________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૧
ગાથા-૪] એકવાર રોવું હોય તો રોઈ લે, પણ અમે કોલકરાર કરીએ છીએ કે આત્માના ધર્મને અંગીકાર કરીને અમે માતાની કુખે હવે ફરીને નહીં આવીએ.
અહીં કહે છે-જે આ (–શુદ્ધરત્નત્રય) અંગીકાર કરશે તે ફરીને માતાની કુંખમાં નહિ આવે, અર્થાત્ તેને હવે પછી અવતાર નહિ હોય. અહા ! મુનિરાજ કહે છે-અમારું લક્ષ આત્મા સિવાય બીજે ક્યાંય નથી. અમે આનંદધામ પ્રભુ આત્મા છીએ, અમારામાં આનંદ ધ્રુવ શક્તિએ ભર્યો પડ્યો છે તેને અમે પર્યાયમાં સાક્ષાત્ મેળવવા માટે આ શુદ્ધરત્નત્રયને અંગીકાર કર્યા છે. અહા! “આ જાણીને' અર્થાત્ નિર્મળ રત્નત્રયને અંગીકાર કરીને જે સ્વસ્વરૂપમાં લીન રહે છે તે જીવ ફરીને માતાના પેટમાં આવતો નથી, અને તે ભવ્ય છે, મોક્ષને પાત્ર છે. ફરીને માતાની કુખે ન આવે તે લાયક જીવ છે, ભવ્ય છે. બાકી સ્વર્ગનો ભવ હો કે નરકનો-એ બધા કલંક છે. (ભવ ધારણ ન કરે તે નિષ્કલંક છે.)
અહા! મોક્ષને પામનારા ભગવંતોએ આ કહ્યું છે કે ભગવાન! તારું શુદ્ધ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તારાથી જુદું નથી, તું જ તે છો, તું જ પોતે એ રત્નત્રયસ્વરૂપે પરિણમ્યો છો. અહા ! આમ જાણીને અર્થાત્ એ પ્રમાણે આચરણ કરીને જે જીવ માતાના પેટમાં ફરીને આવે નહિ તે ભવ્ય છે. અરે ભાઈ, અવતાર તો કલક છે. યોગસારમાં (દોહા ૬૦માં) જન્મ એ શરમજનક કલંક છે એમ કહ્યું છે. જેમ પાંચ આંગળીઓ ઉપરાંત છઠ્ઠી લટકતી આંગળી કલંક છે, તેમ જિનસ્વરૂપ આનંદનો નાથ એવા ચૈતન્ય ભગવાનને અવતાર અર્થાત્ આ શરીરના લોચા ગ્રહણ કરવા એ કલંક છે; સ્વર્ગનો અવતારેય કલંક છે. જ્યારે ફરીને માતાના પેટમાં ન આવે, ને ભવરહિત થઈ મુક્તિ થાય એ નિષ્કલંક છે. એવો જીવ ભવ્ય છે. “સ: ભવ્ય:' એમ કહ્યું છે ને? મતલબ કે આત્માનાં શુદ્ધરત્નત્રય ગ્રહણ કરીને જે ફરીને અવતાર ધારણ ન કરે તે ભવ્ય છે, મુક્તિને યોગ્ય છે. લ્યો, આ કળશ પૂરો થયો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com