________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૫૩
ગાથા-ર૭] શાંતિ, આનંદ આદિ બેહદ ગુણ પડ્યા છે એવો જે ભગવાન છે તેની અંદરમાં એકાગ્ર થઈને તે એકની ભાવના કરે. અને એનું નામ ભગવાન ધર્મ અને મુક્તિના ઉપાય કહે છે.
અહા! એણે એમ ને એમ–ચાર ગતિમાં રખડવામાં ને રખડવામાં-અનંતકાળ ગાળ્યો છે. ધર્મના નામે અધર્મ સેવ્યો છે, ને છતાં તેમાં ધર્મ માન્યો છે. તેને આવો ધર્મ તો સાંભળવા પણ મળ્યો નથી. એને તો બીજું સાંભળવા મળે છે. ભગવાનની ભક્તિ કરો ને ભક્તિ કરતાં કરતાં ધૂન લગાવો-આવું સાંભળવા મળે છે. પણ ભાઈ ! ભગવાનની ભક્તિની ધૂન લગાવવી એ તો રાગની ધૂન છે.
અહા! અંદર એકરૂપ આત્મા સચ્ચિદાનંદ પ્રભુ છે. અહા ! અંદર શાંતિથી ભરેલું એ તત્ત્વ પૂર્ણસ્વરૂપ છે. અતીન્દ્રિય આનંદનું ધામ એ પ્રભુ આત્મા છે. તો તેની અંદર દષ્ટિ લગાવીને તેની એકાગ્રતાની ભાવના કરવી તેનું નામ મુક્તિનો ઉપાય છે, ને એ ધર્મ છે. લ્યો, આટલું તો યાદ રહે કે નહીં? જો આનો થોડો અભ્યાસ હોય તો સમજવામાં ઠીક (સુગમ ) પડે, પણ (આના અભ્યાસ વિના) બિચારા લોકો તો ક્યાંના ક્યાં-બહારમાં હેરાન હેરાન થઈને મરી જાય છે.
પ્રશ્ન: શત્રુંજય ને સમેદશિખરની જાત્રા કરીએ તો તો કલ્યાણ થઈ જાય ને? સમાધાન: ધૂળેય ન થાય સાંભળને! (કેમકે એ તો બધો રાગ છે ). પ્રશ્ન: આપણે પણ જાત્રામાં તો ગયા હતા?
સમાધાન: એ તો એવો શુભભાવ હોય છે, છતાં એ શુભભાવ આદરણીય નથી. અશુભથી બચવા માટે તે શુભભાવ હોય છે, છતાં તે આદરણીય નથી, અને ધર્મ પણ નથી. શું કીધું? કે એ શુભભાવ ધર્મ જ નથી. તેમાં જો ધર્મ માને તો શ્રદ્ધા ખોટી, તે ધર્મ છે એવું જ્ઞાન કરે તો જ્ઞાન ખોટું, અને તે રાગ છે માટે તે આચરણ પણ ખોટું છે. જગતને કઠણ પડે એવી વાત છે. પણ જુઓને! મુનિરાજે કેવી સ્પષ્ટ વાત કરી છે કે:-“શુદ્ધાત્માનમેન્ પરમસુરવપાર્થી ભાવયેદ્રવ્યનો: –એટલામાં તો કેટલું ભરી દીધું છે !
અહા ! જે કોઈ સાચા સુખનો અર્થી હોય..., સાચા સુખનો અર્થી હોં. બાકી આ બધામાં પૈસા આદિમાં-સુખ માનનારા તો મૂઢ છે; કેમકે તેમાં-ધૂળમાં ક્યાં સુખ છે? પૈસામાં, સ્ત્રીમાં, આબરૂમાં શું સુખ છે ? (ના). કારણ કે એ તો બધા જડ છે. છતાં તેમાં મને સુખ છે એવી તેણે કલ્પના કરી છે. પરંતુ એ તો મૂઢતા છે. અહા ! સુખ તો ભગવાન આત્મામાં-અંતરમાં-ત્રિકાળ પડયું છે. તો, અતીન્દ્રિય આનંદ ને સુખનો અર્થી એવો ભવ્યસમૂહ “શુદ્ધાત્માને એકને ભાવે.' ભવ્યસમૂહ કહીને બધા ભવ્ય જીવો કહ્યા છે.
ભગવાન આત્મા એકલો નિત્યાનંદ પ્રભુ છે. તો, તેની અંતરમાં ઓળખાણ કરીને, રાગ-વિકલ્પ થાય તે પર છે એમ જાણવું. અહા ! શરીરની ક્રિયા જડ છે, તેમ જ વાણીની ક્રિયા પણ જડ છે. અને રાગની ક્રિયા થાય તેમાં પણ હું નથી, અને તે રાગને જાણનારો જે એક સમયનો પર્યાય છે તેટલો પણ હું નથી, તેમાં પણ હું નથી. અહાહા..! નિમિત્તનું ભજન નહિ, રાગનું ભજન નહિ, તેમ જ પર્યાયનું પણ ભજન નહિ. અહીં તો ભવ્યસમૂહ એક શુદ્ધાત્માને-ત્રિકાળ ધ્રુવ આનંદકંદને-ભાવે એમ કહે છે. એટલે શું? એટલે કે તેમાં (શુદ્ધ આત્મામાં) એકાગ્ર થાય એમ કહે છે. લ્યો, આ ભાવના! શું એ કલ્પના હશે? (ના). ભાઈ ! આ તો મારગ આવો છે. શું થાય?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com