________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૭૭ ]
[ ૧૨૯ સમયસાર ગાથા ૭૭: મથાળું હવે પૂછે છે કે પોતાના પરિણામને જાણતા એવા જીવને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ છે કે નથી? ગાથા ૭૬માં એમ હતું કે રાગને જાણતા એવા જીવને રાગ સાથે કર્તાકર્મભાવ નથી. અહીં એમ પ્રશ્ન છે કે પોતાના પરિણામને જાણતા એવા જીવને પુદગલ સાથે કર્તાકર્મભાવ છે કે નથી? કેટલી સ્પષ્ટતા કરી છે! અહો! કોઈ ધન્ય ઘડીએ સમયસાર રચાઈ ગયું છે. જગતનાં સદભાગ્ય કે આવી ચીજ રહી ગઈ. અહા ! એણે તો કેવળીના વિરહ ભૂલાવ્યા છે. અહીં પૂછે છે કે પોતાના પરિણામને જાણવાનું કર્મ કરે છે એવા જીવને રાગ સાથે, પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ છે કે નહિ? પોતાના પરિણામને જાણવાનું કર્મ તો કરે છે તો ભેગું પરનું કાર્ય પણ કરે છે કે નહિ?
લોકોમાં કહેવાય છે ને કે એક ગાયનો ગોવાળ તે પાંચ ગાયોનો ગોવાળ. એક ગાયને ચારવા લઈ જાય તો ભેગી પાંચને ચારવા લઈ જાય એમાં શું? એમ આત્મા પોતાના પરિણામને જાણવાનું કર્મ કરે છે તો ભેગું પરનું રાગરૂપી કર્મ કરે છે કે નહિ? તેને રાગ સાથે કર્તાકર્મ સંબંધ છે કે નહિ? શિષ્યના આ પ્રશ્નનો ઉત્તર કહે છે:
* ગાથા ૭૭: ટીકા ઉપરનું પ્રવચન * જુઓ, વસ્તુની સ્થિતિનું આ વર્ણન છે. ધર્મીને શું હોય છે અને અજ્ઞાનીને શું હોય છે એની આ વાત છે. ધર્મીને આત્માની શુદ્ધ ચૈતન્યની દષ્ટિ હોય છે. તેના જ્ઞાનનું સ્વપરપ્રકાશક સામર્થ્ય હોવાથી જ્ઞાનભાવે પરિણમતો જ્ઞાની સ્વ-પરને જેમ છે તેમ જાણે છે એની અહીં વાત છે. કહે છે
પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્યે એવું, વ્યાપ્યલક્ષણવાળું આત્માના પરિણામસ્વરૂપ જે કર્મ, તેનામાં આત્મા પોતે અંતર્થાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતો, તે-રૂપે પરિણમતો અને તે-રૂપે ઊપજતો થકો, તે આત્મપરિણામને કરે છે.'
- જ્ઞાનના જે પરિણામ (જ્ઞાનીને) થયા છે, તે કાળે પ્રાપ્ત થાય છે. ધ્રુવ છે એટલે કે તે કાળે તે જ થવાના છે એમ નિશ્ચિત છે. આ પ્રાપ્ય કર્મની વ્યાખ્યા છે. આત્માના જાણવાના જે પરિણામ થયા તે તે કાળે તે જ થવાના હતા તે થયા તેને પ્રાપ્ય એટલે ધ્રુવ કહેવાય છે. આત્મા તેને પહોંચી વળે છે. જાણવાના, દેખવાના, શ્રદ્ધવાના, જે પરિણામ છે તે આત્માનું પ્રાપ્ય કર્મ છે. એટલે કે તે કાળે તે (પરિણામ) ધ્રુવ છે. તે કાળે તે જ થવાના હતા જે થયા છે અને તેને આત્મા મેળવે છે, પહોંચે છે, પ્રાપ્ત કરે છે. વળી એ જ પરિણામને વિકાર્ય કર્મ કહે છે. પ્રથમ જે હતા તે પલટીને આ થયા માટે તેને વિકાર્ય કર્મ કહે છે. અને તે સમયે નવા ઊપજ્યા તેથી તેને નિર્વત્યે કર્મ કહે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com