________________
ગાથા – ૬૩]
[૧૩૩
ફળ અર્થાતુ અતીન્દ્રિય આનંદદશા અમને ધ્યો. એટલે કે આપને અંદર દશામાં જે આનંદ છે તે આપો. -એમ પ્રાર્થના-વિનંતી કરતા ભગવાનને કહે છે.
અહીં કહ્યું કે મુનિને વીતરાગભાવરૂપ સમાધિ જામી ગઈ છે. જ્યારે પંચ મહાવ્રતનો વિકલ્પ-રાગ તો અસમાધિ-આકુળતા છે. અરે! ૨૮ મૂળગુણ પણ આકુળતા છે. આવો ભગવાનનો મારગ છે. અહા! મુનિરાજ શાંત...શાંત...શાંત...થઈ ગયા છે, તેમની નિર્વિકલ્પ આનંદની પરિણતિ ગાઢ થઈ ગઈ છે તથા તેમને અનાકુળ સમાધિ જામી ગઈ છે. જેમ દરિયો મધ્યબિંદુમાંથી ઉછળતા કાંઠે ભરતી આવે છે તેમ આત્માના મધ્યબિંદુમાં અનંત ગુણ પડ્યા છે તેના ઉપર મુનિની દૃષ્ટિનું જોર છે, તેથી પર્યાયમાં આનંદમય સમાધિનો પ્રવાહ આવે છે. લ્યો, આવું સાધુપણું હોય છે. અરે! પણ અજ્ઞાની તો મુંડાવીને લુગડાં ફેરવ્યા એટલે સાધુ થઈ ગયા એમ માને છે. પરંતુ ધૂળેય તે સાધુ નથી સાંભળ ને
‘મનુષ હોના મુશ્કેલ હૈ, સાધુ કહાંસે હોય;
સાધુ હુઆ તો સિદ્ધ હુઆ, કરણી રહી ન કોય.” જેમની નિર્વિકલ્પ સમાધિ આનંદમાં જામી ગઈ છે તે સિદ્ધ (સમાન) છે અને એવા સાધુને ભગવાન ‘સાધુ' કહે છે. સમ્યગ્દષ્ટિ પણ આવા સાધુને ‘સાધુ' તરીકે માને છે.
‘જેને સર્વ જીવો પ્રત્યે અનુકંપા છે.'
બધા પ્રત્યે મુનિને અરાગી-અકષાયી અનુકંપા પરિણમી છે, પ્રગટી છે. કોઈપણ જીવ પ્રત્યે “આ ઠીક છે ને આ અઠીક છે' એવો ભાવ છે નહીં. બધા જીવો તેમને જોય તરીકે જાણવામાં છે. અહીં સર્વ જીવો લીધા છે ને? તો, એકેંદ્રિય—લીલોતરીનો એક કણ હોય કે મોટું નારિયેળ હોય (નારિયેળ એકેંદ્રિય જીવ છે) તે બધા – પ્રત્યે પણ તેમને અકષાયી અનુકંપા છે. તે કોઈ પ્રત્યે તેમને મારવાનો કે ઉગારવાનો-બચાવવાનો વિકલ્પ છે નહીં. અહા! આ (-અનુકંપા) તો પોતાના આત્માને માટે છે, બાકી બીજા સુખી થાવ કે ન થાવ તે તેને આધીન છે.
જે વિહિત ( શાસ્ત્રાજ્ઞા મુજબનું) હિત-મિત ભોજન કરનાર છે..' વિહિત = શાસ્ત્રાજ્ઞા મુજબનું, ભગવાને કહેલું; હિત = પ્રમાદ-રાગાદિ ન થાય એવું અને મિત = મર્યાદાવાળું. –આવું ભોજન તેઓ (મુનિ) કરે છે.