________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૬૯-૭૦ ]
[ ૧૧
ક્શન છે. ભાઈ! વાણી તો સ્વયં વાણીના કારણે નીકળે છે, આત્માના કારણે નહિ. ઉપદેશ વખતે જ્ઞાની એમ જાણે છે કે આ વાણી અમારી-આત્માની નથી. વાણી જડની છે.
વાણીમાં સ્વપરને કહેવાનું સામર્થ્ય છે અને ભગવાન આત્મામાં સ્વપરને જાણવાનું સામર્થ્ય છે. વાણીમાં જે સ્વપરને કહેવાનું સામર્થ્ય છે તે આત્માથી થયું એમ નથી.
જ્ઞાની ધર્માત્મા અજ્ઞાનીને વ્યવહાર દ્વારા સમજાવે છે. ત્યાં અજ્ઞાની વ્યવહારને જ ચોંટી પડે છે. તે કહે છે-તમે અમને સમજાવો છો, તો સમજાવાથી અમે સમજીએ એમ માનીને સમજાવો છો કે નહિ? તમે ઉપદેશ કરો છો, તો અમને જ્ઞાન થાય એ માટે કરો છો કે ખાલી એમ ને એમ કરો છો ? જો ઉપદેશથી-નિમિત્તથી કાંઈ ન થાય તો તમે મૌન રહોને? સૌ પોતપોતાની મેળે સમજી જશે.
સમાધાનઃ- ભાઈ! કોઈ કોઈને સમજાવી દે એ વસ્તુનું સ્વરૂપ જ નથી, એ તો વ્યવહારની કથન શૈલી છે. ઉપદેશ તો સૌ સાંભળે છે પણ જે સ્વયં વિકલ્પરહિત થઈ અંતર્મુખ થવાનો ઉદ્યમ કરે છે તે સમજે છે, અન્ય નહિ. ઉપદેશ સાંભળીને પણ જે સમજે છે તે પોતે પોતાથી પોતાના કારણે સમજે છે અને બીજો મૌન હોય તે વેળા જે સમજે છે તે પણ પોતે પોતાથી સમજે છે. દરેક વખતે સમજ તો અંદરથી આવે છે, બાહ્ય ઉપદેશથી કે મૌનથી નહિ.
પ્રશ્ન:- તો ધવલમાં એમ આવે છે કે-જ્ઞાન કર્તા અને વાણી કર્મ-એનો શું આશય છે ?
ઉત્ત૨:- ભાઈ! એ તો નિમિત્તનું થન છે. નિમિત્ત કર્તા તરીકે કહેવાય, પણ એનો અર્થ એ છે કે તે કર્તા છે જ નહિ. બાપુ! આત્મહિત કરવું હોય તો વાદવિવાદ છોડીને ( સ્યાદ્વાદ શૈલી વડે) સમજે તો સમજાય એવું છે. ‘ભગવાન આમ કહે છે' એ તો વ્યવહારથી કહેવામાં આવ્યું છે, ભગવાન વાણીના કર્તા યથાર્થમાં છે જ નહિ.
'
* ગાથા ૬૯-૭૦ : ટીકા ઉ૫૨નું પ્રવચન *
જેમ આ આત્મા, જેમને તાદાત્મ્યસિદ્ધ સંબંધ છે એવા આત્મા અને જ્ઞાનમાં વિશેષ (તફાવત, જુદાં લક્ષણો ) નહિ હોવાથી તેમનો ભેદ (જુદાપણું ) નહિ દેખતો થકો, નિઃશંક રીતે જ્ઞાનમાં પોતાપણે વર્તે છે.’
પાઠમાં ( ગાથામાં ) પ્રથમ બીજી વાત છે. અહીં ટીકાકાર પ્રથમ સવળેથી શરૂ કરે છે. કહે છે-ભગવાન આત્મા અને જ્ઞાન એ બેમાં જુદાઈ નથી. જ્ઞાન અને આત્મા બન્ને તાદાત્મ્યપણે એકરૂપ છે. જ્ઞાનસ્વભાવ અને આત્મા એક જ વસ્તુ છે, બન્નેમાં તફાવત નથી. તેમનાં લક્ષણો જુદાં નથી. ધર્મી જીવ, સમ્યગ્દષ્ટિ જીવ તેમને જુદાં નહિ દેખતો થકો નિઃશંકપણે જ્ઞાનમાં પોતાપણે વર્તે છે, એટલે કે આત્મામાં પોતાપણે વર્તે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com