________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૩ર ]
[ ગાથા ૧૭-૧૮
આત્માને અનુભવના વેદનમાં આવતા રાગાદિ જે અનેક પર્યાયરૂપ ભેદભાવો તેમની સાથે મિશ્રિતપણું એટલે જ્ઞાન અને રાગ બન્ને એકમેકપણે લાગવાપણું હતું. તે જ્યારે સર્વપ્રકારે ભેદજ્ઞાનનું પ્રવીણપણું થવાથી અર્થાત્ રાગથી ખસીને સ્વભાવ તરફનો ઝૂકાવ થવાથી “આ અનુભૂતિ છે તે જ હું છું” -જ્ઞાનમાં જે અનુભૂતિસ્વરૂપ ત્રિકાળી જણાયો તે જ હું છું એવું આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. રાગથી ભિન્ન પડીને આ અનુભવસ્વરૂપ ભગવાન આત્મા તે હું છું એવા આત્મજ્ઞાનથી પ્રાપ્ત થતું, આ આત્મા શુદ્ધ અખંડ અભેદ એક ચૈતન્યરૂપ જેવો જ્ઞાનમાં જણાયો તેવો જ છે એવી પ્રતીતિ જેનું લક્ષણ છે એવું, શ્રદ્ધાન ઉદય થાય છે. ભેદજ્ઞાનની પ્રવીણતાથી અર્થાત્ રાગથી ભિન્ન પડી ભગવાન જ્ઞાનસ્વરૂપ આત્માના અનુભવથી આત્મા અખંડ એક જ્ઞાયકરૂપ જેવો જાણ્યો તેવી જ તેની પ્રતીતિ કરી. જાણ્યા વિના એ છે એ માન્યું કોણે? સમ્યગ્દર્શનનું લક્ષણ પ્રતીતિ છે. પંચાધ્યાયીમાં ચાર બોલ લીધા છે. શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ, જ્ઞાનની પર્યાય. ત્યાં એને જ્ઞાનની પર્યાય ગણી એ તો વ્યવહારથી કથન છે. અહીં તો આ નિશ્ચયની વાત છે કે જે આત્મા જ્ઞાનમાં જણાયો એની જે શ્રદ્ધા થઈ તે પ્રતીતિ. માટે સમ્યગ્દર્શનનું લક્ષણ પ્રતીતિ છે.
આત્મા આખી ચીજ છે. તેનું જ્ઞાન એ આત્મજ્ઞાન કહ્યું છે. આત્મામાં ગુણનું કે પર્યાયનું જ્ઞાન તે આત્મજ્ઞાન એમ નથી. આખો આત્મા એટલે જે ત્રિકાળી ધ્રુવ અખંડ એક પ્રતિભાસમય પૂર્ણસ્વરૂપ તે પર્યાયમાં જણાયો, એનું જે જ્ઞાન થયું તે પર્યાય આત્મજ્ઞાન છે. સાદી ભાષા છે, પણ લોકો એકાન્ત એકાન્ત કરે છે. વ્યવહારથી થાય એમ વ્યવહારને સાધન કહેતા નથી એમ કહે છે, પણ ભાઈ ! આ સમ્યક એકાન્ત છે, “જ” બધે પડયો છે ને? શ્રીમદે પણ કહ્યું છે કે “અનેકાન્તનું જ્ઞાન પણ એકાન્ત એવા નિજપદની પ્રાપ્તિ સિવાય અન્ય કોઈ હેતુએ હિતકારી નથી.” સમ્યક એકાન્ત એવા આત્માના હિત સિવાય બીજું કોઈ અનેકાન્ત હોઈ શકે નહિ.
અહાહા! આવું આત્મજ્ઞાન થતાં શ્રદ્ધાન ઉદય થાય છે ત્યારે સમસ્ત અન્યભાવોનો ભેદ થવાથી એટલે દયા, દાન, ભક્તિ આદિના શુભભાવો જે અન્યભાવો છે તેની જુદાઈ થવાથી નિઃશંક ઠરવાને સમર્થ થવાને લીધે આત્માનું આચરણ ઉદય થતું આત્માને સાધે છે. રાગના વિકલ્પથી જુદો છું એવું ભેદજ્ઞાન થવાથી સ્વરૂપમાં નિઃશંક ઠરવાને લીધે આત્માનું ચારિત્ર-આત્માનું અનુષ્ઠાન-આત્મામાં રમણતા પ્રગટ થાય છે અને તે આત્માને સાધે છે. વ્યવહારના વિકલ્પથી ભિન્ન પડીને સ્વરૂપમાં નિઃશંક ઠરતાં એ આચરણ આત્માની સિદ્ધિને સાધે છે. આમ સાધ્ય આત્માની સિદ્ધિની એ રીતે ઉપપત્તિ છે. સાધ્ય જે મોક્ષદશા તેની સિદ્ધિ-પ્રાપ્તિ એ રીતે થાય છે, બીજી રીતે નહિ. અજ્ઞાની મિથ્યાદષ્ટિને સ્વનું આચરણ હોતું નથી. (તેથી સાધ્યની સિદ્ધિ તેને થતી નથી.)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com