________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૩૭–૧૩૮ ]
[ ૨૬૫
નવું કર્મ જે બંધાય છે તે કર્મપરિણામ પુદ્દગલદ્રવ્યથી પોતાથી સ્વતંત્રપણે થાય છે. જુઓ આ આંગળી હલે છે તે પુદ્દગલની પર્યાય છે અને તત્સંબંધી જે વિકલ્પ થયો તે જીવની પર્યાય છે. તે બંને મળીને આંગળી હલવાની ક્રિયા થઈ છે એમ છે નહિ. પુદ્દગલની પર્યાય પુદ્દગલથી સ્વતંત્રપણે થઈ છે અને જીવની પર્યાય જીવથી સ્વતંત્રપણે થઈ છે. અજ્ઞાનીએ એમ માની લીધું છે કે વિકલ્પ પણ હું કરું છું અને આંગળીની અવસ્થા પણ હું કરું છું. પરંતુ એ તો એનું અજ્ઞાન છે. કોઈ દ્રવ્યના પરિણામ કોઈ અન્ય દ્રવ્ય કરી શકતું નથી. સમયે સમયે દરેક દ્રવ્યના પરિણામ સ્વતંત્રપણે પોતપોતાથી થાય છે.
જો પુદ્દગલદ્રવ્ય અને જીવ ભેળાં થઈને કર્મરૂપે પરિણમે એમ માનવામાં આવે તો તે બંનેને કર્મરૂપ પરિણામ ઠરે. ‘પરંતુ પુદ્દગલદ્રવ્યને એકને જ કર્મપણારૂપ પરિણામ તો થાય છે; તેથી જીવનું રાગાદિ-અજ્ઞાનપરિણામ કે જે કર્મનું નિમિત્ત છે તેનાથી જુદું જ પુદ્દગલકર્મનું પરિણામ છે.’
જીવને કર્મપણારૂપ પરિણામ થતું નથી કેમકે જડ કર્મરૂપે જીવ કદીય પરિણમી શકતો નથી. જો પુદ્ગલ અને જીવ બન્ને મળીને કર્મપરિણામરૂપ થાય તો જીવ જડપુદ્દગલ થઈ જાય, જીવની કોઈ અવસ્થા રહે જ નહિ. પણ એમ બનતું નથી. પુદ્દગલ-દ્રવ્ય એકને જ કર્મપણારૂપ પરિણામ થાય છે. તેથી જીવનું અજ્ઞાનપરિણામ કે જે નવા કર્મબંધનું નિમિત્ત છે તેનાથી જુદું જ પુદ્દગલદ્રવ્યનું કર્મપરિણામ છે.
* ગાથા : ૧૩૭-૧૩૮ ભાવાર્થ *
જો પુદ્દગલદ્રવ્ય અને જીવ ભેળાં થઈને કર્મરૂપે પરિણમે છે એમ માનવામાં આવે તો બન્નેને કર્મરૂપ પરિણામ ઠરે. પરંતુ જીવ તો જડકર્મરૂપે કદી પરિણમી શકતો નથી; તેથી જીવનું અજ્ઞાનપરિણામ કે જે કર્મને નિમિત્ત છે તેનાથી જુદું જ પુદ્દગલદ્રવ્યનું કર્મપરિણામ છે.
[પ્રવચન નં. ૧૮૯ ( ચાલુ )
દિનાંક ૧૮–૯–૭૬ ]
*
Please inform us of any errors on rajesh@AtmaDharma.com