________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪
[નિયમસાર પ્રવચન છે એવા શ્રી વીર ભગવાન છે. અરે! તેમની અસ્તિનો સ્વીકાર અર્થાત્ ભગવાનના ગુણની પૂર્ણતાનો અને પુણ્યની પૂર્ણતાનો સ્વીકાર જેને અંતરમાં થાય છે તેને અંદરમાં સમ્યગ્દર્શન પ્રગટ થાય છે અને તે ભગવાનને યથાર્થ વંદન કરે છે. વળી કહે છે
“જન્મવૃક્ષનું બીજ જેણે નષ્ટ કર્યું છે.' જન્મરૂપી વૃક્ષ જેનાથી ફળ-ફાલે છે તે બીજનો-ચાર ઘાતિકર્મોનો ભગવાને સર્વથા નાશ કર્યો છે. અપૂર્વ અવસર માં શ્રીમદે કહ્યું છે ને કે-“ભવના બીજ તણો આત્યંતિક નાશ જ '... અહા ! એ ભવનું બીજ ચાર ઘાતિકર્મો છે અને તેને ભગવાને બાળી ભસ્મ કરી દીધાં છે. ભગવાનને હવે ભવ નથી. ભગવાન જિતભવ છે. ભાઈ ! આ ભવ ભવના અભાવ માટે છે એમ જાણવું જોઈએ.
વળી, “સમવસરણમાં જેનો નિવાસ છે.” જુઓ, આ ટીકા રચાય છે ત્યારે વીર ભગવાન તો મોક્ષ પધાર્યા છે. પણ વર્ધમાન તીર્થકર ભગવાનની જ્યારે હયાતી હતી તે વખતને લક્ષમાં લઈને જાણે કે ભગવાન સમવસરણમાં હુમણાં બિરાજતા ન હોય ?–એવી શૈલીથી સ્તુતિ કરી છે. અહા! ત્રિલોકનાથ ભગવાનનો સમવસરણમાં નિવાસ છે.
તો હવે તેમનામાં કોનો નિવાસ છે?
તો કહે છે કે કેવળશ્રી જેનામાં વસે છે.” અહાહા...! કેવળજ્ઞાન અને કેવળદર્શનારૂપી શ્રી લક્ષ્મી તેમનામાં વસે છે. ભગવાન સમવસરણમાં વસે છે-એ વ્યવહાર કહ્યો, અને તેમનામાં કેવળજ્ઞાન અને કેવળદર્શન વસે છે–એમ નિશ્ચય દર્શાવ્યો. અહા ! બધે એવી જ શૈલી લીધી છે.
અહા ! કેવળજ્ઞાન-કેવળદર્શન આદિ ચતુષ્ટય શક્તિરૂપે તો દરેક આત્મામાં ત્રિકાળ છે જ, પણ જેમણે તે પૂર્ણ શક્તિનો વિકાસ કર્યો છે એવા ભગવાનના આત્મામાં તે કેવળજ્ઞાન-કેવળદર્શનારૂપી લક્ષ્મી નિવાસ કરે છે, જ્યારે ભગવાન સમવસરણમાં નિવાસ કરે છે. અહા ! આવા “તે વીર જગતમાં જયવંત વર્તે છે” એમ કહે છે.
અહા! ભગવાન તો મોક્ષ પધાર્યા છે; છતાં તેઓ જયવંત વર્તે છે એટલે શું? એટલે કે જાણે તેઓ સમવસરણમાં આમ ને આમ ( તીર્થંકરપણે) બિરાજે છે એમ કહે છે. “સમવસરણમાં જેમનો નિવાસ છે” એમ કહ્યું છે ને? વળી તેમને દિવ્યવાણી હતી; તેમણે આ કહ્યું છે, આ કેવળીએ કહ્યું છે-એમ કહેવું છે ને? તો જેને વાણી હોય તે કહે ને? સિદ્ધને થોડી વાણી છે? માટે તેઓ જયવંત વર્તે છે એમ કહે છે. અર્થાત્ ભગવાન જ્યારે સમવસરણમાં બિરાજતા ત્યારે નિયમસાર-મોક્ષમાર્ગ એમની વાણીમાં આવ્યો હતો (તેથી તેઓ જયવંત છે એમ કહે છે).
પણ ભગવાન તો હમણાં મોક્ષ પધાર્યા છે, છતાં જયવંત વર્તે છે?
ભાઈ ! અમે તો જ્યારે દિવ્યધ્વનિ નીકળતી હતી તે વખતના ભગવાનને યાદ કરીને નમસ્કાર કરીએ છીએ. તેથી સમવસરણમાં દિવ્યવાણીના કહેનાર એવા વીતરાગ પરમેશ્વર જયવંત જ વર્તે છે. અને અમારા હૃદયમાં પણ તેઓ બિરાજે છે ને? (માટે પણ જયવંત વર્તે છે.) અહા ! આવા તીર્થકર અમારા જ્ઞાનહૃદયમાં બિરાજે છે અને તેથી એવી જ (તેમણે કહી છે તેવી જ) વાણી અમારા હૃદયમાંથી નીકળશે આવી વાત છે. -આ પહેલી ગાથા પરનો શ્લોક થયો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com