________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
એકાગ્ર થતાં જીવ અને અજીવ જુદા પડી જાય છે અને ત્યારે સમ્યગ્દર્શન થાય છે. કોઈ વ્યવહાર કરતાં કરતાં સમ્યગ્દર્શન થાય છે એમ નથી.
કહે છે કે સમકિતીની પર્યાયમાં વિશ્વને જાણવાની તાકાત છે. ચાહે તિર્યંચ હો કે શરીરથી આઠ વર્ષની બાલિકા હો, પરંતુ જેને શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માના અભ્યાસથી નિર્મળ સમકિત થયું છે તેની શ્રુતજ્ઞાનની પર્યાયમાં વિશ્વને જાણવાની તાકાત છે. અહા ! એક સમયની પર્યાય આખાય લોકાલોકના સમસ્ત ભાવોને સંક્ષેપથી અથવા વિસ્તારથી જાણે છે. જેનો સ્વભાવ જ જાણવાનો છે તે શું ન જાણે? નિશ્ચયથી વિશ્વને પ્રત્યક્ષ જાણવાનો જીવનો સ્વભાવ છે. માટે જ્ઞાની વિશ્વને જાણે છે એમ કહ્યું છે. શ્રુતજ્ઞાનની પર્યાયનો પણ, ભલે પરોક્ષ જાણે તોપણ, લોકાલોકને જાણવાનો સ્વભાવ છે.
અરે ! અજ્ઞાનીને અંદર આત્મા કેવડો મોટો છે એની ખબર નથી. અને તેથી તે પોતાને એક સમયની પર્યાય જેવડો રાગાદિવાળો પામર માને છે. આમ માનીને તેણે પૂર્ણાનંદના સ્વભાવનો અનાદર કર્યો છે. અર્થાત્ પૂર્ણાનંદના સ્વભાવની જે હયાતી છે એનો તેણે નકાર કર્યો છે અને રાગ અને પુણ્યની હયાતીનો સ્વીકાર કર્યો છે. અહીં કહે છે કે જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્માનું અંતરમાં વલણ કરી તેનો અભ્યાસ કરતાં રાગથી જ્ઞાન ભિન્ન પડે છે અને ત્યારે સમ્યગ્દર્શન થાય છે. તેની સાથે થતું જ્ઞાન વિશ્વના નાથને (આત્માને) જાણે છે. તથા જેણે
વિશ્વના નાથને જાણો છે તેને-તે પર્યાયને લોકાલોકને જાણવામાં શું મુશ્કેલી પડે? જે જ્ઞાનની પર્યાયમાં “વિશ્વનાથ”—આત્મા જણાયો તે પર્યાય વિશ્વને જાણે જ એમાં પ્રશ્ન શું? (એમાં નવાઈ શી?) એમ અહીં કહે છે ભાઈ ! જિનવાણી અમૂલ્યવાણી છે અને તેનો રસ મીઠો છે. પણ એ તો જેને વાણીનું ભાન થાય એને માટે છે.-આમ એક આશય છે.
બીજો આશય આ પ્રમાણે છે: જીવ-અજીવનો અનાદિથી જે સંયોગ છે તે કેવળ જુદા પડયા પહેલાં અર્થાત્ જીવ અને અજીવ તદ્દન જુદા થાય તે પહેલાં-મોક્ષ થયા પહેલાં ભેદજ્ઞાન ભાવતાં વીતરાગતા રહિત જે દશા હતી તે હવે વીતરાગતા સહિત દશા થઈ. એટલે કે અંતરમાં સ્વભાવની એકાગ્રતા થતાં નિર્વિકલ્પ દ્વારા જામી–વીતરાગતાની ધારા અંદર પરિણમી કે જેમાં કેવળ આત્માનો અનુભવ રહે છે. અને તે અંતર-એકાગ્રતાની ધારા વેગથી આગળ વધતાં વધતાં કેવળજ્ઞાન પ્રગટ થાય છે. પછી અઘાતી કર્મોનો નાશ થતાં જીવદ્રવ્ય અજીવથી તદ્દન ભિન્ન પડી જાય છે. પહેલા આશયમાં સમ્યગ્દર્શન સુધીની વાત કરી હતી, અહીં બીજા આશયમાં સમ્યગ્દર્શન પછી ધારા વેગથી આગળ વધતાં પરિપૂર્ણ આનંદ અને જ્ઞાન થાય છે અને ત્યારે જીવ અને અજીવ તદ્દન જુદા પડી જાય છે એની વાત છે. જીવ અને અજીવને ભિન્ન કરવાની આ રીત-પદ્ધતિ છે. નિર્મળ શુદ્ધ ચૈતન્યસ્વભાવમાં એકાગ્રતાનો અભ્યાસ કરવો તે અજીવથી જાદા પડવાની રીત અને માર્ગ છે. રાગને સાથે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com