________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૪૨ ]
[ ૩૨૫
છે તેને દ્રવ્યમાં જે સમતારસ પડ્યો છે તે સમતારસ પર્યાયમાં પ્રગટ થાય છે. આનું નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે. પહેલાં વિકલ્પ અનેક પ્રકારના હતા, તેને છોડી જેણે પર્યાયનું સમરસસ્વભાવ-વીતરાગસ્વભાવ સાથે એકપણું કર્યું તેને સમરસભાવ બહાર પ્રગટ થાય છે. અહો! અદભુત કળશ છે! દિગંબર સંતોએ સને યથાવત્ જાહેર કર્યું છે. આવી વાત બીજે કયાય નથી. કળશમાં ખૂબ ઊંડો ભાવ ભરેલો છે.
ભગવાન આત્મા સમરસસ્વભાવથી ભરેલો સમુદ્ર છે. તેમાં પર્યાય જ્યાં ભળી (એકાગ્ર થઈ ) ત્યાં સમરસભાવ ઉછળીને પર્યાયમાં પ્રગટ થાય છે અને તે જ અનુભૂતિ છે, ધર્મ છે.
આત્મા અનુભૂતિસ્વરૂપ ત્રિકાળ છે એ વાત ૭૩ મી ગાથામાં આવી ગઈ છે. પર્યાયમાં પદ્ધારકનું જે પરિણમન છે એનાથી ભિન્ન અનુભૂતિમાત્ર આત્માનો ત્રિકાળી સ્વભાવ છે. ત્યાં અનુભૂતિમાત્ર ત્રિકાળીની વાત કરેલી છે. અહીં પર્યાયમાં અનુભૂતિરૂપ થાય છે એની વાત છે.
| નિયમસારમાં પ્રાયશ્ચિત્ત અધિકારમાં કહ્યું છે કે વસ્તુ પ્રાયશ્ચિત્ત સ્વરૂપ છે. તેના આશ્રયથી પર્યાયમાં વીતરાગી નિર્મળ પ્રાયશ્ચિત્ત પ્રગટ થાય છે. પ્રાયઃ એટલે પ્રકૃષ્ટપણે, ચિત્ત એટલે જ્ઞાન. પ્રકૃષ્ટપણે જ્ઞાન પ્રગટ થાય છે તે રાગરહિત નિર્મળ દશા છે. પરમ સંયમી આવા પ્રકૃષ્ટ ચિત્તને નિરંતર ધારણ કરે છે. તેને ખરેખર નિશ્ચય પ્રાયશ્ચિત્ત છે. વસ્તુ ત્રિકાળ પ્રાયશ્ચિત્તસ્વરૂપ છે. તેમ અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા છે. તેના આશ્રયે પર્યાયમાં પોતાના સમરસભાવરૂપ અનુભૂતિ પ્રગટ થાય છે એ વાત અહીં કરી છે. બીજી રીતે કહીએ તો અનુભૂતિસ્વરૂપ આત્મા છે તે અનુભૂતિ પામે છે.
આત્મા આબાલગોપાળ સૌને અંદર પરમાત્મસ્વરૂપે બિરાજે છે. દેહની અવસ્થા તો જડની છે. બાળ કે ગોપાળ-એ દેહની અવસ્થા અંદર એમાં કયાં છે? સામ્યરસનો સ્વભાવ અંદર ત્રિકાળ છે. જે વિકલ્પની વિષમતા છોડીને અંદર એકાગ્ર થાય છે તેને પર્યાયમાં સમરસભાવની અનુભૂતિ પ્રગટ થાય છે. વિકલ્પની વિષમતા છોડી એમ કહેવાય, બાકી છોડવાનું છે જ કયાં? અંદર સમરસસ્વરૂપમાં નિજ ચૈતન્યસ્વરૂપમાં લક્ષ જાય છે ત્યારે વિકલ્પોની વિષમતા ઉત્પન્ન થતી નથી એટલે તેને છોડી એમ કહેવામાં આવે છે.
લોકો બિચારા અનંતકાળથી મહાદુઃખી છે. તેમને દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ આગમપદ્ધતિનો વ્યવહાર સુગમ છે, પણ અધ્યાત્મપદ્ધતિના વ્યવહારને-આત્માનુભૂતિસ્વરૂપ ચારિત્રને જાણતા નથી. અહીં કહે છે કે આગમપદ્ધતિના વ્યવહારનો તો નિષેધ કરતા આવ્યા છીએ અને શુદ્ધ અધ્યાત્મનો જે પક્ષ છે તેનો પણ નિષેધ છે કેમકે તે પક્ષ વસ્તુના સ્વભાવમાં નથી. અહાહા...! ત્રિકાળ અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા છે તે એકરૂપ સમરસપણે પરિણમે તે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે અને તેમાં સ્થિરતાનું આચરણ થાય તે ચારિત્ર છે. આવી વાત છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com