________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૯૩ ]
પોતાના ત્રિકાળી દ્રવ્યસ્વભાવ ઉપર જતી નથી. રાગ અને વ્યવહાર ઉપર એની દષ્ટિ રહેલી છે. તેથી આ રાગને હું જાણું છું' એમ ભ્રાન્તિથી તે જાણે છે.
અહીં તો જ્ઞાનીની વાત છે. ધર્મી-સમકિતીની દૃષ્ટિ દ્રવ્યસ્વભાવ ઉપર સ્થિર થઈ ગઈ છે. તેથી તે જ્ઞાનસ્વભાવરૂપે પરિણમે છે. તે રાગની પરિણતિથી ભિન્નપણે પરિણમે છે. આ શરીર તો જડ માટી છે. મસાણનાં હાડકાં છે. અને અંદર જે શુભરાગ અને પુણ્ય થાય તે પુદ્ગલપરિણામ છે એમ જ્ઞાની જાણે છે. કોઈને બેસે ન બેસે તે જુદી વાત છે, પરંતુ રાગ તે પુદ્ગલના પરિણામ છે કેમકે તે જ્ઞાન સાથે તન્મય નથી, પણ જ્ઞાનથી ભિન્ન છે.
તે જ્ઞાનની પર્યાયમાં પોતાનું દ્રવ્ય જણાય છે. પરંતુ અજ્ઞાનીની દ્રવ્ય ઉપર દૃષ્ટિ નથી. અજ્ઞાનીની દષ્ટિ અનાદિથી રાગ અને પર્યાય ઉપર પડી છે. એટલે મેં દયા પાળી, મેં વ્રત કર્યા, મેં ભક્તિ કરી, પૂજા કરી એમ જાણતો તે પોતાને એકલો પરપ્રકાશક માને છે. સ્વપરપ્રકાશક જ્ઞાનને એકલું પરપ્રકાશક માને તે મિથ્યાત્વ છે. રાગને માનવો અને સ્વભાવને ન માનવો તે એકાન્તમિથ્યાત્વ છે, મિથ્યા ભ્રાન્તિ છે.
અરે પ્રભુ! તું કોણ છો? અહાહા...! અનંતગુણોથી અવિનાભાવી જ્ઞાનસ્વરૂપ આત્મા છો. જ્ઞાનથી અવિનાભાવી અનંતગુણનો પિંડ પ્રભુ તું આત્મા છો. આવા શુદ્ધ ચૈતન્યમય આત્માની જેને દષ્ટિ થઈ છે તે જ્ઞાનીનું પરિણમન જ્ઞાનમય છે. તેને જે રાગ થાય છે તેને જ્ઞાન જાણે છે એમ કહેવું એ વ્યવહાર છે. ખરેખર પોતાનું જ્ઞાન થયું ત્યારે તે પર્યાયમાં સ્વપરપ્રકાશકપણાનું સામર્થ્ય પ્રગટ થયું તો રાગ જ્ઞાનમાં જણાઈ જાય છે. જ્ઞાન રાગને જાણે છે એ ઉપચાર કથન છે. વાસ્તવિક તો એ છે કે સ્વપરપ્રકાશક પર્યાયને પોતે જાણે છે.
જ્ઞાન અને રાગ એક સમયમાં એક સાથે ઉત્પન્ન થાય છે. ત્યાં હું રાગસ્વરૂપ છું એમ અજ્ઞાની માની લે છે. મોક્ષમાર્ગપ્રકાશકમાં (ચોથા અધિકારમાં) કહ્યું છે કે જે સમયે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે સમયે રાગ ઉત્પન્ન થાય છે. બન્નેનો એક કાળ છે. તો અજ્ઞાનીને એમ ભાસે છે કે રાગ મારી ચીજ છે. બેના ભાવ ભિન્ન છે એવું તેને ભાન નથી.
અહો! કુંદકુંદાચાર્યદવે જગતને ન્યાલ કરી દીધું છે. તેઓશ્રી વિદેહમાં સાક્ષાત્ સદેહે પધાર્યા હતા. આ વાત પંચાસ્તિકાય, પાહુડ અને દર્શનસાર–આ ત્રણે શાસ્ત્રોમાં છે. ભગવાન કુંદકુંદાચાર્ય વિદેહક્ષેત્રમાં સીમંધરભગવાનના સમોસરણમાં ગયા હતા અને ત્યાંથી આવીને આ સમયસાર આદિ શાસ્ત્રોની રચના કરી છે. આ વાત પ્રમાણભૂત અને પરમ સત્ય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com