________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૮૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
સમાધાન એમ છે કે મોક્ષ થવા પહેલાં પૂર્વવર્તી પર્યાય શું હતી તે બતાવવા સારુ પૂર્વની (મોક્ષમાર્ગની) પર્યાયને ઉત્તર પર્યાય (મોક્ષ) નું કારણ કહે છે. બાકી પૂર્વ પર્યાય જે વ્યયરૂપ – અભાવરૂપ છે એનાથી મોક્ષરૂપ ઉત્તરપર્યાયનો ઉત્પાદરૂપ ભાવ કેવી રીતે થાય? (ન જ થાય ). એટલે પૂર્વ પર્યાય ઉત્તર પર્યાયનું ખરેખર કારણ નથી, પણ પૂર્વ પર્યાયનું જ્ઞાન કરાવવા એને વ્યવહારથી કારણ કહેવામાં આવે છે.
અહો! જૈનદર્શનની આ કોઈ અદ્દભુત સ્યાદ્વાદ શૈલી છે! “ચાત્' એટલે કોઈ અપેક્ષાએ, “વાદ' કહેતા કથન-એમ કોઈને કોઈ અપેક્ષાએ કથન કરનારી આ સ્યાદ્વાદ શૈલી પરમ આશ્ચર્યકારી અને સમાધાનકારી છે. ભાઈ ! જે નયથી કથન હોય એને યથાર્થ સમજવું જોઇએ. શાસ્ત્રના અર્થ કરવા માટે પાંચ બોલ આવે છે ને? શબ્દાર્થ, જયાર્થ, આગમાર્થ, મતાર્થ, અને ભાવાર્થ. શબ્દનો અર્થ કરવો તે શબ્દાર્થ, આ વ્યવહારનયનું કથન છે કે નિશ્ચયનયનું એ નક્કી કરી સમજવું તે નયાર્થ, આ આગમનું વાકય છે એમ જાણવું તે આગમાર્થ, આ અન્યમતનો કઈ રીતે નિષેધ કરે છે એ સમજવું તે મતાર્થ અને એનું તાત્પર્ય શું છે એ જાણવું તે ભાવાર્થ. આમ પાંચ રીતે વાકયનો અર્થ નક્કી કરવો તે સૂત્ર-તાત્પર્ય, અને શાસ્ત્ર-તાત્પર્ય વીતરાગતા બતાવ્યું છે. અનુભવ પ્રકાશમાં આવે છે કે-સૂત્ર તાત્પર્ય સાધક છે અને શાસ્ત્રતાત્પર્ય (વીતરાગતા) સાધ્ય છે.
શાસ્ત્રનું તાત્પર્ય વીતરાગતા છે; તે સાધ્ય છે અને સૂત્રતાત્પર્ય સાધક છે. મતલબ કે જે ગાથાસૂત્ર ચાલતું હોય તેના અર્થ ઉપરાંત તેમાંથી શાસ્ત્રના તાત્પર્યરૂપ વીતરાગતા કાઢવી જોઈએ. એ વીતરાગતા કેમ થાય? તો કહે છે–પરની નિમિત્ત, રાગ અને પર્યાયની ઉપેક્ષા કરીને સ્વની-ત્રિકાળ ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મદ્રવ્યની અપેક્ષા કરે ત્યારે વીતરાગતા ઉત્પન્ન થાય છે. નિમિત્ત, રાગ કે પર્યાયના લક્ષ વીતરાગતા થતી નથી. તેથી સ્વની અપેક્ષા અને પરની ઉપેક્ષા જેમાં થાય તે શાસ્ત્ર-તાત્પર્ય છે.
હવે આવી વાત સમજવાનો વખત કોને છે? એને એવી નિવૃત્તિ કયાં છે? આખો દિ વેપાર આદિ પાપના ધંધા કરે, બે ત્રણ કલાક બાયડી-છોકરા સાથે રમતમાં જાય, બે કલાક ખાવામાં જાય અને છ-સાત કલાક ઊંઘમાં જાય. હવે આમાં એને કયાં નવરાશ મળે? પણ આ બધામાં આત્માનું શું છે ભાઈ ? અરેરે! એનું શું થશે? આ કાળે જો નહિ સમજે તો કે દિ સમજશે પ્રભુ! આવો અવસર કયાં મળશે? શ્રી ટોડરમલજીએ તો કહ્યું છે કે “સબ અવસર આ ચુકા હૈ”—બધો અવસર આવી મળ્યો છે. અહા ! સાચી જિનવાણી સાંભળવાનો યોગ મળ્યો ત્યાં સુધી તો તું આવી ગયો છો. માટે હું ભાઈ ! તું અંતર્દષ્ટિ કર અને જ્યાં આ આત્મા ભગવાન સ્વરૂપે પોતે વિરાજી રહ્યો છે ત્યાં જો. અહીં જે પરમ પદાર્થ કહ્યો તે નિશ્ચયથી સચ્ચિદાનંદસ્વરૂપ પોતે પરમાત્મા છે અને એના અવલંબનથી જે પરિણતિ થાય એ મોક્ષનું કારણ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com