્તથી જ્ઞાનરૂપ થાય છે એમ નથી. જ્ઞાનીઓ પોતે જ જ્ઞાનાનંદસ્વરૂપમાં તદ્રુપ થઈ જ્ઞાનરૂપ થાય (પરિણમે) છે. એવા જ્ઞાનીઓને બાહ્ય વ્રત, નિયમ, શીલ તપ વગેરે શુભ કર્મોના અભાવમાં પણ મોક્ષનો સદ્ભાવ હોય છે. અહીં જ્ઞાનીઓના પ્રસંગમાં “બાહ્ય” વ્રતાદિ કહ્યાં, પહેલાં અજ્ઞાનીઓના પ્રસંગમાં “અંતરંગ' વ્રતાદિ કહ્યાં. એમ કેમ? કારણ એમ છે કે અજ્ઞાની વ્રતાદિ શુભ કર્મોને જ પોતાનું (અંતરંગ) સ્વરૂપ માનીને તેનું ( ક્રિયાકાંડનું) આચરણ કરે છે, જ્યારે જ્ઞાની તે સર્વ શુભકર્મો પોતાના સ્વરૂપથી બાહ્ય છે એમ માને છે. અનાકુળ આનંદ અને જ્ઞાનનો સાગર અંદર પરમેશ્વર સ્વરૂપે પોતે વિરાજી રહ્યો છે તેનું જ્ઞાન નહિ હોવાથી અજ્ઞાની વ્રત, નિયમ, શીલ, તપ વગેરેને મોક્ષનું કારણ જાણી સેવે છે પણ એ બધો અજ્ઞાનભાવ છે, બંધનું કારણ છે.
હવે આમાં અત્યારે લોકોને વાંધા પડ્યા છે. એમ કે અમે વ્રત, તપ, શીલ, સંયમાદિ કરીએ છીએ અને તમે અજ્ઞાનભાવ અને બંધનું કારણ કહો છો !
શું થાય બાપુ? આત્માના આનંદનો અનુભવ વિના માર્ગ તો નથી. ભગવાનની વાણીમાં જે આવ્યો તે હિતનો માર્ગ તો આ જ છે. તને દુઃખ લાગે તો ક્ષમા કરજે ભાઈ! ભગવાન આત્માના આનંદના વેદના અને અનુભવ વિના જેટલાં વ્રત, નિયમ, શીલ, તપ કરે એ બધો શુભરાગ છે અને તે બધો અજ્ઞાનભાવ છે, બંધનું કારણ છે.
ત્યારે તેઓ કહે છે–આવું એકાન્ત કરો છો એને બદલે અનેકાન્ત કરો. એમ કે શુભ આચરણ કરતાં કરતાં પણ કોઈકને (મોક્ષમાર્ગ) થાય અને કોઈકને શુદ્ધથી (શુદ્ધોપયોગથી) થાય. આમ લોકો અનેકાન્ત કરાવવા માગે છે પણ ભાઈ એવો અનેકાન્ત છે જ નહિ, એ તો મિથ્યા અનેકાન્ત છે.
વસ્તુસ્થિતિ એ છે કે પોતે શિવસ્વરૂપ જ છે. હવે પછી કળશ (૧૦૫) માં કહેશે કે ભગવાન આત્મા શિવસ્વરૂપ કહેતાં મોક્ષસ્વરૂપ અર્થાત્ મુક્ત અબદ્ધસ્વરૂપ જ છે. ૧૪ મી તથા ૧૫ મી ગાથામાં પણ આવી ગયું કે આત્મા અબદ્ધસ્કૃષ્ટ એટલે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com