________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન રત્નાકર ભાગ-૨ ]
[
૩૧
કેટલાક કહે છે કે પંચમહાવ્રત પાળવાં, ત્યાગ કરવો, પરિષહ સહન કરવા ઇત્યાદિ કષ્ટ સહન કરીએ તો ધર્મ થાય અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય. અહીં તો કહે છે કે કષ્ટ એ ધર્મ નથી પણ ભગવાન આત્મામાં એકાગ્ર થતાં એમાં આનંદ આવે એ ધર્મ છે. આનંદની લહેરોનો અનુભવ કરતાં કરતાં કેવળજ્ઞાનને પામે, પણ કષ્ટ સહન કરે તો પામે એમ નથી. ભાઈ ! વસ્તુ તો સહજાનંદસ્વરૂપ છે. સ્વાભાવિક આનંદને આધીન થતાં, અતીન્દ્રિય આનંદને વેદતાં વેદતાં કેવળજ્ઞાન થઈ જાય છે. આ વસ્તુનું સ્વરૂપ જ આવું છે, અર્થાત્ સાધ્યની સિદ્ધિ એ રીતે થાય છે, બીજી રીતે થતી નથી.
કેટલાક એમ કહે છે કે નિશ્ચયથી થાય અને વ્યવહારથી પણ થાય, નિશ્ચય પણ મોક્ષમાર્ગ અને વ્યવહાર પણ મોક્ષમાર્ગ, જેમ નિશ્ચય આદરણીય તેમ વ્યવહાર પણ આદરણીય; પણ એમ નથી. અહાહા..! એકલો ભગવાન આત્મા જાણવો, શ્રદ્ધવો અને એમાં ઠરવું એ એક જ મોક્ષમાર્ગ છે. તો કહે છે-વ્યવહાર કહ્યો છે ને? ભાઈ, એ તો ઉપચારથી કથન કર્યું છે, પણ મોક્ષમાર્ગ બે નથી. માર્ગ એટલે કારણ. મોક્ષમાર્ગ એટલે મોક્ષનું કારણ. એ મોક્ષનું કારણ એક જ છે, બે કારણ નથી. મોક્ષમાર્ગ એક જ છે એટલે શું? કે કાર્ય જે સિદ્ધદશા એનું કારણ એક નિશ્ચય કારણ જ છે. બીજું હો ભલે, પણ તે જાણવા માટે; બાકી કારણ નથી. આવી સ્થિતિ સીધી છે પણ પક્ષના વ્યામોહ આડે સૂઝ પડે નહીં અને (સાચા રસ્તે) ફરવું ગોઠે નહીં. આટલાં વર્ષ શું કર્યું? તે ધૂળ કર્યું. (બધું વ્યર્થ) સાંભળને! ત્રણલોકના નાથને જગાડયો નહીં, એની શ્રદ્ધા કરી નહીં અને એમાં ઠર્યો નહીં તો શું કર્યું? (કાંઈ કર્યું નહીં.)
હવે એ વાત વિશેષ સમજાવે છે :
જ્યારે આ આત્માને અનુભવમાં આવતા જે અનેક પર્યાયરૂપ ભેદભાવો તેમની સાથે મિશ્રિતપણું હોવા છતાં-એટલે ભગવાન આત્માના જ્ઞાનમાં પુણ્ય-પાપ દયા, દાન, વ્રત, આદિ અનેક પર્યાયરૂપ ભેદભાવો તેની સાથે મિશ્રિત હોવા છતાં સર્વ પ્રકારે ભેદજ્ઞાનમાં પ્રવીણપણાથી “આ અનુભૂતિ છે તે જ હું છું' અર્થાત્ જાણવાની દશા જે અનુભવમાં આવે છે તે જ હું છું અને જ્ઞાનમાં જણાય છે તે દયા, દાન, રાગાદિ વ્યવહાર તે હું નથી એમ આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. અહીં કહ્યું ને કે જ્ઞાનમાં જણાય કે આ રાગાદિ છે, પણ એ મોક્ષમાર્ગ નથી. ૧૨ મી ગાથામાં પણ કહ્યું કે “વ્યવહારનય તે કાળે જાણેલો પ્રયોજનવાન છે.” તે કાળે એટલે તે તે સમયે જેટલા પ્રમાણમાં રાગની અશુદ્ધતાના અને વીતરાગતા-શુદ્ધતાના અંશો છે તેને જાણવા એ ભેદરૂપ વ્યવહારજ્ઞાન છે. એ જાણેલો પ્રયોજનવાન છે, આદરેલો પ્રયોજનવાન નથી. આવી ચોકખી સ્પષ્ટ વાત હોવા છતાં ઘણા વર્ષોથી (અનંતકાળથી) માન્યું-મનાવ્યું હોય એટલે ફરવું કઠણ પડે. પણ જીવન જાય છે જીવન. (ખોટી માન્યતામાં આયુષ્ય પૂરું થઈ જશે). માર્ગ તો આ છે, ભાઈ !
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com